મેટ્રો કારશેડ માટે BKCમાં રાજ્ય સરકારની માલિકીના પ્લૉટની વિચારણાઃરાઉત

19 December, 2020 09:41 AM IST  |  Mumbai | Agency

મેટ્રો કારશેડ માટે BKCમાં રાજ્ય સરકારની માલિકીના પ્લૉટની વિચારણાઃરાઉત

સંજય રાઉત

મેટ્રો રેલવેના કારશેડ માટે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ(બીકેસી)માં રાજ્ય સરકારની માલિકીના ભૂખંડના ઉપયોગની વિચારણા ચાલતી હોવાનું શિવસેનાના સંસદ સભ્ય સંજય રાઉતે જણાવ્યું હતું. જોકે બીજેપીના નેતા આશિષ શેલારે કારશેડનું સ્થળ બીકેસીમાં શિફ્ટ કરવાની વિચારણાને મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ખોરવવાનું કાવતરું ગણાવ્યું હતું.

ગઈકાલે પત્રકારો સાથે વાતચીતમાં રાજ્ય સભાના સભ્ય સંજય રાઉતે જણાવ્યું હતું કે ‘’કાંજૂર માર્ગમાં મેટ્રો કારશેડ માટે નક્કી કરવામાં આવેલી જગ્યા બાબતે મુંબઈ વડી અદાલતના હુકમને પગલે એ કારશેડનું ભાવિ અધ્ધર હોવાનું ઘણા લોકો માનતા હતા. પરંતુ એ બાબતમાં વિરોધ પક્ષોએ ચિંતા કરવાની જરૂર નથી. કારશેડ પ્રોજેક્ટ બીકેસીમાં શિફ્ટ કરવાનું પગલું અયોગ્ય હોવાનું કહેતા બીજેપીવાળાને હું કહીશ કે સરકારે કોઈની સલાહ પણ લેવાની જરૂર નથી.‘’

કૉર્પોરેટ કંપનીઓ, બૅન્કો અને સરકારી ઑફિસો ધરાવતા બીકેસી વિસ્તારમાં મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનનું એક સ્ટેશન પણ બાંધવાનું આયોજન છે. મેટ્રો-થ્રી પ્રોજેક્ટ માટે કાંજૂર માર્ગમાં મીઠાના અગરની ૧૦૨ એકર જમીન ફાળવવાના મુંબઈ સબર્બન કલેક્ટરના આદેશ પર મુંબઈ વડી અદાલતે ગયા બુધવારે સ્ટે ઓર્ડર આપ્યો હતો. અગાઉ મેટ્રો-થ્રીના કારશેડ રૂપે આરે કૉલોનીમાં જગ્યા નક્કી કરવાના દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની બીજેપીની સરકારના નિર્ણય સામે પર્યાવરણવાદીઓ, શિવસેના અને અન્ય કેટલાક રાજકીય પક્ષોએ વિરોધ કર્યો હતો. ગયા વર્ષની વિધાનસભાની ચૂંટણી પછી સત્તા પર આવેલી શિવસેના પ્રણિત મહાવિકાસ આઘાડી સરકારે મેટ્રો-થ્રી કારશેડનું સ્થળ બદલીને કાંજૂર માર્ગમાં લઈ જવાનો નિર્ણય લીધો હતો. એ નિર્ણયના અનુસંધાનમાં મુંબઈના ઉપનગર ક્ષેત્રના કલેક્ટરે મીઠાના અગરની ૧૦૨ એકર જમીન ફાળવી હતી. પરંતુ એ જમીનની માલિકીનો દાવો કરતાં કેન્દ્ર સરકારે મુંબઈ વડી અદાલતમાં અરજી કરી હતી. એ અરજીની સુનાવણીમાં વડી અદાલતે જમીનની ફાળવણી પર સ્થગન આદેશ આપ્યો હતો.

બીજેપીના નેતા આશિષ શેલારે ગઈકાલે જણાવ્યું હતું કે ઉધ્ધવ ઠાકરેની મહાવિકાસ આઘાડી સરકારમાં મેટ્રો રેલવે પ્રોજેક્ટ બાબતે કોઈ ગંભીરતા નથી. ઉલટું તેઓ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ખોરવવાનો પ્રયત્ન કરે છે. કારશેડ માટે કાંજૂર માર્ગમાં જમીનની ફાળવણી પર વડી અદાલતના સ્ટે ઓર્ડર પછી એ પ્રોજેક્ટ આરે કૉલોનીમાં શિફ્ટ કરવાને બદલે બીકેસીમાં લઈ જવાનો નિર્ણય લઇને તેઓ બેજવાબદારીભરી રમત રમી રહ્યા છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પણ અવરોધીને તેઓ વિકાસ યોજનાઓ બાબતે ગંભીરતાનો અભાવ દર્શાવે છે.

mumbai mumbai news mumbai metro sanjay raut ashish shelar maharashtra