વાઇન-શૉપ ખોલવાની ભલામણ કરવા બદલ રાજ ઠાકરે પર શિવસેનાના પ્રહાર

26 April, 2020 09:35 AM IST  |  Mumbai | Agencies

વાઇન-શૉપ ખોલવાની ભલામણ કરવા બદલ રાજ ઠાકરે પર શિવસેનાના પ્રહાર

રાજ ઠાકરે

કોરોના વાઇરસના રોગચાળાને કારણે લૉકડાઉનના માહોલમાં વાઇન-શૉપ ખોલવાની સરકારને ભલામણ કરવા બદલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે પર શાસક પક્ષ શિવસેનાએ આકરા પ્રહાર કર્યા છે. રાજ ઠાકરેએ હાલના કપરા કાળમાં રાજ્યને મહેસૂલ પ્રાપ્ત થાય એ માટે દારૂની દુકાનો ખુલ્લી રાખવાના કરેલા સૂચન બાબતે શિવસેનાએ પૂછ્યું છે કે રાજને ખરેખર રાજ્યની તિજોરીની ખૂબ ચિંતા થાય છે?

રાજ ઠાકરેએ મુખ્ય પ્રધાનની ઑફિસને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ફક્ત શરાબના ગ્રાહકોની માગણી પૂરી કરવાની દૃષ્ટિએ નહીં, રાજ્યને મહેસૂલ પ્રાપ્ત થાય એ માટે પણ વાઇન-શૉપ ખુલ્લી રાખવાની જરૂર છે.

એ પત્રના જવાબમાં શિવસેનાના મુખપત્ર મરાઠી દૈનિક ‘સામના’ના તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું હતું કે ‘ફક્ત દુકાનો ખોલવાથી મહેસૂલ મળતું નથી. કારખાનામાંથી ડિસ્ટ્રિબ્યુટર માલ ખરીદે ત્યારે સરકારને એક્સાઇઝ અને સેલ્સ ટૅક્સના રૂપમાં મહેસૂલ મળે છે. એને માટે શરાબના કારખાનામાં ઉત્પાદન શરૂ કરવું પડે. ઉત્પાદન માટે કર્મચારીઓને બોલાવવા પડે. જો દુકાનો ખૂલે તો સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવાની કોઈ ખાતરી નથી. રાજ ઠાકરેએ ઘણા લોકો ખાનપાન માટે હોટેલો પર આધાર રાખતા હોવાથી નાની હોટેલો ખુલ્લી રાખવાની પણ માગણી કરી છે. તેમની વાતનો સારાંશ એવો છે કે જે રીતે સામાન્ય માણસ માટે રાઇસ-પ્લેટ જરૂરી છે, એ રીતે ક્વૉર્ટર અને પેગ પણ જરૂરી છે.’

mumbai shiv sena raj thackeray mumbai news maharashtra navnirman sena