સ્કૂલ શરૂ થશે તો પણ સ્કૂલ-બસ શરૂ થવાની શક્યતા નહીંવત્ છે

06 December, 2021 11:09 AM IST  |  Mumbai | Pallavi Smart

એસબીઓએના પ્રમુખ અનિલ ગર્ગે જણાવ્યું હતું કે જો તેઓ ૧૫ ડિસેમ્બરથી ફરી સ્કૂલ-બસ દોડાવવાનો નિર્ણય લે છે તો અમારે આરટીઓની મંજૂરી મેળવવી પડે

અસોસિએશને જણાવ્યા અનુસાર ૫૦,૦૦૦ કરતાં વધુ સ્કૂલ-બસ અને દોઢ લાખ કરતાં વધુ બસ-કર્મચારીઓ મહામારીને કારણે નાણાકીય તંગી વેઠી રહ્યા છે.

 ૧૫ ડિસેમ્બરથી સ્કૂલો ફરી શરૂ થવાની શક્યતા છે, પરંતુ સ્કૂલ-બસ ફરી દોડતી થાય એવી શક્યતા ઘણી ઓછી જણાઈ રહી છે. બસ-કૉન્ટ્રૅક્ટર્સે જણાવ્યા અનુસાર બસના લાઇસન્સને રિન્યુ કરાવવામાં લાલ ફિતાશાહી (અમલદારોની તુમાખી) સૌથી મોટી અડચણ છે. અનેક બસચાલકોએ ફરી સ્કૂલ-બસ શરૂ કરવામાં વધુ ખોટ જવાના ભયથી સ્કૂલ-બસ ન દોડાવવાનો નિર્ણય લીધો છે. સ્કૂલ બસ ઓનર્સ અસોસિએશન (એસબીઓએ)એ રાહત મેળવવા રોડ અને પરિવહન ખાતાના કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને પત્ર લખ્યો છે. 
કોવિડ-19ના નવા ઓમાઇક્રોન વેરિઅન્ટના ભયે મુંબઈ તેમ જ મહારાષ્ટ્રના અનેક શહેરી વિસ્તારોમાં સ્કૂલો ફરી શરૂ કરવાનો નિર્ણય ૧૪ દિવસ માટે પાછળ ઠેલીને ૧૫ ડિસેમ્બર ઠરાવાયો છે એને પરિણામે સ્કૂલોને બાળકોને સ્કૂલમાં પાછા ફરતાં સુરક્ષિત વાતાવરણ તૈયાર કરવા થોડો સમય મળી ગયો છે. જોકે સ્કૂલ-બસના માલિકોએ જણાવ્યા અનુસાર સરકારના ગૂંચવણભર્યા અસ્પષ્ટ નિયમો તેમ જ અપૂર્ણ વચનોને કારણે તેઓ દુભાઈ રહ્યા છે. 
એસબીઓએના પ્રમુખ અનિલ ગર્ગે જણાવ્યું હતું કે જો તેઓ ૧૫ ડિસેમ્બરથી ફરી સ્કૂલ-બસ દોડાવવાનો નિર્ણય લે છે તો અમારે આરટીઓની મંજૂરી મેળવવી પડે. રાજ્ય સરકાર દ્વારા ભૂતકાળમાં આપવામાં આવેલી તમામ પરમિટને વિસ્તરણ આપવામાં આવ્યું હોવા છતાં અમારે એના રિન્યુઅલ માટે આરટીઓમાં અરજી કરવાની રહેશે. આરટીઓ પરમિટ રિન્યુ કરતાં પહેલાં ટૅક્સ ભરવાની માગણી કરી રહ્યું છે, જ્યારે રાજ્ય સરકારે સ્કૂલ-બસના માલિકોને ટૅક્સમાં રાહત આપવાની ખાતરી આપી છે. મતલબ કે સ્કૂલ બસ ઓનર્સને ટૅક્સમાં રાહત આપવાની બાબતને અમલમાં મૂકવા પોતાના નિર્ણયની સરકારે આરટીઓને જાણ કરી નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ‘અસોસિએશનના કોર્ટકેસને કારણે રોગચાળામાં ભારે નુકસાન વેઠનાર સ્કૂલ-બસના કૉન્ટ્રૅક્ટરોને રાહત મળે એ માટે રાજ્ય સરકારના સ્તરે એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા અમને ટૅક્સ ચૂકવવો નહીં પડે એવી ખાતરી આપવામાં આવી હતી. જોકે એ તો મૌખિક માફી હતી. આરટીઓએ તેમને સરકાર તરફથી આવો કોઈ આદેશ મળ્યો ન હોવાનું જણાવ્યું હતું.’ 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘જો અમે ફરી બસ-સર્વિસ શરૂ કરીએ તો પણ સખત ધોરણોનું પાલન કરીને અમે અમારો બિઝનેસ પૂર્વવત્ કરી શકીશું નહીં. બસમાં લિમિટેડ સંખ્યામાં જ સ્ટુડન્ટ્સને પ્રવેશની મંજૂરી હોવાથી અમે ખોટ વેઠી રહ્યા છીએ અને એવામાં પ્રત્યેક બાળક નિયમનું પાલન કરી રહ્યું છે એ સુનિશ્ચિત કરવા અમારે બસમાં વધુ કર્મચારીઓ રાખવા પડશે. જો સરકાર અમને રાહત નહીં આપે તો અમારે માટે આટલા બધા વધારાના ખર્ચા ભોગવીને સ્કૂલ-બસ ફરી દોડાવવાનું અશક્ય બનશે.’

"બસમાં લિમિટેડ સંખ્યામાં જ સ્ટુડન્ટ્સને પ્રવેશવાની મંજૂરી હોવાથી અમે ખોટ વેઠી રહ્યા છીએ. એવામાં પ્રત્યેક બાળક નિયમનું પાલન કરી રહ્યું છે એ સુનિશ્ચિત કરવા અમારે બસમાં વધુ કર્મચારીઓ રાખવા પડશે." : અનિલ ગર્ગ, સ્કૂલ બસ ઓનર્સ અસોસિએશનના પ્રમુખ

mumbai mumbai news coronavirus covid19 pallavi smart