✕

ટ્રેનમાં આશાપુરા માતાની છબિ મૂકીને, અખંડ દીવો પ્રગટાવીને વાજતે-ગાજતે લઈ ગયા મુંબઈથી કચ્છ માતાના મઢ

07 October, 2026 07:46 AM IST  |  Mumbai | Shailesh Nayak

આજે આધોઈથી સમાજની પદયાત્રા કરશે પ્રસ્થાન : મુંબઈ અને ગામના ૧૦૦થી વધુ માઈભક્તો જોડાશે પદયાત્રામાં

ટ્રેનમાં નાડાછડીની માંડવી બનાવી, સુશોભન કરી, આશાપુરા માતાજીની છબિ મૂકીને અખંડ જ્યોત પ્રગટાવી હતી.

નાડાછડીથી માંડવી બનાવીને સ્વસ્તિક, ઘંટડી, ડમરૂ, ફૂલોથી કર્યું સુશોભન : કચ્છ વાગડ લેઉવા પાટીદાર સમાજના માઈભક્તો મુંબઈથી ટ્રેન મારફત પહોંચ્યા કચ્છ : આજે આધોઈથી સમાજની પદયાત્રા કરશે પ્રસ્થાન : મુંબઈ અને ગામના ૧૦૦થી વધુ માઈભક્તો જોડાશે પદયાત્રામાં

ટ્રેન પર હાર લગાવવામાં આવ્યા હતા.


નવરાત્રિ આવી પહોંચી છે ત્યારે મુંબઈથી કચ્છ, માતાના મઢે આશાપુરા માતાજીનાં દર્શન કરવા જવા માટે માઈભક્તોનો ધસારો વધ્યો છે. એમાં મુંબઈમાં રહેતા કચ્છ વાગડ લેઉવા પાટીદાર સમાજના માઈભક્તો મુંબઈથી ટ્રેન મારફત કચ્છ પહોંચ્યા છે. આ સંઘ દ્વારા ટ્રેનમાં નાડાછડીની માંડવી બનાવી, એમાં આશાપુરા માતાની છબિ મૂકી, સુશોભન કરી, અખંડ દીવો પ્રગટાવીને વાજતે-ગાજતે મુંબઈથી કચ્છ માતાના મઢે લઈ જવા રવાના થયા હતા. આ સમાજના સભ્યો આજે બુધવારે કચ્છના આધોઈથી પદયાત્રા કરીને માતાના મઢે જવા માટે પ્રસ્થાન કરશે.  
મુલુંડમાં રહેતા કચ્છ વાગડ લેઉવા પાટીદાર સમાજના સભ્ય શૈલેષ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુલુંડ, ડોમ્બિવલી, અંધેરી, વિલે પાર્લે, કાંદિવલી સહિતના વિસ્તારોમાં રહેતા સમાજના ૬૦થી વધુ સભ્યો બાંદરાથી ટ્રેન દ્વારા કચ્છ જવા માટે સોમવારે રવાના થયા હતા. તેઓ સામખિયાણી સ્ટેશન ઊતરી ગયા હતા અને સ્ટેશન નજીક આવેલા આધોઈ ગામે રોકાયા હતા. આ ગામમાં આવેલા હાથિયાણી માતાજીના મંદિરથી આજે માતાજીની આરતી કરીને પદયાત્રા શરૂ કરવામાં આવશે અને માતાના મઢ જવા માટે સમાજનો સંઘ પ્રસ્થાન કરશે. સંઘના સભ્યો પગપાળા આશાપુરા માતાના મંદિરે પહોંચશે. આધોઈ ગામથી અંદાજે ૨૩૦થી ૨૪૦ કિલોમીટર અંતર કાપીને બધા આશાપુરા માતાજીના મંદિરે પહોંચશે. પગપાળા સંઘમાં મુંબઈ તેમ જ ગામના ૧૦૦થી વધુ લોકો જોડાશે.’  

ટ્રેન ઊપડતાં પહેલાં શ્રીફળ વધેરવામાં આવ્યું હતું.


બાંદરાથી કચ્છ રવાના થતાં પહેલાં ટ્રેનમાં આશાપુરા માતાજીની છબિ મૂકવામાં આવી હતી એમ જણાવીને શૈલેષ પટેલે કહ્યું હતું કે ‘નાડાછડી, સ્વસ્તિક, ડમરૂ, ઘંટડી અને ફૂલોથી ડેકોરેશન કરવામાં આવ્યું હતું. ટ્રેનની બારી પર હાર લગાવવામાં આવ્યા હતા અને શ્રીફળ વધેરવામાં આવ્યું હતું. સભ્યોએ ટ્રેનમાં આરતી કરી હતી. આ ઉપરાંત ટ્રેનમાં માતાજીની અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી હતી જે આશાપુરા માતાજીના મંદિરે લઈ જવામાં આવશે. સમાજનો આ સંઘ ગઈ કાલે કચ્છ પહોંચી ગયો હતો. ૨૦૦૩માં સમાજે મુંબઈથી પદયાત્રા સંઘ શરૂ કર્યો ત્યારે એમાં ૩ લોકો જોડાયા હતા. આજે પદયાત્રાનું આ ચોવીસમું વર્ષ છે જેમાં સમાજના ૧૦૦ માઈભક્તો જોડાયા છે.’ 

mumbai news mumbai kutchi community jain community navratri gujaratis of mumbai gujarati community news