મુંબઈની હવામાં ફેલાયું પ્રદૂષણનું ઝેર: એર ક્વોલિટી ઈન્ડેક્સ વટાવી ગયો આ આંકડો

20 January, 2023 10:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈમાં હવાની ગુણવત્તા દિવસેને દિવસે બગડતી જઈ રહી હોવાથી લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈની હવામાં પ્રદૂષણ (Mumbai Pollution)નું ઝેર ફેલાઈ ગયું છે. શહેરમાં સતત છઠ્ઠા દિવસે હવાની ગુણવત્તાનો સૂચકાંક દિલ્હી કરતાં ખરાબ રહ્યો છે. મુંબઈમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (Mumbai Air Quality Index) 300ને પાર કરી ગયો છે. મુંબઈનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 319 નોંધાયો છે. હવાની ગુણવત્તા નબળી કેટેગરીમાં હોવાથી પવનની ગતિ ધીમી પડી છે. તેથી શહેરના દક્ષિણ અને મધ્ય ભાગની હવા ખરાબ શ્રેણીમાં નોંધવામાં આવી છે.

મુંબઈમાં હવાની ગુણવત્તા દિવસેને દિવસે બગડતી જઈ રહી હોવાથી લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈમાં ઘણા દર્દીઓમાં શરદી, ઉધરસ, ગળામાં દુખાવો જેવી સમસ્યાઓ વધી છે. રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ વહીવટીતંત્ર દ્વારા વધતા પ્રદૂષણને પહોંચી વળવા હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. મુંબઈમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ વધીને 319 થઈ ગયો છે. એટલે કે મુંબઈની હવા હાઈ રિસ્ક કેટેગરીમાં નોંધાઈ છે, જ્યારે હાલ દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 308 છે.

ચેમ્બુર અને નવી મુંબઈમાં હવાની ગુણવત્તા નબળી

નવી મુંબઈમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ વધીને 362, અંધેરી 327, ચેમ્બુર 352, BKC 325, બોરીવલી 215, વરલી 200, મઝગાંવ 331, મલાડ 319, કોલાબા 323, તો ભાંડુપમાં 283 થઈ ગયો છે. ચેમ્બુર અને નવી મુંબઈમાં હવાની ગુણવત્તા ગંભીર સ્થિતિમાં છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં શિંદે અને ઠાકરે જૂથના સમર્થકો વચ્ચે ફરી થઈ બબાલ, નાશિકમાં થયો રાડો

માસ્ક વાપરવાની અપીલ

પૂર્વ પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ મુંબઈમાં વધી રહેલા પ્રદૂષણ અંગે ટ્વીટ કરીને સરકારની ટીકા કરી છે. એવી ટીકા થઈ રહી છે કે સરકાર મુંબઈ ક્લાઈમેટ એક્શન પ્લાનને લઈને ગંભીર નથી અને તેણે આ અંગે કામ અટકાવી દીધું છે. એવું જોવામાં આવ્યું છે કે ચાલી રહેલા મેટ્રો કામો, રસ્તાઓ પર વાહનોની વધેલી સંખ્યા અને ધૂળની સંયુક્ત અસરોને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. 
હવામાં ઝેરી પ્રદૂષણને કારણે બીમાર લોકોને સ્વાસ્થ્ય સંબંધી તકલીફ થવાની સંભાવના છે. નિષ્ણાતોએ નબળી હવાની ગુણવત્તાવાળા સ્થળોએ હૃદય અને ફેફસાના વિકારોમાં વધારો થવાની પણ આગાહી કરી છે. હાલમાં, શ્વસન સંબંધી રોગો ધરાવતા નાગરિકોને કાળજી લેવા અને માસ્કનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.

mumbai mumbai news air pollution borivali navi mumbai