શૅર ટૅક્સીચાલકોથી સાવધાનઃ તમારી નોટ બદલીને છેતરી શકે છે

14 October, 2019 12:36 PM IST  |  મુંબઈ

શૅર ટૅક્સીચાલકોથી સાવધાનઃ તમારી નોટ બદલીને છેતરી શકે છે

છેતરપિંડીનો ભોગ બનનાર નિર્મલા શાહ

તળમુંબઈમાં કાલબાદેવી અને દાદરમાં ૬ સીટર કાળીપીળી શૅરિંગ ટૅક્સી ચાલે છે. આમાંથી કેટલાક ટૅક્સીચાલકો મોડી સાંજે કે રાતના સમયે પ્રવાસીઓ સાથે ચીટિંગ કરતા હોવાની ચોંકાવનારી ઘટના છેલ્લા કેટલાક સમયથી બનતી હોવાનું જાણવા મળ્યું છે. કસ્ટમરો ૨૦૦૦ રૂપિયા કે ૫૦૦ રૂપિયાની નોટ આપે તો ટૅક્સીચાલક હાથચાલાકીથી ૨૦૦ કે ૧૦૦ રૂપિયાની નોટ અપાઈ હોવાનું કહીને છેતરે છે એવી ફરિયાદ થઈ રહી છે.

થાણેમાં રહેતાં નિર્મલા શાહ તાજેતરમાં કાલબાદેવીથી સીએસટી જવા માટે તેમની ત્રણ ફ્રેન્ડ્સ સાથે ટૅક્સીની રાહ જોતાં ઊભાં હતાં ત્યારે એક ટૅક્સીવાળાએ સામેથી તેમને બોલાવીને બેસાડ્યાં હતાં. આગળની સીટ પર ટૅક્સીચાલક સાથે અન્ય એક વ્યક્તિ બેઠી હતી. કાલબાદેવીથી ટૅક્સી સીએસટી પહોંચી એ દરમ્યાન ભાડા માટે ત્રણ મહિલાએ આપેલી ૨૦૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટને ટૅક્સીચાલકે ૨૦૦ અને ૧૦૦ રૂપિયામાં બદલી નાખી હોવાનું આ મહિલાઓએ કહ્યું હતું.

નિર્મલા શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટૅક્સીચાલકે મને કહ્યું કે મારી બાજુમાં બેસેલા ભાઈને ૧૦૦ની નોટને બદલે ૨૦૦૦ રૂપિયાની નોટ આપવી છે. તમારી પાસે હોય તો આપો. મેં તેને ૨૦૦૦ની નોટ આપતાં તેણે ચાલાકીથી મને ૨૦૦ની નોટ બતાવતાં કહ્યું કે આ તો ૨૦૦ રૂપિયા છે. ત્યારે અંધારામાં કદાચ મારાથી ૨૦૦ની નોટ પર્સમાંથી અપાઈ હોવાનું હું સમજી હતી. ત્યાર બાદ તેણે મારી ફ્રેન્ડ પાસેથી ૫૦૦ રૂપિયાની બે નોટ માગી હતી જે આપતાં ચાલાકીથી બદલીને તેણે કહ્યું કે આ તો ૧૦૦ રૂપિયાની નોટ છે. ત્યારે તે પણ ચોંકી ઊઠી હતી. કદાચ તેનાથી પણ ભૂલ થઈ હશે એમ માનીને તે પણ મારી જેમ ચૂપ રહી હતી.’

હાઉસવાઇફ નિર્મલા શાહે વધુમાં જણાવ્યું હતું કે ‘ટૅક્સીમાંથી ઊતરીને અમે અમારાં પર્સ તપાસ્યાં તો એમાંથી રૂપિયા ઓછા થયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જોકે એટલી વારમાં તો ટૅક્સીવાળો દૂર જતો રહ્યો હતો. તેણે અમારી પાસેથી ૩૦૦૦ રૂપિયા હાથચાલાકીથી પડાવી લીધા હતા.’

ઓસવાળ સમાજનાં નિર્મલા શાહ અને તેમની ફ્રેન્ડ્સ સીએસટીથી થાણે જવા માટે ટ્રેનમાં ચડ્યાં હતાં. તેઓ ટૅક્સીવાળાની ચીટિંગ બાબતે વાત કરતાં હતાં ત્યારે તેમની સાથે પ્રવાસ કરી રહેલી અન્ય એક મહિલાએ પણ પોતાને આવો કડવો અનુભવ થયો હોવાનું જણાવ્યું હતું. તે ચુનાભઠ્ઠીથી દાદર શૅર ટૅક્સીમાં ગઈ હતી ત્યારે તેને ટૅક્સીવાળાએ આ જ રીતે છેતરી હતી. તેણે પોલીસમાં જાણ કરી હતી છતાં કંઈ થયું નહોતું.

આ પણ જુઓઃ જુઓ તારક મહેતા... ફૅમ રીટા રિપોર્ટરની બેબી બમ્પમાં હોટ તસવીરો

આઝાદ મેદાન પોલીસ સ્ટેશનના એક ઑફિસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટૅક્સીચાલકો દ્વારા હાથચાલાકી કરાતી હોવાની કેટલીક ફરિયાદ અમને મળી છે, પણ કોઈએ ટૅક્સીનો નંબર નોંધ્યો ન હોવાથી ગુનેગારોને શોધવામાં સમય લાગી રહ્યો છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે કોઈ પણ આવી ચીટિંગનો ભોગ બને તો ટૅક્સીનો નંબર નોંધીને બાદમાં પોલીસમાં ફરિયાદ કરે.’

mumbai news