રસ્તા પર ચાલવાની ફરજ પડતાં ગુજરાતી યુવતીનો હિટ ઍન્ડ રનમાં જીવ ગયો?

20 September, 2020 07:42 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

રસ્તા પર ચાલવાની ફરજ પડતાં ગુજરાતી યુવતીનો હિટ ઍન્ડ રનમાં જીવ ગયો?

એકતા ચેતન જિણાદ્રા

બોરીવલી-વેસ્ટમાં લિન્ક રોડ પર શુક્રવારે સાંજે ૬ વાગ્યે થયેલા રોડ-ઍક્સિડન્ટમાં ૨૬ વર્ષની એકતા ચેતન જિણાદ્રાનું મૃત્યુ થયું હતું. અજાણ્યા વાહનચાલકે તેને અડફેટમાં લેતાં તે ગંભીર રીતે ઈજા પામી હતી અને ત્યાર બાદ તેનું મૃત્યુ થયું હતું. એમએચબી પોલીસે આ સંદર્ભે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ આદરી છે.

એમએચબી પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ-ઇન્સ્પેક્ટર જયવંત મત્તેએ આ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એકતા નજીકમાં જ એક ડૉક્ટર પાસે જઈ રહી હતી ત્યારે લિન્ક રોડ પર એસકે ક્લબની સામે દહિસરથી કાંદિવલી તરફ જતી લેનમાંથી પસાર થયેલા બસ જેવા કોઈક હેવી વાહને તેને અડફેટમાં લીધી હતી. અમે એ વિસ્તારના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ પણ ચકાસ્યાં છે, પણ એ વખતે ત્યાં બહુ વરસાદ પડી રહ્યો હતો અને જે ફુટેજ મળ્યાં છે એ દૂરના કૅમેરાના છે એથી એમાં કશું સ્પષ્ટ જોવા મળતું નથી. અમે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ કરી રહ્યા છીએ.’

એકતાના આકસ્મિક મોતને કારણે તેના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. મૂળ ભાવનગર જિલ્લાના સિહોર પાસેના ટણા-વરલ ગામના પરજિયા સોની ચેતનભાઈ જિણાદ્રા અને તેમનો પરિવાર વર્ષોથી લિન્ક રોડ પર આવેલા ઍમેઝૉન બિલ્ડિંગમાં રહે છે. એકતાના મોટા પપ્પા નરેશભાઈએ કહ્યું કે ‘ચેતનભાઈ અને એકતા બન્ને પ્રાઇવેટ જૉબ કરે છે. એકતા હાલમાં વર્ક ફ્રૉમ હોમ કરતી હતી. શુક્રવારે તેને હાથમાં નાનીઅમસ્તી ઈજા થતાં તે નજીકમાં જ ડૉક્ટરને બતાવવા જઈ રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો.’

અકસ્માતની જાણ થયા બાદ પરિવારના સભ્યો અને પોલીસ ઘટનાસ્થળે ધસી ગયા હતા. એ પછી એકતાના મૃતદેહને કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં પહેલાં તેની કોવિડ-ટેસ્ટ કરાઈ હતી, જેનો રિપોર્ટ શનિવારે બપોરે આવ્યો હતો. ત્યાર બાદ પોસ્ટમૉર્ટમ કરીને મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો.

એમએમઆરડીએએ અચાનક કેમ શરૂ કરી સફાઈ?

એકતા ઍમઝૉન અપાર્ટમેન્ટમાંથી નીકળીને જમણી બાજુ તરફ જઈ રહી હતી. તેની ઇમારત સામે જ એમએમઆરડીએ દ્વારા મેટ્રોનું સ્ટેશન બની રહ્યું છે. હાલમાં ત્યાંની ફુટપાથ પર મેટ્રોનો જ માલ જેવો કે બ્લૉક્સ, લોખંડના ગર્ડર અને અન્ય વસ્તુઓનો ખડકલો પડ્યો છે. એટલું જ નહીં, રોડ પરની છેવટની ત્રીજી લેન અને બીજી લેનના કેટલાક પોર્શનને કવર કરી લેતા બે મોટા સિમેન્ટના બ્લૉક અને એની પાછળ લોખંડના ગર્ડર મુકાયા છે એથી ફુટપાથ પર તો ચાલવાની જગ્યા જ નથી, પરંતુ રસ્તા પર પણ રાહદારીને ચાલવાની જગ્યા બહુ ઓછી બચે છે એટલે એકતાએ પણ રોડ પરથી જ ચાલીને એ તરફ જવું પડ્યું હતું. જે જગ્યાએ એકતાનો ઍક્સિડન્ટ થયો એ જગ્યા સિમેન્ટના બ્લૉક પાસે જ છે.

શનિવારે બપોરે એમએમઆરડીએના કૉન્ટ્રૅક્ટર જે. કુમાર દ્વારા એ ફુટપાથ પરથી સિમેન્ટના નાના બ્લૉક્સ, રોડ પરનું કૉન્ક્રીટ અને અન્ય કાટમાળ વગેરે હટાવવાનું કામ જેસીબી દ્વારા ઝડપભેર ચાલી રહ્યું હતું. સાઇટ-સુપરવાઇઝર મોહન પાટીલે કહ્યું કે ‘અમને પણ એ અકસ્માતની જાણ થઈ છે. અમને કહેવામાં આવ્યા મુજબ અમે આ બધું હટાવી રહ્યા છીએ. આ કામ અલગ-અલગ કૉન્ટ્રૅક્ટરને સોંપાયું છે. લોખંડના ગર્ડર બીજા કૉન્ટ્રૅક્ટર ઉપાડશે, જ્યારે સિમેન્ટના મોટા બ્લૉક્સ અમે સોમવારે હટાવીશું.’

મુખ્ય બાબત એ છે કે ફુટપાથ અને રસ્તો રોકાયો હોવાથી એકતાએ રોડ પર ચાલવાની ફરજ પડી હતી. તો શું એ અકસ્માત બાદ સફાળી જાગીને એમએમઆરડીએ તાત્કાલિક પગલાં લઈ તપાસનો રેલો તેમના સુધી ન પહોંચે એ માટે આ સફાઈ અભિયાન આદરી દીધું? શું પોલીસ તેમને જવાબદાર ગણીને તેમની સામે કોઈ ઍક્શન લેશે?

borivali mumbai mumbai news mumbai metropolitan region development authority