એકને વાંકે બધાને ડામ

12 June, 2022 09:25 AM IST  |  Mumbai | Prajakta Kasale

બીએમસીએ આ જ ન્યાયે કોઈ બિલ્ડિંગમાં કોરોનાનો એક કેસ હોય તો પણ બિલ્ડિંગના તમામની ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો: લોકોની આનાકાનીને લીધે હાલ તો આ સર્ક્યુલર ‘એચ’ વેસ્ટ વૉર્ડ પૂરતો જ છે

આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી રહેલી મહિલા (તસવીર : આશિષ રાજે)

કોવિડના કેસ વધી રહ્યા હોવા છતાં લોકો ટેસ્ટિંગ કરાવવામાં અનિચ્છા વ્યક્ત કરે છે. બાંદરા-વેસ્ટ, ખાર-વેસ્ટ અને સાંતાક્રુઝ-વેસ્ટને આવરી લેતા ‘એચ’ વેસ્ટ વૉર્ડમાં હવે એક સર્ક્યુલર ઇશ્યુ કરવામાં આવ્યો છે, જે મુજબ બિલ્ડિંગમાં કોવિડનો એક પણ કેસ નોંધાશે તો તમામ રહેવાસીઓએ ફરજિયાત કોરોનાનું ટેસ્ટિંગ કરાવવું પડશે.

છેલ્લાં બે અઠવાડિયાંમાં કોવિડના કેસમાં વધારો નોંધાયો હોવા છતાં ટેસ્ટિંગનું પ્રમાણ વત્તે-ઓછે અંશે સરખું જ રહ્યું છે. મુંબઈનો ટેસ્ટ પૉઝિટિવિટી રેટ (ટીપીઆર) ૧૫ ટકાએ પહોંચ્યો છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની માર્ગદર્શિકા મુજબ ટીપીઆર પાંચ ટકા કરતાં ઓછો હોવો જોઈએ એ પર્યાપ્ત ટેસ્ટિંગ સૂચવે છે.

અગાઉ રેલવે સ્ટેશનો, બજારો, વૉર્ડ ઑફિસ અને બીચ જેવાં સ્થળોએ રૅન્ડમ પરીક્ષણ કરાતું હતું: પરંતુ હવે લોકો ટેસ્ટ કરાવવા અનિચ્છા વ્યક્ત કરી રહ્યા છે. ખાનગી કે સરકારી ક્લિનિકમાં આવનારા કોવિડનાં લક્ષણો ધરાવતા પેશન્ટ્સ પણ ટેસ્ટિંગ માટે અનિચ્છા વ્યક્ત કરીને અમારી પાસે સર્ક્યુલર દેખાડવાની માગણી કરે છે.

અમને ટેસ્ટિંગ વધારવા જણાવાયું છે, પરંતુ સોસાયટીમાં એ માટે પ્રતિકાર કરવામાં આવે છે એટલે જ અમે સોસાયટીમાં એક પણ કેસ નોંધાય તો ફરજિયાત ટેસ્ટિંગનું જણાવતો સર્ક્યુલર બહાર પાડ્યો છે, એમ ‘એચ’ વેસ્ટ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર વિનાયક વિસ્પુટેએ જણાવ્યું હતું. 
કોરોનાની ટેસ્ટના આંકડા

તારીખ     ટેસ્ટ     પેશન્ટ્સ 
૬ જૂન     ૬૮૯૭         ૬૭૬
૭ જૂન     ૧૭,૧૪૫    ૧૨૪૨
૮ જૂન     ૧૯,૧૮૫    ૧૭૬૫
૯ જૂન     ૧૯,૧૮૫    ૧૭૬૫                            
૧૦ જૂન     ૧૫,૩૪૬    ૧૯૫૬

mumbai mumbai news coronavirus covid19 prajakta kasale