26 June, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય - હનીફ પટેલ
Mumbai School Bomb Threat: નાલાસોપારામાં સ્થિત મધર મેરી સ્કૂલને બૉમ્બની ધમકી આપવામાં આવી છે. બૉમ્બની ધમકી મળતાં જ પોલીસ અને બૉમ્બ સ્કવોડની ટીમોને ત્યાં બોલાવી લેવામાં આવી હતી. ત્યારબાદ સુરક્ષાના ભાગરૂપે પરિસરને ખાલી કરી નાખવામાં આવ્યો હતો.
સ્કૂલને ઈમેલ દ્વારા આ ધમકી મળી હતી. સવારે ૪.૨૬ કલાકે આ ઈમેલ આવ્યો હતો. જેમાં સ્કૂલને બૉમ્બથી ઉડાડી નાખવાની ધમકી આપવામાં આવી હતી. સ્કૂલ પ્રશાસન તરફથી જારી કરવામાં આવેલ નિવેદનમાં જણાવાયું છે કે તમામ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની સુરક્ષાને પગલે રજા આપી દેવામાં આવી છે. સ્કૂલને તાત્કાલિક બંધ કરવામાં આવી છે. બધાં જ વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. આ સાથે જ વાલીઓને શક્ય તેટલી વહેલી તકે તેમના બાળકોને શાળામાંથી લઈ જવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.
ધમકીભર્યા ઈમેલ (Mumbai School Bomb Threat) અંગે સ્થાનિક પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને શાળાના ગ્રાઉન્ડની પણ સંપૂર્ણ તપાસ કરવા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, વહીવટીતંત્રે જણાવ્યું છે કે ગભરાવાની જરૂર નથી પણ અફવાઓથી દૂર રહો. તમામ અધિકૃત માહિતી માત્ર શાળાના સત્તાવાર MCB એપ પોર્ટલ દ્વારા જ શેર કરવામાં આવશે. હાલમાં પોલીસ અને બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ શાળા પરિસરમાં પહોંચીને તપાસ કરી રહી છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પ્રયાસ કરી રહી છે.
જોકે, સદનસીબે તપાસમાં અત્યાર સુધી કોઈ વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો નથી. છતાં અધિકારીઓ કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા માંગતા નથી. તેઓ આ ધમકીઓ બાદ સઘન તપાસ કરી રહ્યા છે. ધમકીના ઈમેલ (Mumbai School Bomb Threat) બાદ વિસ્તારમાં ભયનું વાતાવરણ છે, પરંતુ વહીવટીતંત્રની તકેદારીથી હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે.
આ પહેલાં 16 જૂને કાંદિવલી પૂર્વમાં સ્થિત આંતરરાષ્ટ્રીય શાળાને બૉમ્બની ઉડાડી નાખવાનો ધમકીભર્યો મેઇલ મોકલવા બદલ અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. જેના કારણે વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને વાલીઓમાં ગભરાટ ફેલાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ ધમકી ઇમેઇલ દ્વારા મોકલવામાં આવી હતી. મોકલનારે તેની ઓળખ અને લોકેશન છુપાવવા પ્રયાસ કર્યો હતો. ઇ-મેઇલમાં શાળામાં બૉમ્બ વિસ્ફોટ હોવાની ચેતવણી આપવામાં આવી હતી, જેના કારણે તાત્કાલિક સુરક્ષા પગલાં હાથ ધરવામાં આવ્યા હતા. સમતા નગર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી અને ઈમેઇલ કોણે મોકલ્યો હતો તેની શોધ ચાલી રહી છે.
આવી જ રીતે 30 મેના રોજ મુંબઈની ગ્રાન્ડ હયાટ હોટલને બૉમ્બની ધમકીનો કૉલ (Mumbai School Bomb Threat) આવ્યો હતો. મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર એક અજાણ્યા કૉલરે હોટલની ગ્રાહક સેવાનો સંપર્ક કર્યો હતો અને દાવો કર્યો હતો કે પરિસરમાં બૉમ્બ મૂકવામાં આવ્યો છે.