ટીનેજર્સનું વૅક્સિનેશન સૌથી મોટી ચૅલેન્જ છે

05 June, 2022 08:17 AM IST  |  Mumbai | Prajakta Kasale

૧૨થી ૧૫ અને ૧૫થી ૧૭ વર્ષના યુવાનોના રસીકરણમાં મુંબઈ હજી રાજ્યના અન્ય ભાગો કરતાં ઘણું પાછળ છે

નાયર હૉસ્પિટલમાં વૅક્સિન લઈ રહેલો ટીનેજર (તસવીર : આશિષ રાજે)

બાળકોનું વૅક્સિનેશન શરૂ કર્યાને થોડા મહિના થયા હોવા છતાં હજી પણ ગણતરીનાં બાળકો રસી મુકાવવા આગળ આવ્યાં છે. એ માટે સંબંધિત અધિકારીઓ પરીક્ષા અને ઉનાળુ વેકેશન જેવાં કારણો આગળ ધરે છે. પુખ્ત વયના લોકોમાં મુંબઈએ ૧૦૦ ટકા વૅક્સિનેશન નોંધાવ્યું છે, પરંતુ ૧૨થી ૧૫ અને ૧૫થી ૧૭ વર્ષના યુવાનોના રસીકરણમાં મુંબઈ હજી રાજ્યના અન્ય ભાગો કરતાં ઘણું પાછળ છે.  

આનું મુખ્ય કારણ છે યુવાવસ્થા એમ જણાવતાં બીએમસીના હેલ્થ એક્ઝિક્યુટિવ ઑફિસર ડૉક્ટર મંગલા ગોમારેએ કહ્યું હતું કે ‘આ વયજૂથનાં બાળકો એટલાં નાનાં નથી કે મા-બાપનું કહ્યું કરે અને એટલાં મોટાં પણ નથી કે રસીકરણનું મહત્ત્વ સમજે. વળી આમાંનાં ઘણાં બાળકો ઇન્જેક્શનના નામથી જ ગભરાય છે. આથી તેમને રસી લગાવવી એ એક પડકારજનક કામ છે.’

રાજ્ય સરકારે ૧૫થી ૧૭ વર્ષનાં કુલ ૬.૧૨ લાખ બાળકોના રસીકરણનો ટાર્ગેટ આપ્યો હતો, જેની સામે બીએમસીએ ૯.૨૨ લાખ કિશોરોનો ટાર્ગેટ સેટ કર્યો હતો. જોકે જાન્યુઆરીથી શરૂ કરાયેલા વૅક્સિનેશન બાદથી અત્યાર સુધીમાં માત્ર ૨.૮૬ લાખ બાળકોએ રસીના બંને ડોઝ લીધા છે, જ્યારે ૧૨થી ૧૪ વર્ષના વયજૂથમાં હજી સુધીમાં ૪ લાખ બાળકોના લક્ષ્યાંક સામે માત્ર ૩૦ ટકા બાળકોએ એક ડોઝ અને ૧૦ ટકા બાળકોએ રસીના બંને ડોઝ લીધા છે.

ડૉક્ટર મંગલા ગોમારેએ કહ્યું હતું કે ‘રસીકરણની ઝુંબેશ ઝડપી  માટે બાળરોગનિષ્ણાતો સાથે પહેલેથી જ સંકલન કરીને હજી સુધી ડોઝ ન લેનારાઓ માટે ‘હર ઘર દસ્તક’ ઝુંબેશ શરૂ કરી છે. સ્કૂલો ખૂલ્યા પછી બાળકોને રસી આપવા માટે અમે અમારાં કેન્દ્રોને સ્કૂલોમાં લઈ જઈશું.’

mumbai mumbai news coronavirus covid19 covid vaccine vaccination drive prajakta kasale