સાયનમાં મળેલી નવજાત બાળકીને દત્તક લેવા માટે મળી અનેક રિક્વેસ્ટ

11 May, 2021 10:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાયનમાં જૈન સોસાયટી નજીક ગયા શુક્રવારે મળી આવેલી નવજાત બાળકીની મદદ માટે મુંબઈગરાઓ આગળ આવ્યા છે અને આ બાળકીને દત્તક લેવા માટે અનેક રિક્વેસ્ટ મળી હોવાનું જાણવા મળ્યું હતું.

સાયનમાં મળેલી નવજાત બાળકી

સાયનમાં જૈન સોસાયટી નજીક ગયા શુક્રવારે મળી આવેલી નવજાત બાળકીની મદદ માટે મુંબઈગરાઓ આગળ આવ્યા છે અને આ બાળકીને દત્તક લેવા માટે અનેક રિક્વેસ્ટ મળી હોવાનું જાણવા મળ્યું હતું. બાળકી મળી આવ્યા બાદ તેને સાયનમાં આવેલી લોકમાન્ય ટિળક હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાઈ હતી.

સાયન વેલ્ફેર ફોરમ અને વડાલા સિટિઝન ફોરમ નામની સામાજિક સંસ્થાઓ ચલાવતા ચિરાગ શાહે એક નવજાત બાળકીને સોસાયટી નજીક પડેલી જોયા બાદ પોલીસને જાણ કરી હતી અને બાળકીને અહીંની લોકમાન્ય ટિળક હૉસ્પિટલના આઇસીયુ વૉર્ડમાં સાવચેતી ખાતર ઍડ્મિટ કરાઈ હતી. અત્યારે બાળકીની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું હતું. બાળકીના શરીર પરના ડાઇપર પરથી તેનો જન્મ સાયન હૉસ્પિટલમાં થયો હોવાનું જણાયું હતું.

ચિરાગ શાહે જણાવ્યું હતું કે ‘બાળકીની માતાએ તેને કચરાપેટીમાં કે બીજે સ્થળે ત્યજવાને બદલે સરળતાથી કોઈ જોઈ શકે એવી રીતે સોસાયટીમાં મૂકી હતી. અમને બાળકીને મદદ કરવા માટે ૩ કોલ અને ૭ મેસેજ મળ્યા છે. કેટલાક લોકો તેને દત્તક લેવા માગે છે. તેના પેરન્ટ્સને કોઈ આર્થિક મુશ્કેલી હોય તો તેઓ સામે આવે, અમે તેમને મદદરૂપ થઈ શકીએ.’

પોલીસ નવજાત બાળકી મળવાની ફરિયાદ નોંધીને તે જ્યાંથી મળી હતી એ તથા આસપાસના સ્થળના સીસીટીવી કૅમેરાનાં ફુટેજની મદદથી તપાસ કરી રહી છે.

mumbai mumbai news sion