આઇસ સ્કેટિંગમાં પણ કમાલ કરી દેખાડી આ કચ્છી ગર્લે

20 July, 2026 07:29 AM IST  |  Mumbai | Varsha Chitaliya

આર્ટિસ્ટિક રોલર સ્કેટિંગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ જીતનાર રિધમે તાજેતરમાં દેહરાદૂનમાં યોજાયેલી નૅશનલ આઇસ સ્કેટિંગ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને હિસ્ટોરિક ડેબ્યુ કર્યું છે.

રિધમ મામણિયા

આર્ટિસ્ટિક રોલર સ્કેટિ‍‍ંગની નૅશનલ ચૅમ્પિયન રિધમ મામણિયાએ નૅશનલ આઇસ સ્કેટિ‍‍ંગ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને મોટી સિદ્ધિ મેળવી છે. મુંબઈમાં પ્રૅક્ટિસ માટે આઇસ રિન્ક નથી છતાં ૧૪ વર્ષની રિધમે લદ્દાખ જેવા બરફાચ્છાદિત પ્રદેશોના ખેલાડીઓ સામે કાબિલેદાદ પર્ફોર્મન્સ આપ્યો

નિયમોના અવરોધો, ટેક્નિકલ તફાવતો અને સંસાધનોની કમી વચ્ચે પણ જો મનમાં દૃઢ સંકલ્પ હોય તો સફળતા હાંસલ કરી શકાય છે. આ વાત વરલીની ૧૪ વર્ષની રિધમ મામણિયાએ સાબિત કરી બતાવી છે. આર્ટિસ્ટિક રોલર સ્કેટિંગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ જીતનાર રિધમે તાજેતરમાં દેહરાદૂનમાં યોજાયેલી નૅશનલ આઇસ સ્કેટિંગ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને હિસ્ટોરિક ડેબ્યુ કર્યું છે. લદ્દાખ જેવા બરફાચ્છાદિત પ્રદેશોના ખેલાડીઓ સામે તેણે મેળવેલી સિદ્ધિ કાબિલેદાદ છે.

મિનિટ ૧૦ સેકન્ડનો પર્ફોર્મન્સ

રિધમ આર્ટિસ્ટિક રોલર સ્કેટિંગની નૅશનલ ચૅમ્પિયન છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ તેણે ભારતનું નામ રોશન કર્યું છે. આ એવી સ્પર્ધા છે જેમાં પગમાં રોલર સ્કેટ્સ પહેરીને મ્યુઝિકની તાલે અલગ-અલગ ઍક્રોબૅટિક મૂવ્સ કરવાનાં હોય છે. પચીસથી ૩૦ જૂન વચ્ચે દેહરાદૂનમાં હિમાદ્રિ આઇસ સ્કેટિંગ રિન્કમાં યોજાયેલી એકવીસમી નૅશનલ આઇસ સ્કેટિંગ ચૅમ્પિયનશિપમાં તેણે પહેલી વાર બરફ પર સ્કેટિંગ કર્યું અને સિલ્વર મેડલ જીત્યો. આ સંદર્ભે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં તે કહે છે, ‘નૅશનલ ચૅમ્પિયનશિપમાં સૌથી વધુ માર્ક્સ આર્ટિસ્ટિક સ્કિલ, જમ્પ અને સ્પિનના હોય છે. બરફ પર પોતાને બૅલૅન્સ કરીને જજ સાથે આઇ ટુ આઇ કૉન્ટૅક્ટ રાખવો એ સૌથી અઘરું કામ છે. આ કૉન્ફિડન્સ ત્યારે જ આવે જ્યારે ખેલાડીએ બરફ પર ૧૦૦થી વધુ કલાક વિતાવ્યા હોય. જો નજર નીચે જાય તો બૉડી રિફ્લેક્સ ઍક્શન બગડી જાય છે. મેં ૪ અઘરા જમ્પ અને ૪ પર્ફેક્ટ સ્પિન કર્યા. એક ફુટવર્ક સાથે બે અત્યંત ડિફિકલ્ટ ટર્ન લીધા. સૌથી આકર્ષક મૂવ હતો એક પગને સ્ટ્રેટ ઍન્ગલ (૯૦ ડિગ્રી) પર રાખીને નીચે બેસવાનો. આ પોઝિશનમાં આઇસ પર સળંગ ૮ રોટેશન (ચક્કર) પૂરાં કર્યા બાદ આર્ટિસ્ટિક વેથી ઊભી થઈ હતી. સૌથી મુશ્કેલ ગણાતી કૅમલ સ્પિન (Camel Spin) સાથે કૉમ્બિનેશનનો સુંદર સમન્વય રજૂ કર્યો હતો. ઇંગ્લિશ સૉન્ગ ‘વી આર ધ વૉરિયર્સ’ અને ઑસ્ટ્રેલિયન પૉપ ગાયિકા લેન્કાનાં ગીતોના મિક્સ્ચર પર પર્ફોર્મ કર્યું હતું. બે મિનિટ ૧૦ સેકન્ડના પર્ફોર્મન્સ દરમ્યાન રિધમિક ફ્લો, સ્પીડ અને ગ્રેસફુલ મૂવ્સે જજનું દિલ જીતી લીધું. ડેબ્યુ ગેમમાં સિલ્વર મેડલ મળતાં બરફ પર સ્કેટિંગ કરવાનો આત્મવિશ્વાસ અને જુસ્સો વધ્યો છે.’

રોલર સ્કેટ્સથી આઇસ રિન્ક

અત્યાર સુધીમાં ૬ વખત રોલર સ્કેટિંગમાં નૅશનલ ચૅમ્પિયન બની ચૂકેલી રિધમ માટે આ સ્પર્ધા સરળ નહોતી. મુંબઈમાં પ્રૅક્ટિસ માટે રિન્ક નથી છતાં બરફ પર સળંગ ૮ રોટેશન, કઠિન ટેક્નિક અને અદ્ભુત આર્ટિસ્ટિક સ્કિલ સાથે પર્ફોર્મ કરવા માટે તેણે ઘણી મહેનત કરી હતી. આઇસ સ્કેટિંગની સ્પર્ધાઓમાં રોલર સ્કેટર ભાગ ન લઈ શકે એવો અગાઉ નિયમ હતો. રિધમ માટે આ નિયમ સૌથી મોટો અવરોધ હતો. આઇસ સ્કેટિંગ અસોસિએશન ઑફ ઇન્ડિયાએ એમાં ફેરફાર કરતાં રિધમ માટે નવા દરવાજા ખૂલી ગયા. જોકે નૅશનલ આઇસ સ્કેટિંગ ચૅમ્પિયનશિપમાં ભાગ લેવાની ઇચ્છા ધરાવતા રોલર સ્કેટરે લેવલ-ફાઇવ ટેસ્ટ પાસ કરવી અનિવાર્ય હતી. રિધમે માત્ર આ શરત પૂરી જ ન કરી, પોતાની અસાધારણ પ્રતિભાથી લેવલ-૬ પણ ક્રૉસ કરી લીધું. ​

મે મહિનામાં દેહરાદૂનની ઑલિમ્પિક્સ સાઇઝની આઇસ રિન્ક પર ૭ દિવસના વિશેષ કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરમાંથી ૧૦૦થી વધુ રોલર સ્કેટરે ભાગ લીધો હતો. એમાંથી માત્ર ૩૦ બાળકો જ લેવલ ક્લિયર કરી શક્યાં. રિધમ શ્રેષ્ઠ રોલર સ્કેટર છે, પરંતુ રોલર સ્કેટિંગ અને આઇસ સ્કેટિંગની ટેક્નિકમાં જમીન-આસમાનનો તફાવત છે. આઇસ સ્કેટિંગમાં રિન્કને મેઇન્ટેઇન કરવી અઘરી છે. દર બે કલાકે ઝામ્બોની (આઇસ રીસર્ફેસિંગ ટ્રક) ફેરવીને બરફને સરખો કરવો પડે જેથી સપાટી ફ્રિક્શન-લેસ બને અને સ્કેટિંગ સ્મૂધ થઈ શકે. ભારતમાં આવી હાઈ-ટેક ફ્રિક્શન-લેસ આઇસ રિન્ક માત્ર દેહરાદૂન અને દિલ્હીમાં છે. આઇસ સ્કેટિંગ અત્યંત ખર્ચાળ રમત છે. પ્રોફેશનલ આઇસ સ્કેટ્સની કિંમત અઢીથી ૩ લાખ રૂપિયા જેટલી હોય છે. મુંબઈમાં આઇસ રિન્ક ન હોવાને કારણે રિધમ પાસે પોતાનાં સ્કેટ્સ પણ નહોતાં. તેણે સ્કેટ્સ રેન્ટ પર લીધાં હતાં. અભાવો વચ્ચે પણ તેનો આત્મવિશ્વાસ ડગ્યો નહીં.

લદ્દાખના ચૅમ્પિયન્સ સામે મુકાબલો

નૅશનલ ચૅમ્પિયનશિપમાં રિધમનો મુકાબલો લદ્દાખના સ્કેટર્સ સાથે હતો. આ સ્પર્ધામાં પ્રથમ અને ત્રીજું સ્થાન મેળવનાર બન્ને ખેલાડીઓ લદ્દાખના હતા જ્યાં કુદરતી રીતે આઇસ રિન્ક બનેલી હોય છે અને ત્યાંનાં બાળકો નાનપણથી બરફ પર રમે છે. મુંબઈના વાતાવરણમાં ઊછરેલી રિધમ માટે આ બહુ મોટો પડકાર હતો. પ્રૅક્ટિસ માટે તેને ઘણી વાર લાંબા અંતરનો પ્રવાસ કરવો પડે છે. પ્રતિકૂળ પરિસ્થિતિ અને સુવિધાઓ વિના રિધમ મામણિયાએ મેળવેલી સિદ્ધિ દર્શાવે છે કે જો ઇરાદો મક્કમ હોય તો બરફ પર પણ સફળતાના રસ્તા બનાવી શકાય છે. રિધમ હવે ઑલિમ્પિક્સના મંચ પર તિરંગો લહેરાવવાની ઇચ્છા ધરાવે છે.

 

mumbai news mumbai gujarati mid day gujaratis of mumbai gujarati community news sports news sports worli