26 October, 2026 09:51 AM IST | Mumbai | Varsha Chitaliya
ઝંસ્કારથી લેહ પહોંચવા માટેનો નવો રોડ પદુમ-નિમુ-લેહ રૂટ, વિશ્વના સૌથી ઊંચાઈએ આવેલા મોટરેબલ રોડ ઉમલિંગા લા પર હર્ષ સાગર અને ખારદુંગ લા ક્રૉસિંગ પર.
૨૩ વર્ષનો હર્ષ સાગર ગૂગલ મૅપ્સમાં પણ ન જડે એવા ૬૫ કિલોમીટરના પથરાળ રસ્તાઓ અને હિમાલયનાં તળાવો પાર કરીને ૧૯,૦૨૪ ફુટની ઊંચાઈએ આવેલા વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ ઉમલિંગ લા પર પહોંચ્યો. મુંબઈથી શરૂ થયેલી આ સાહસિક સફરમાં તેણે કુલ ૪૦૦૦ કિલોમીટર બાઇક ચલાવીને ૮ રાજ્યો પાર કર્યાં હતાં
આજના ડિજિટલ યુગમાં આપણે ઘરેથી બહાર નીકળીએ એટલે ગૂગલ મૅપ ચાલુ કરી દઈએ છીએ, પણ હિમાલયના પહાડોમાં એક એવો વળાંક આવે છે જ્યાં ટેક્નૉલૉજી સાથ છોડી દે છે. પથરાળ રસ્તાઓ, માઇનસ ડિગ્રી તાપમાન, હાડકાં થીજવી નાખતી ઠંડી અને ઑક્સિજનની અછત વચ્ચે દહિસરમાં રહેતો ૨૩ વર્ષનો પબ્લિક રિલેશન્સ પ્રોફેશનલ અને ટ્રાવેલ કન્ટેન્ટ ક્રીએટર હર્ષ સાગર બાઇકનાં ટાયર-માર્ક્સ જોઈને દુનિયાના સૌથી ઊંચા મોટરેબલ રોડ ઉમલિંગ લા (૧૯,૦૨૪ ફુટ) પહોંચી ગયો. મુંબઈથી શરૂ થયેલી આ સાહસિક સફરમાં તેણે કુલ ૪૦૦૦ કિલોમીટર બાઇક ચલાવીને ૮ રાજ્યો પાર કર્યાં હતાં. આવો જાણીએ તેની રોમાંચક સફરની સ્ટોરી.
શરૂઆતથી જ પડકારો
હર્ષ સાગરને બાઇકિંગનો જબરો શોખ હોવાથી મુંબઈની આસપાસ દમણ, લોનાવલા અને નાશિક જેવાં સ્થળોએ શૉર્ટ ટ્રિપ કરતો હતો. લાંબી ટૂર પર જવાની ઇચ્છા તો ઘણા સમયથી હતી, પણ પેરન્ટ્સ પરમિશન નહોતા આપતા. તે કહે છે, ‘મમ્મી-પપ્પાને મનાવવામાં ઘણો સમય લાગ્યો. બાઇક-અકસ્માતના સમાચાર વાંચીને તેમને ભય લાગતો. આ વર્ષે એપ્રિલમાં હું મુંબઈથી શિમલા ગયો અને ત્યાંથી બાઇક રેન્ટ પર લઈને સ્પીતિ વૅલીની ટ્રિપ કરી. આ સફરથી પહાડો પર બાઇક ચલાવવાનો આત્મવિશ્વાસ બિલ્ટ થયો. પેરન્ટ્સને પણ ભરોસો બેઠો કે હું સ્પીડ કન્ટ્રોલમાં રાખીશ, સેફ્ટી-ગિઅર્સ પહેરીશ અને સુરક્ષિત રીતે ડ્રાઇવ કરીશ. આખરે તેમણે લદ્દાખ જવા માટે હા પાડી. ૪ સપ્ટેમ્બરે મુંબઈથી જિંદગીની પહેલી લૉન્ગ
બાઇક-ટ્રિપ પર નીકળ્યો. જોકે સફરની શરૂઆત ધાર્યા મુજબ સરળ નહોતી.’
પહેલા દિવસે દહિસરથી વિરાર પહોંચવામાં ભારે ટ્રાફિકને કારણે બે કલાક નીકળી ગયા એમ જણાવીને હર્ષ કહે છે, ‘આગળ વાપી પાસે પણ ખૂબ ટ્રાફિક નડ્યો, જેને લીધે માંડ વડોદરા પહોંચાયું અને ત્યાં જ રોકાવું પડ્યું. બીજા દિવસે રાજસ્થાન જવા નીકળ્યો અને નાથદ્વારામાં શ્રીનાથજીનાં દર્શન કર્યાં. નેક્સ્ટ ડે મંગળા આરતી કરીને હરિયાણાના રોહતક પહોંચવાનો પ્લાન હતો, પણ અચાનક ભારે વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. બાઇક સ્લિપ થવાનું જોખમ હોવાથી દિલ્હી બાયપાસ પહેલાં નાઇટ-સ્ટે લેવો પડ્યો. મૂળ પ્લાન ચંડીગઢથી શ્રીનગર થઈને આગળ વધવાનો હતો, પરંતુ ટ્રાફિક અને વરસાદમાં સમય વેડફાઈ જતાં કુલુ-મનાલીથી લેહ તરફ જવાનું નક્કી કર્યું. હિમાચલ પ્રદેશના કુલુ પહોંચતાં જ લદાખ એક્સપીડિશન શરૂ થઈ ગયું. મનાલીથી જિસ્પા થઈને ઝંસ્કાર રૂટ પર આગળ વધી શિંકુ લા પાસ ક્રૉસ કર્યો. લેહ પહોંચવા માટે પદુમ-નિમુ-લેહ રૂટ બધા દિવસો માટે ખૂલી ગયો હોવાથી સ્થાનિકોએ એ લેવાની સલાહ આપી. ગૂગલ મૅપમાં હજી આ રસ્તો અપડેટ નથી થયો. આ રસ્તો એટલો શાનદાર છે કે માત્ર ૪ કલાકમાં ઝંસ્કારથી લેહ પહોંચી ગયો. રસ્તામાં ગોન્બો રાંગજોન પહાડ આવે છે. અંધારું થયા પછી મિલ્કીવે (આકાશગંગા)નો નજારો જોવા મળ્યો. સામાન્ય રીતે લોકો રાત્રે બાઇક ચલાવતાં ડરે છે, પણ હાઇવે કરતાં રાત્રે પહાડી ઘાટ પર બાઇક ચલાવવી સરળ છે. હાઇવે પર સ્ટ્રીટલાઇટો હોતી નથી અને ગમે ત્યાંથી લોકલ રિક્ષા કે વાહનો આડાં આવી જાય છે. વળી ઘણાં સ્થળોએ સ્થાનિકો પોતાની સગવડ માટે હાઇવેનાં ડિવાઇડર હટાવી લેતા હોય છે, જેનાથી અકસ્માતનું જોખમ વધી જાય છે. એની સામે ઘાટમાં રાત્રે ટ્રાફિક બિલકુલ નથી હોતો અને સીધા નીકળી જાઓ છો. હાઈ ઍલ્ટિટ્યુડ પર શરીર સેટ થાય અને આરામ મળે એ માટે એક દિવસ લેહમાં વિતાવ્યો. સાંજે ૬ વાગ્યા પછી સનસેટ અને નાઇટ-વ્યુ જોવા માટે ત્સેમો મૉનેસ્ટરીની મુલાકાત બેસ્ટ રહી.’
રોમાંચક સફર
હર્ષની આ રાઇડ માત્ર લેહ પહોંચવા પૂરતી સીમિત નહોતી. રસ્તામાં અચાનક બદલાતા રૂટ્સ, ઑફ-રોડિંગ રસ્તાઓ અને ખરાબ હવામાન સફરનો હિસ્સો હતાં. લેહથી ૧૨૫ કિલોમીટર દૂર ખારદુંગ લા પાસ થઈને નુબ્રા વૅલી તરફ આગળ વધી હુંડર નામના ગામમાં રોકાયો. નુબ્રા વૅલીમાં ATV રાઇડ્સ, ગો-કાર્ટિંગ, ઝિપલાઇનિંગ અને બે ખૂંધવાળા ઊંટની સવારીની મજા માણી. ATV એટલે કે ઑલ-ટેરેન વ્હીકલ ખાસ પ્રકારનું મોટર વ્હીકલ છે જે ગમે એવા ખરાબ, પથરાળ, કાદવ-કીચડવાળા કે રેતાળ રસ્તાઓ પર સરળતાથી ચાલી શકે છે. નુબ્રાથી પૅન્ગૉન્ગ લેક તરફના રૂટમાં ઑફ-રોડ ટ્રેક્સ અને વૉટર-ક્રૉસિંગ્સ આવ્યાં. કલાકોની હાડમારી પછી પૅન્ગૉન્ગ લેકનો વ્યુ દેખાયો.
હાનલે નામના નગરમાં બે દિવસ રોકાયા પછી શરૂ થઈ આખી ટ્રિપની અલ્ટિમેટ રોમાંચક સફર ‘ઉમલિંગ લા’ની રાઇડ એમ જણાવીને હર્ષ કહે છે, ‘૧૯,૦૨૪ ફુટની ઊંચાઈએ આવેલો આ વિશ્વનો સૌથી ઊંચો મોટરેબલ રોડ છે. અહીં નેટવર્ક નથી પકડાતું. પહેલેથી ગૂગલ મૅપ્સ ડાઉનલોડ કરી રાખો તોય રસ્તો બતાવે નહીં. સવારે ૯ વાગ્યે હાનલેથી નીકળીને નરબોલે તરફ પહાડોમાં માત્ર ટાયરનાં નિશાન જોઈને પચીસ કિલોમીટર સુધી ભયંકર ઑફ-રોડિંગ કર્યું. ત્યાંથી આગળ ઉમલિંગ લા સુધીનો ૪૦ કિલોમીટર રસ્તો પાકો ડામરનો હતો. જેમ-જેમ બાઇક ઉપર ચડતી ગઈ એમ-એમ હવામાન પલટાયું. અચાનક ભારે હિમવર્ષા શરૂ થઈ ગઈ અને ઠંડી પડવા માંડી. એક ક્ષણ થયું કે પાછો વળી જાઉં. જોકે અહીં સુધી આવ્યા પછી હાર માનવાનો સવાલ જ નહોતો. ઑક્સિજનની ભયંકર કમી અને ઊંચાઈને લીધે શરીર ફ્રીઝ થઈ ગયું. આખરે ઉમલિંગ લાની ટોચે પહોંચ્યો. ત્યાં વધુ રોકાવું જોખમી લાગતાં પાંચેક મિનિટમાં એ જ રસ્તેથી રિટર્ન થયો.’
હાનલેથી મનાલી જવા માટે બે રસ્તા હતા. એક રસ્તો ત્સો મોરિરી લેક થઈને જતો હતો, પણ એના માટે કિલૉન્ગ સુધી પહોંચી શકાય એટલું પેટ્રોલ હોવું જરૂરી હતું. હર્ષ પાસે પૂરતું ફ્યુઅલ ન હોવાથી તેણે ન્યોમા પાછા ફરીને, રીફ્યુઅલિંગ કરીને પુગા વૅલીવાળો સેફ રૂટ પસંદ કર્યો. ફરી એક વાર કુદરતે તેનો પ્લાન બદલ્યો. બારાલાચા લા અને અટલ ટનલની આસપાસ હિમવર્ષાને લીધે સરચુથી પહેલાં પાંગ નામના ગામમાં રાઇડ અટકાવી દેવી પડી. હર્ષ કહે છે, ‘એ રાત્રે પાંગમાં ૪ ધાબળા ઓઢીને સૂતો હતો. પહાડોનો સૌથી મોટો પાઠ એ જ છે કે તમારા શરીર અને હવામાનનું સાંભળો, ટાર્ગેટ પૂરો કરવા માટે કુદરત સામે ક્યારેય જીદ ન કરો.’
ગુજરાતી ટેસ્ટ ભૂલવો પડે
સફરના અન્ય પડકારો વિશે હર્ષ કહે છે, ‘લાંબા અંતરની રાઇડમાં બાઇકની ઍવરેજ અને સામાનનું પ્લાનિંગ બહુ મૅટર કરે છે. મારી પાસે Royal Enfield Meteor 350 બાઇક છે જે પહાડોમાં પણ ૩૬ કિલોમીટરની ઍવરેજ આપે છે. ફુલ ટૅન્કમાં બાઇક ૪૫૦ કિલોમીટર સુધી ચાલી જતી હતી. સામાન એકદમ ઓછો રાખ્યો હતો. સેફ્ટી સૌથી જરૂરી છે. બાઇકિંગમાં આખો દિવસ રાઇડિંગ ગિઅર પહેરવાનાં હોય એટલે અંદર તમે કયાં કપડાં પહેર્યાં છે એનાથી ફરક નથી પડતો. બીજું, હિમાલયના રસ્તાઓ પર ફોનનું નેટવર્ક ગાયબ થઈ જવું સામાન્ય છે. પ્રી-પેઇડ કાર્ડ બિલકુલ નથી ચાલતાં. માત્ર ઍરટેલ કે જિયોનું પોસ્ટપેઇડ કનેક્શન કામ કરે છે. કુલુ-ચંડીગઢથી આગળ બાઇકિંગ કમ્યુનિટી એટલી ઍક્ટિવ છે કે જો તમે રસ્તામાં પાણી પીવા માટે પણ બાઇક
ઊભી રાખો તો સામેથી પસાર થતો બીજો બાઇકર રોકાઈને પૂછશે : બધું બરાબર છેને? કોઈ ફૉલ્ટ નથી થયોને? અહીં એકબીજાની મદદ એકમાત્ર સહારો છે.’
ફૂડ-કલ્ચર વિશે હર્ષ કહે છે, ‘ખાવામાં મોટા ભાગે મૅગી અને રાજમા-ચાવલ મળે છે. રોટલી પર ઘી નથી લગાવતા અને સબ્જી ફિક્કી લાગે. ઘણા બાઇકર્સ માત્ર મૅગી ખાઈને ચલાવી લે છે, પણ પેટ ભરેલું ન હોય અને પ્રોટીન ન મળે તો માઉન્ટન-સિકનેસ થઈ શકે છે. સ્વાદ ગમે એવો હોય, પેટ ભરવા અને તાકાત જાળવી રાખવા દાળ-ભાત ખાઈ જ લેવાં પડે. જોકે ગુજરાતી હોવાના નાતે ઘરનો નાસ્તો સાથે રાખ્યો હતો. ૨૦ સપ્ટેમ્બરે મુંબઈ પાછો આવ્યો. ૧૭ દિવસની આ સફર માત્ર બાઇક-રાઇડ નહોતી; પોતાની ક્ષમતાઓને પુશ કરવાનું, પહાડોની અનિશ્ચિત પરિસ્થિતિને અનુકૂળ થવાનું અને પ્લાન મુજબ વસ્તુઓ ન થાય તો એને સ્વીકારવાનું લાઇફ-લેસન હતું. આવા અણધાર્યા વળાંકો સફરને યાદગાર બનાવે છે.’
બજેટ-મૅનેજમેન્ટ
જો તમે પણ આવી બાઇક-ટ્રિપ પ્લાન કરી રહ્યા હો તો હર્ષની પ્રૅક્ટિકલ ટિપ્સ કામ લાગશે. મુંબઈથી કુલુ સુધી હાઇવે પર એક રાતના ૧૦૦૦ રૂપિયાથી ૧૫૦૦ રૂપિયા, જિસ્પામાં ૮૦૦ રૂપિયાથી ૧૦૦૦ રૂપિયા, લેહમાં મેઇન માર્કેટથી એક કિલોમીટર અંદર ૧૨૦૦ રૂપિયામાં સારું અકોમોડેશન મળી રહે છે. નુબ્રા અને હાનલેમાં શૅરિંગ બેસિસ પર જમવા સાથે વ્યક્તિદીઠ ૧૦૦૦ રૂપિયા અને જો સિંગલ રૂમ જોઈતો હોય તો ૩૦૦૦ રૂપિયા સુધીનો ખર્ચ થાય. પૅન્ગૉન્ગ લેક નજીકના વિસ્તારો મોંઘા છે. જો બજેટ ઓછું હોય તો મેરક ગામમાં સસ્તા ઑપ્શન મળી રહે છે. કિલૉન્ગ, પદુમ, લેહ, નુબ્રા, તાંગત્સે અને ન્યોમા મુખ્ય રીફ્યુઅલિંગ પૉઇન્ટ્સ છે. ઇમર્જન્સીમાં સ્થાનિક લોકો પાસેથી પેટ્રોલ લેવું પડે તો એનો ભાવ ૧૫૦ રૂપિયા પ્રતિ લીટર છે.
લદ્દાખના કેટલાક પ્રોટેક્ટેડ વિસ્તારો માટે પરમિટ ફરજિયાત છે. લેહ ડિસ્ટ્રિક્ટ પરમિટ ટ્રેકિંગ સિસ્ટમની સત્તાવાર વેબસાઇટ પરથી લેહ પહોંચવાના ૪૮ કલાક પહેલાં ઑનલાઇન અપ્લાય કરી દેવું. ફી સરખી હોવાથી ફૉર્મ ભરતી વખતે તમામ લોકેશન સિલેક્ટ કરી લેવાં. પીક સીઝનમાં ઘણી જગ્યાએ ચેકિંગ થાય છે. જોકે સપ્ટેમ્બરમાં હર્ષની પરમિટ માત્ર હાનલે ખાતે ચેક થઈ હતી.