નિવૃત્ત નેવી ઑફિસરને ઉદ્ધવ-વિરોધી પોસ્ટ ફૉર્વર્ડ કરવાની મળી સજા

12 September, 2020 07:00 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

નિવૃત્ત નેવી ઑફિસરને ઉદ્ધવ-વિરોધી પોસ્ટ ફૉર્વર્ડ કરવાની મળી સજા

કાંદિવલીના સિનિયર સિટિઝન મદન શર્માને માર માર્યાનું સીસીટીવી ફૂટેજ.

કંગના રનોટના મુદ્દે શિવસેનાની ખરી ટીકા થઈ રહી છે ત્યારે કાંદિવલીમાં ગઈ કાલે એક આંચકાજનક ઘટના બની છે જેથી શિવસેના ફરી ચર્ચામાં આવી છે. કાંદિવલી-ઈસ્ટના સ્થાનિક શિવસેનાના કાર્યકરોએ મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર અને શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરેની એક પોસ્ટ સોશ્યલ મીડિયા પર ફૉર્વર્ડ કરવા બદલ કાંદિવલીના ૬૫ વર્ષના નિવૃત્ત સિનિયર સિટિઝન નેવી ઑફિસરની મારઝૂડ કરી હતી જેથી તેમની આંખ અને શરીરના અન્ય ભાગોમાં ઈજા થઈ હતી. આ ઘટના વિશે સમતાનગર પોલીસ-સ્ટેશનમાં શિવસેનાના સ્થાનિક શાખાપ્રમુખ સહિત ૬ શિવસૈનિકો સામે આઇપીસીની કલમ 325, 143, 147 અને 148 હેઠળ ગુનો નોંધવામાં આ‍વ્યો છે, પરંતુ કોઈની ધરપકડ થઈ નથી.

કાંદિવલી-ઈસ્ટના ઠાકુર કૉમ્પ્લેક્સમાં વસંત પ્રાઇડ બિલ્ડિંગમાં પરિવાર સાથે રહેતા નિવૃત્ત નેવી ઑફિશર મદન શર્માએ પોલીસ-સ્ટેશને લખાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ‘૯ સપ્ટેમ્બરે એક વૉટ્સઍપ-ગ્રુપ પરથી મને ઉદ્ધવ ઠાકરેની તસવીર ધરાવતું કાર્ટૂન પોસ્ટ થયું હતું. આ પોસ્ટ મેં ૧૧ સપ્ટેમ્બરે મારા બિલ્ડિંગના ગ્રુપમાં ફૉર્વર્ડ કરી હતી. ત્યાર બાદ મને મોબાઇલ પર ચાર ફોન આવ્યા હતા. ફોન પર એક જણે મને ‘આપકા નામ ક્યા હૈ, આપ કહાં રહતે હો’ જેવા સવાલ પૂછ્યા હતા. બપોરે મને સોસાયટીના ગેટ પાસેના ઇન્ટરકૉમ દ્વારા ફોન આવ્યો અને ‘કામ છે’ કહીને બિલ્ડિંગની નીચે બોલાવ્યો હતો. નીચે આવતાં સિક્યૉરિટીની હાજરીમાં મને ૮થી ૧૦ જણે મને માર માર્યો હતો, જેમાં મારી આંખ અને ડોક પર ગંભીર જખમ થયા છે. આ ઘટના અમારા બિલ્ડિંગના સીસીટીવી કૅમેરામાં કેદ થઈ છે. હું તેમને પોસ્ટ ફૉર્વર્ડ કરી હોવાનું કહી રહ્યો હોવા છતાં એ લોકોએ મારું કાંઈ સાંભળ્યું નહોતું.’

પોલીસ શું કહે છે?

આ વિશે સમતાનગરના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર રાજુ કસબેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરેની એક પોસ્ટ સોશ્યલ મીડિયા પર પીડિતે શૅર કરી હતી. એ સંદર્ભે સ્થાનિક શિવસૈનિક જેમાં એક શાખાપ્રમુખનો સમાવેશ છે તેમણે પોસ્ટ વિશે વાત કરવા પીડિતને બિલ્ડિંગ નીચે બોલાવ્યા અને એ વખતે બોલાચાલી વધી ગઈ હતી. રોષે ભરાયેલા શિવસૈનિકે પીડિતને માર માર્યો હોવાથી તેઓ જખમી થયા હતા. ફરિયાદના આધારે ૬ શિવસૈનિકો પર કેસ નોંધ્યો છે, પરંતુ અત્યાર સુધી કોઈની ધરપકડ કરી નથી. પીડિતનું મેડિકલ કરાવવા માટે તેમને શતાબ્દી હૉસ્પિટલમાં મોકલાવવામાં આવ્યા હતા.’

બીજેપીના વરિષ્ઠ નેતા કિરીટ સૌમયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘નિવૃત્ત નેવી ઑફિસરે સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરી એ બદલ શિવસેનાના કાર્યકરોએ તેમની મારઝૂડ કરી હતી. મેં મુંબઈ પોલીસ સમક્ષ કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. આ વિશે કોઈ ઍક્શન નહીં લેવાય તો હું કાંદિવલી-ઈસ્ટના પોલીસ-સ્ટેશન જઈને ધરણાં કરીશ.’

કાંદિવલીના બીજેપીના ધારાસભ્ય અતુલ ભાતખળકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્થાનિક શિવસૈનિકોએ એક સિનિયર સિટિઝનને માર માર્યો છે. પોલીસે એફઆઇઆર તો નોંધ્યો છે, પરંતુ અમે આરોપીઓની ધરપકડ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરી છે.’

આ બનાવ બાદ પપ્પા માનસિક રીતે ખૂબ ડિસ્ટર્બ થઈ ગયા છે. વૉટ્સઍપમાં આપણે જેમ નોર્મલ પોસ્ટ શૅર કરતા હોઈએ છીએ એમ જ આ પોસ્ટ પણ પપ્પાએ શૅર કરી હતી, પરંતુ હવે તો પોસ્ટ શૅર કરવી પણ ગુનો બની ગયો હોવાનું લાગી રહ્યું છે.
- ડૉક્ટર શીલા શર્મા, પીડિતની દીકરી

mumbai mumbai news uddhav thackeray shiv sena kangana ranaut kandivli preeti khuman-thakur