નવી મુંબઈમાં કોરોના કેસ વધવાનું કારણ એપીએમસી?

21 November, 2020 08:06 AM IST  |  Mumbai | Rohit Parikh

નવી મુંબઈમાં કોરોના કેસ વધવાનું કારણ એપીએમસી?

એપીએમસી માર્કેટ

દિવાળીના તહેવારો પૂરા થતાં નવી મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસમાં કોવિડના કેસો ૧૦૦નો આંકડો પાર કરી જતાં નવી મુંબઈ મહાનગરપાલિકા કોવિડ પર નિયંત્રણ રાખવા માટે સજાગ થઈ ગઈ છે. નવી મુંબઈ મહાનગરપાલિકાના આયુક્ત અભિજિત બાંગરે સ્થાનિક રહેવાસીઓને અને વિશેષ રૂપે એપીએમસી માર્કેટના વેપારીઓને કોવિડના નિયમોનું કડક રીતે પાલન કરવા અને સાવધાનીપૂર્વક વર્તવાનું આહ્‍વાન કર્યું છે. એટલું જ નહીં, નવી મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના બધા જ અધિકારીઓની રજા રદ કરી દીધી છે. જોકે કમિશનરના નિવેદનમાં તેમણે એપીએમસી માર્કેટને ટાર્ગેટ બનાવી હોવાથી એપીએમસીની બધી જ હોલસેલ માર્કેટના વેપારીઓમાં જબરદસ્ત નારાજગી પ્રવર્તી છે.

નવી મુંબઈમાં છેલ્લા આઠ દિવસમાં ૧૦૦થી નીચે રહેલી કોરોના-સંક્રમિતોની સંખ્યા ગઈ કાલે ૧૬૮ હતી અને ત્રણ જણનાં મૃત્યુ થયાં હતાં. એ પહેલાં ગુરુવારે એ સંખ્યા ૧૭૫ ઉપર ગઈ હતી અને એ દિવસે પણ ત્રણ જણનાં મૃત્યુ થયાં હતાં એ જોતાં નવી મુંબઈમાં કોવિડ પૉઝિટિવની સંખ્યામાં નજીકના ભવિષ્યમાં વધારો થવાની શક્યતા નકારી શકાતી નથી. એને લીધે મહાનગરપાલિકાએ ફરીથી લોકોની કોવિડ-ટેસ્ટ શરૂ કરી દીધી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ રોજની વધુમાં વધુ કોવિડ-ટેસ્ટ કરવામાં સક્રિય થઈ ગયા છે. અત્યારે તેઓ રોજની ૪૦૦૦થી વધુ લોકોની ટેસ્ટ કરી રહ્યા છે.

અભિજિત બાંગરે નવી મુંબઈની કોવિડની પરિસ્થિતિ બાબતમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નવી મુંબઈમાં ગઈ કાલ સુધીમાં ૪૬,૭૮૭ લોકો કોવિડના સકંજામાં આવી ગયા હતા, જેમાંથી ૪૪૫૬૮ દરદીઓ સાજા થયા છે, જ્યારે ૯૫૩ દરદીઓના અત્યાર સુધીમાં મૃત્યુ થયાં છે. ગઈ કાલે ૮૩ દરદીઓ સાજા થઈને ઘરે ગયા હતા, જ્યારે ૧૨૬૬ દરદીઓ સારવાર હેઠળ છે. નવી મુંબઈમાં કોરોનામુક્તિનો દર ૯૫ ટકા છે. કોવિડના દરદીઓની સંખ્યા તહેવાર પહેલાં ઘટવાથી ચિંતા ઘટી હતી. જોકે દિવાળીના તહેવારોમાં એપીએમસી માર્કેટમાં જમા થયેલી ભીડ જોતાં હવે પછી કોવિડની સંખ્યામાં ઉછાળો આવશે એવો અમને ભય લાગતો હતો. બુધવારે કોવિડના દરદીઓની સંખ્યા ૧૩૧ હતી, જે વધીને ગુરુવારે ૧૭૫ સુધી પહોંચી ગઈ હતી. જ્યારે ગઈ કાલની કોવિડ પૉઝિટિવ દરદીઓની સંખ્યા ૧૬૮ સુધી પહોંચી હતી, જેને કારણે મહાનગરપાલિકા કોવિડના મુદ્દે સજાગ બની ગઈ છે. અમે ૨૮૦૦ ઑક્સિજન સાથેના બેડ તૈયાર રાખ્યા છે તેમજ અત્યવસ્થ દરદીઓ માટે ૪૫૦ બેડની અલગ-અલગ હૉસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે.

નવી મુંબઈમાં દિવાળીના તહેવારો પૂરા થયાના ત્રણ દિવસમાં કોવિડના દરદીઓનો આંકડો ૨૦૦ની આસપાસ પહોંચી ગયો છે. આવતા ૨૭ દિવસમાં આ સંખ્યામાં વધારો થવાની શક્યતા પ્રશાસને વ્યક્ત કરી છે. આથી આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મહાનગરપાલિકાના કમિશનર અભિજિત બાંગરે ફરીથી વિડિયો-કૉન્ફરન્સ કરીને બંધ કરેલાં કોવિડ-સેન્ટર ફરી શરૂ કરવાની તૈયારી કરી દીધી છે. બે દિવસમાં ૪૦૦૦ લોકોની કોવિડ-ટેસ્ટ કરવામાં આવી છે. ટૂંક સમયમાં શહેરના આઠથી નવ હજાર નાગરિકો સાથે સંવાદ કરવામાં આવશે. લોકોને સહેજ પણ કોવિડનાં લક્ષણો જણાશે તો તરત જ ઉપચાર કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. જે લોકો કૉન્ટ્રૅક્ટ પર આરોગ્ય સેવા આપી રહ્યા હતા તેમની પણ રજા રદ કરવામાં આવી છે. ડિસેમ્બર ૧૫ સુધીમાં સંપૂર્ણ યંત્રણા ફરીથી સજ્જ કરવાની પ્રશાસને તૈયારી કરી દીધી છે.

આ પહેલાં પણ મહાનગરપાલિકાએ નવી મુંબઈના કોવિડના ફેલાવા માટે એપીએમસી માર્કેટને ટાર્ગેટ બનાવી હતી એમ જણાવતાં ગ્રોમાના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી માર્કેટમાં અત્યારે કોઈ કેસ નથી છતાં નવી મુંબઈના મહાનગરપાલિકાના કમિશનરની સૂચનાને પગલે ગઈ કાલે સાંજે વાશીના ડેપ્યુટી પોલીસ કમિશનર સુરેશ મેંગડેએ દાણાબજારના ડિરેક્ટર નીલેશ વીરા અને ગ્રોમાના પદાધિકારીઓ ભીમજી ભાનુશાલી તથા મહેન્દ્ર ગજરાને આ મુદ્દે ચર્ચા કરવા બોલાવ્યા હતા. તેમણે અમને કોવિડની બીજી વેવમાં તમારી માર્કેટમાં વધુમાં વધુ સાવધાનીનાં પગલાં લેજો એવી સૂચના આપી હતી. તેમણે અમને કહ્યું હતું કે તમારી માર્કેટ અત્યારે બધાની નજરમાં છે. અમે તેમને ખાતરી આપતાં કહ્યું હતું કે અમે પહેલા વેવમાં પણ સાવચેતીનાં બધાં પગલાં લીધાં હતાં અને અત્યારે પણ અમે કોવિડના નિયમોનું કડક પાલન થાય એ માટે જરૂરી બધી કાર્યવાહી કરી છે. અમારી માર્કેટમાં અમે સૅનિટાઇઝેશનથી લઈને માસ્ક પહેરવા સુધીના બધા જ નિયમોનું પાલન કરવામાં આવે છે.

એપીએમસીની હોલસેલ શાક માર્કેટના ડિરેક્ટર શંકર પિંગળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ગિરદી ફક્ત એપીએમસી માર્કેટમાં જ થતી નથી. મહારાષ્ટ્ર સરકારે શહેરને અનલૉક કર્યા પછી રેસ્ટોરાં અને મૉલ જેવી જગ્યાઓમાં પણ જનમેદની જમા થાય છે, પરંતુ મહાનગરપાલિકા અમારી માર્કેટમાં જ ગિરદી થાય છે અને અમારે લીધે જ કોવિડનો નવી મુંબઈમાં ફેલાવો થાય છે એવું અનુમાન લગાડી રહી છે. અમારી માર્કેટના બધા વેપારીઓ અને ગ્રાહકો કોવિડના બધા જ નિયમોનું પાલન કરીએ છીએ. અમારે ત્યાં સૅનિટાઇઝ કરવામાં આવે છે. માસ્ક પહેર્યા વગર અમારી માર્કેટમાં પ્રવેશ આપવામાં આવતો નથી. માસ્ક વગરની વ્યક્તિઓ પર અમે જ દંડાત્મક કાર્યવાહી કરીએ છીએ. અમે ખૂબ જ સાવધાનીપૂર્વક બિઝનેસ કરીએ છીએ. એપીએમસીને લીધે નવી મુંબઈમાં કોવિડનો ફેલાવો થાય છે એમ કહેવું વાજબી નથી. અમારી માર્કેટમાં થોડા મહિનાઓથી કોઈ જ કોવિડ પૉઝિટિવ કેસ નોંધાયો નથી.

આવો જ મત વ્યક્ત કરતાં કાંદા-બટાટા બજારના અગ્રણી વેપારી કેતન જસાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે છેલ્લા અઢી મહિનામાં અમારી માર્કેટમાં એક પણ કોવિડનો કેસ આવ્યો નથી. અમારી માર્કેટમાં અમે કોવિડના નિયમોના પાલન સાથે જરૂરી બધા જ કોવિડનો ફેલાવો ન થાય એ માટેનાં તકેદારીનાં પગલાં લઈએ છીએ.’

mumbai mumbai news navi mumbai apmc market coronavirus covid19