ઑડિયો-ક્લિપ અને પૂજા સાથેના ફોટો વાઇરલ થતાં સંજય રાઠોડની મુશ્કેલીઓ વધી

25 February, 2021 09:05 AM IST  |  Mumbai | Mid-day Correspondent

ઑડિયો-ક્લિપ અને પૂજા સાથેના ફોટો વાઇરલ થતાં સંજય રાઠોડની મુશ્કેલીઓ વધી

સંજય રાઠોડ

પૂજા ચવાણના મૃત્યુના મામલામાં વનપ્રધાન અને શિવસેનાના વિધાનસભ્ય સંજય રાઠોડની વધુ એક ઑડિયો-ક્લિપ અને પૂજા ચવાણ સાથેના તેમના ફોટો ગઈ કાલે બહાર આવ્યાં હતાં. આથી સંજય રાઠોડની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા છે. આ સિવાય શિવસેનાના મુખ્ય પ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે પણ ઉદ્ધવ ઠાકરે તેમની નજીકના માણસો પણ ભૂલ કરે તો તેમને માફ ન કરતા હોવાનું ગઈ કાલે કહ્યું હતું. આથી પણ સંજય રાઠોડનું ગમે ત્યારે રાજીનામું લેવાઈ શકે છે. ટિકટોક સ્ટાર પૂજા ચવાણના મૃત્યુ સાથે નામ જોડાયા બાદ સંજય રાઠોડ ૧૮મા દિવસે જાહેરમાં આવ્યા હતા ત્યારે તેમણે વાશિમમાં પહોરાદેવીનાં દર્શન કરતી વખતે શક્તિપ્રદર્શન કરવાથી ઉદ્ધવ ઠાકરે નારાજ થયા છે. આ કારણસર પણ વનપ્રધાનની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

વાશિમમાં પહોરાદેવીનાં દર્શન કરતી વખતે વનપ્રધાન સંજય રાઠોડે કોવિડના નિયમોને નેવે મૂકીને શક્તિપ્રદર્શન કરવા વિશે પત્રકારોએે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતને સવાલ કર્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે કાયદો હાથમાં લેનારા પોતાની નજીકના લોકોને પણ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે માફ નહીં કરે. સંજય રાઠોડના વર્તનથી એનસીપી ચીફ શરદ પવારે પણ ઉદ્ધવ ઠાકરે સામે નારાજગી વ્યક્ત કરી હોવાનું કહેવાય છે.

આ સિવાય ગઈ કાલે સંજય રાઠોડના પૂજા ચવાણ સાથેના અનેક ફોટો સામે આવવાની સાથે પૂજાના મૃત્યુ બાદથી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ કરવા સુધીની વાતચીતની ઑડિયો-ક્લિપ પણ વાઇરલ થઈ હતી. આ ક્લિપમાં અવાજ વિલાસ ચવાણનો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. તે અરુણ રાઠોડ અને સંજય રાઠોડ સાથે વાત કરતો સંભળાય છે.

બીજેપીના નેતા ચિત્રા વાઘે સવાલ કર્યો હતો કે ‘ઑડિયો-ક્લિપ વાઇરલ થઈ છે એની તપાસ પુણે પોલીસ કેમ નથી કરતી? પૂજા ચવાણના મૃત્યુ મામલામાં આ કડી ખૂબ જ મહત્ત્વની છે એટલે એની તપાસ થવી જ જોઈએ. એક બળાત્કારીને બધા પ્રધાનો મળીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક પછી એક પુરાવા સામે આવી રહ્યા હોવાથી સંજય રાઠોડને તો ચંપલથી ફરકારવો જોઈએ.’

mumbai mumbai news shiv sena