મહારાષ્ટ્રના પૉલિટિક્સમાં મોટી નવાજૂની થશે ખરી?

24 May, 2020 07:38 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

મહારાષ્ટ્રના પૉલિટિક્સમાં મોટી નવાજૂની થશે ખરી?

કાયમ ટીકા કરતા સંજય રાઉતનું રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને ઝૂકીને નમન.

થોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને નિશાન બનાવનારા શિવસેનાના નેતા સંજય રાઉતે ગઈ કાલે અચાનક રાજભવનમાં પહોંચીને ‘રાજ્યપાલ અને મુખ્ય પ્રધાનના સંબંધ મધુર છે’ એવું નિવેદન આપવાની સાથે ઝૂકીને નમન કર્યાં હતાં. રાઉતે રાજ્યપાલ સાથે ૨૦ મિનિટ ચર્ચા કરી હતી. એ પછી મુંબઈમાં મહા વિકાસ આઘાડી સરકારના મહત્ત્વના પક્ષોના શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે સહિતના નેતાઓની બેઠક બોલાવાઈ હતી. શુક્રવારે બીજેપીએ સરકાર સામે કરેલા આંદોલન બાદ અચાનક આ બન્ને સમાચાર વારાફરતી આવ્યા પછી રાજ્યના રાજકારણમાં કંઈક રંધાઈ રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. ઈદ પત્યા પછી કાંઈક નવાજૂની થવાનાં એંધાણ છે.

ઉલ્લેખનીય છે કે સંજય રાઉતે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને સતત નિશાન બનાવ્યા છે. ‘રાજભવન ફાલતુ રાજકારણનો અડ્ડો ન બને’ એવા નિવેદન કરીને તેઓ ટીકા કરી ચૂક્યા છે. જોકે ગઈ કાલે અચાનક સંજય રાઉત રાજભવન પહોંચ્યા હતા.

રાજ્યપાલને મળીને આવ્યા બાદ સંજય રાઉતે પત્રકારોને કહ્યું હતું કે ‘રાજ્યપાલ અમારા માર્ગદર્શક છે. ઘણા દિવસથી હું તેમનો મળ્યો નહોતો એટલે મળવા ગયો હતો. આ એક શુભેચ્છા-મુલાકાત હતી. રાજ્યપાલ અને મુખ્ય પ્રધાનના સંબંધ સારા છે. બન્નેને એકબીજા પ્રત્યે પ્રેમ અને આદર છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના સંબંધ જેમ પિતા-પુત્ર જેવા હોવા જોઈએ એવા જ છે. અમારી વચ્ચે તિરાડ નથી.’

રાજ્યપાલની સતત ટીકા કરો છો એમાં અચાનક તેઓ પ્રિય કેવી રીતે થઈ ગયા એવા પત્રકારોના સવાલના જવાબમાં સંજય રાઉતે કહ્યું હતું કે ‘રાજ્યપાલ પ્રિય જ હોય. તેઓ આ રાજ્યના પાલક છે. વિરોધીઓ સતત અહીં આવતા હોવાથી વિરોધ પક્ષના નેતાના બંગલા રાજભવન પરિસરમાં હોવા જોઈએ એવું અનેકે કહ્યું છે, એનો અર્થ રાજભવનની ટીકા કરી રહ્યા છે એવો નથી.’

મુંબઈ યુનિવર્સિટીની ફાઇનલ એક્ઝામ રદ કરવા બાબતે ઉચ્ચ શિક્ષણપ્રધાન ઉદય સામંતે યુનિવસિર્ટીને લખેલા પત્ર બાબતે રાજ્યપાલે વાંધો ઉઠાવ્યો છે. તેમણે આ વિશે મુખ્ય પ્રધાનને પત્ર લખીને નારાજગી પણ વ્યક્ત કરી છે. સંજય રાઉતે આ વિશે કહ્યું હતું કે ઉદય સામંતે પોતાનો મત વ્યક્ત કર્યો છે, નિર્ણય નથી લીધો. રાજ્યપાલ યુનિવસિર્ટીના કુલપતિ છે એટલે તેમણે પોતાની ભૂમિકા વ્યક્ત કરી. આથી આ વિશે સરકાર અને સંબંધિત પ્રધાનો નિર્ણય લેશે.

સંજય રાઉતની રાજ્યપાલની મુલાકાત બાદ મુંબઈમાં મહા વિકાસ આઘાડી સરકારના નેતાઓની બેઠક મળી હતી. શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, જયંત પાટીલ અને અનિલ દેશમુખ સહિતના નેતાઓ આ બેઠકમાં સામેલ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

આ બેઠકમાં મુંબઈ અને રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસ, ટૂંક સમયમાં શરૂ થનારું ચોમાસું, જૂનમાં સ્કૂલ-કૉલેજનું શરૂ થઈ રહેલું શૈક્ષણિક વર્ષ અને ૨૦ જૂનથી શરૂ થનારા રાજ્યના ચોમાસુ સત્રની સાથે શુક્રવારે બીજેપીએ કોરોનાની લડતમાં સરકાર નિષ્ફળ જવા સામે ‘મહારાષ્ટ્ર બચાવ’ના કરેલા આંદોલન સહિતની ચર્ચા થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

જોકે એક જ દિવસમાં સંજય રાઉતનું રાજ્યપાલ સાથેનું કૂણું પડેલું વલણ અને મહા વિકાસ આઘાડી સરકારના મહત્ત્વના નેતાઓની બેઠકથી રાજ્યના રાજકારણમાં કંઈક અજુગતું થવાની કે કશુંક રંધાઈ રહ્યાની શક્યતાને નકારી ન શકાય.

mumbai mumbai news sanjay raut maharashtra prakash bambhrolia