ઉલ્હાસનગરમાં બિલ્ડિંગનો સ્લૅબ તૂટ્યો : ચારનાં મોત અને બેની શોધખોળ ચાલુ

16 May, 2021 08:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉલ્હાસનગર કૅમ્પ-૧ના ચરણદાસ દરબાર સામે આવેલા મોહિની પૅલેસ બિલ્ડિંગના ચોથા માળથી લઈને પહેલા માળ સુધીના સ્લૅબ ગઈ કાલે બપોરે ૧.૪૦ વાગ્યે તૂટી પડ્યા હતા. એમાં ચાર જણનાં મૃત્યુ થયા છે અને ૧૧ જણને બચાવી લેવાયા છે

પ્રતીકાત્મક તસવીર - મિડ-ડે

ઉલ્હાસનગર કૅમ્પ-૧ના ચરણદાસ દરબાર સામે આવેલા મોહિની પૅલેસ બિલ્ડિંગના ચોથા માળથી લઈને પહેલા માળ સુધીના સ્લૅબ ગઈ કાલે બપોરે ૧.૪૦ વાગ્યે તૂટી પડ્યા હતા. એમાં ચાર જણનાં મૃત્યુ થયા છે અને ૧૧ જણને બચાવી લેવાયા છે, જ્યારે વધુ ૨ જણ કાટમાળ હેઠળ અટવાયા હોવાની ભીતિ સેવાઈ રહી છે. 

ઘટનાની જાણ થતાં જ ફાયર એન્જિન ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. સ્થાનિક પોલીસ પણ ભીડને કાબૂમાં રાખવા પહોંચી ગઈ હતી. થાણે સુધરાઈના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના ઑફિસરના જણાવ્યા પ્રમાણે ચોથા માળનો સ્લૅબ તૂટી પડતાં ત્રીજા માળે અને એમ ત્યાર બાદ  પહેલા માળ સુધીના સ્લૅબ તૂટી પડ્યા હતા. આ હોનારતમાં ચાર જણનાં મૃત્યુ થયા છે, જ્યારે કાટમાળ હેઠળ ફસાયેલા ૧૧ જણને ફાયર બ્રિગેડના જવાનોએ બચાવી લીધા હતા, અન્ય ૨ જણ કાટમાળ હેઠળ ફસાયા હોવાની ભીતિ સેવાતી હતી. તેમને શોધવાનું કાર્ય મોડી સાંજ સુધી ચાલી રહ્યું હતું. ઘાયલોને નજીકની હૉસ્પિટલોમાં સારવાર માટે લઈ જવાયા હતા.   

ઘટનાની જાણ થતાં પોલીસ કમિશનર રાજા દયાનિધિ અને વિધાનસભ્ય કુમાર આયલાનીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.    

mumbai mumbai news ulhasnagar thane