મુંબઈ: થાણેના પોલીસ સ્ટેશનમાં 571 કરોડ 33 લાખની ખંડણીનો કેસ નોંધાયો

10 June, 2019 11:55 AM IST  |  મુંબઈ

મુંબઈ: થાણેના પોલીસ સ્ટેશનમાં 571 કરોડ 33 લાખની ખંડણીનો કેસ નોંધાયો

પ્રતીકાત્મક તસવીર

બે-પાંચ લાખ કે એકાદ કરોડ રૂપિયાની ખંડણી માગવાના મામલા સામે આવતા હોય છે, પરંતુ પોલીસને ચોપડે અધધ ૫૭૧ કરોડ રૂપિયાની ખંડણી મગાઈ હોય એવો કદાચ પહેલો કેસ થાણેના માનપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. મુંબઈના એક જાણીતા બિલ્ડર ગ્રુપના ઑફિસરે એક વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.

માનપાડા પોલીસના જણાવ્યા મુજબ એક જાણીતા બિલ્ડર ગ્રુપના ટોચના અધિકારી કસ્ટમર કેરનું કામકાજ સંભાળે છે. એમણે શુક્રવારે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં લખ્યું છે કે જાન્યુઆરીમાં તેઓ નિળજે પરિસરમાં કામ માટે આવ્યા હતા ત્યારે એક એસ્ટેટ એજન્ટે એમને વૉટ્સઍપ પર મૅસેજ મોકલ્યો હતો. મૅસેજમાં બિલ્ડર ગ્રુપે ૫૭૧ કરોડ ૩૩ લાખ રૂપિયા તાત્કાલિક ધોરણે આપવાની માગણી કરાઈ હતી. આમ નહીં કરાય તો કંપનીના લોકોને ખોટા કેસમાં ફસાવવાની સાથે જેલમાં બંધ કરી દેવાની ધમકી અપાઈ હતી. બે મહિના બાદ ફરી આ જ પ્રકારનો મૅસેજ આવ્યો હતો. એ પછી તો ખંડણી માગવાની સાથે ધમકી આપવાના અનેક મૅસેજ મળ્યા હતા.

આ પણ વાંચો : ઑટોરિક્ષા યુનિયનોએ મહારાષ્ટ્રભરમાં 9 જુલાઈથી હડતાળ પાડવાનો નિર્ણય લીધો

માનપાડા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર દાદાહરી ચૌરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે વૉટસઍપથી મૅસેજ મોકલીને ૫૭૧ કરોડ ૩૩ લાખ રૂપિયાની ખંડણી માગવાની સાથે ધમકી આપવા બદલ એક આરોપી સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.’

thane mumbai crime news Crime News