સોશ્યલ મીડિયા પર વિડિયો મૂકવાનો શોખ હોય તો ચેતજો

28 June, 2022 08:12 AM IST  |  Mumbai | Shirish Vaktania

ઑનલાઇન ફ્રૉડનું નવું બહાનું: પોલીસ કમિશનરની ઑફિસના અધિકારીના સ્વાંગમાં ‘તમે મૂકેલો વિડિયો ગુનો છે’ એવો ફોન કરીને છેતરવાના વધી રહ્યા છે બનાવો

જૉઇન્ટ સીપી (મુંબઈ) વિશ્વાસ નાંગરે પાટીલ (જમણે)નો ભૂતપૂર્વ સીપી હેમંત નગરાળે સાથેનો ફોટો કેટલાક સોશ્યલ મીડિયા યુઝર્સને મોકલવામાં આવ્યો હતો. આરોપીઓએ સોશ્યલ મીડિયા યુઝર્સને આ ફોટો મોકલ્યો હતો.

ઇલેક્ટ્રિસિટી ઑફિસર અને લોન ઍપ્લિકેશન એજન્ટના સ્વાંગમાં લોકોને છેતરનાર ઠગો હવે મુંબઈ પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હોવાનો ડોળ કરીને લોકોને ફોન કરી રહ્યા છે. તેઓ લોકોને ફોન કરીને ડરાવે છે કે ‘તમે સોશ્યલ મીડિયા પર કોઈક વિડિયો મૂક્યો હતો જે ગુનો છે અને હવે થોડા સમયમાં તમારી ધરપકડ થશે.’ આવા કૉલર્સ ડરી ગયેલા લોકોને ધરપકડથી બચવું હોય તો ઑનલાઇન પેમેન્ટ કરવાની ધમકી આપે છે.

સાઇબર પોલીસ ડીસીપી હેમરાજ રાજપૂતે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘તાજેતરમાં મુંબઈમાં આવા બનાવનું પ્રમાણ વધ્યું છે અને લોકોએ સતર્ક રહેવું પડશે. જો આરોપી તમને કહે કે તે મુંબઈના પોલીસ કમિશનરની ઑફિસનો અધિકારી છે અને તમારી ધરપકડ કરવા આવી રહ્યો છે તો તમારે આરોપી પાસેથી પોલીસ સ્ટેશનનો કે કમિશનરની ઑફિસનો નંબર લેવો જોઈએ. પછી તમારે સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં ફોન કરીને ખરાઈ કરવી જોઈએ કે તમારા પર આવેલો ફોન સાચો હતો કે ખોટો? પોલીસ કદી ફોન પર જાણ કરીને ધરપકડ કરવા નથી આવતી. તે હંમેશાં ધરપકડ પહેલાં તમારા ઘરે નોટિસ માકલે છે. અમે જામીન માટે કદી ઓટીપી કે કોઇ ઑનલાઇન પેમેન્ટની માગણી નથી કરતા. લોકોએ સતર્ક રહેવું જોઈએ અને આવા કૌભાંડીઓથી ડરવું ન જોઈએ. અમારી પાસે આવા ઘણા કેસ અને ઑનલાઇન છેતરપિંડીના કેસ આવ્યા છે.’

mumbai mumbai news mumbai police Crime News mumbai crime news shirish vaktania