મુંબઈમાં કોરોના પોઝિટિવિટી રેટ 20 ટકા પર પહોંચ્યો, નોંધાયા આટલા નવા કેસ

22 June, 2022 08:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ સાથે, મુંબઈમાં કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 13,501 થઈ ગઈ છે

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ફરી એકવાર કોરોના વાયરસનું સંક્રમણ વધવા લાગ્યું છે. મુંબઈમાં કોરોના પોઝિટિવ રેટ 20 ટકા પર પહોંચી ગયો છે, જે ચિંતાનો વિષય બની રહ્યો છે. તે જ સમયે, મુંબઈમાં એક દિવસમાં કોરોનાના 1648 નવા કેસ મળી આવ્યા છે. આજે મુંબઈની હોસ્પિટલમાં 96 કોરોના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે.

આ સાથે, મુંબઈમાં કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 13,501 થઈ ગઈ છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી બંને કોરોના પોઝિટિવ આવ્યા છે. રાજ્યપાલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે મુખ્યપ્રધાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજકીય કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે.

દેશમાં એક દિવસમાં કોવિડ-19ના 12,249 નવા કેસ સામે આવતાં, કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,33,31,645 થઈ ગઈ છે. તે જ સમયે, વધુ 13 દર્દીઓના મૃત્યુને કારણે મૃત્યુઆંક વધીને 5,24,903 થઈ ગયો છે. બુધવારે સવારે 8 વાગ્યા સુધી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ ડેટા અનુસાર, સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 2,300 વધીને 81,687 થઈ ગઈ છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, સારવાર હેઠળના કેસ કુલ કેસના 0.19 ટકા છે. કોવિડ-19માંથી રિકવરીનો રાષ્ટ્રીય દર 98.60 ટકા છે. અત્યાર સુધીમાં 4,27,25,055 લોકો સંક્રમણમાંથી સાજા થયા છે. ચેપથી મૃત્યુદર 1.21 ટકા છે. દેશવ્યાપી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાન હેઠળ, લોકોને અત્યાર સુધીમાં 196.45 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

mumbai mumbai news coronavirus covid19