Deshraj: જાણો કેમ સોશિયલ મીડિયા પર ફૅમસ થઈ રહ્યા છે આ ઑટો-ચાલક

27 February, 2021 12:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Deshraj: જાણો કેમ સોશિયલ મીડિયા પર ફૅમસ થઈ રહ્યા છે આ ઑટો-ચાલક

દેશરાજ સિંહ

તાજેતરમાં સોશિયલ મીડિયાથી હેડલાઈન્સમાં છવાયેલા દેશરાજ જોત સિંહની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. તેમણે પોતે સામે આવીને પોતાના જીવન સાથે જોડાયેલી એવી વાતો જણાવી છે, જે સાંભળીને તમે દંગ રહી જશો. પોતાના પૌત્ર-પૌત્રીને ભણાવવા અને એક સક્ષમ વ્યક્તિ બનાવવા માટે દેશરાજ લાંબા સમયછી મુંબઈમાં ઑટો-રિક્ષા ચલાવી રહ્યા છે અને હાલ તેમની વય 74 વર્ષ છે. જે ઉંમરમાં સામાન્ય માણસ આરામ કરે છે, પણ ઘરની જવાબદારીઓએ તેમને ઑટો-રિક્ષા ચલાવવાની ફરજ પડી છે. મજબૂરીઓ અને ઘરની જવાબદારીના લીધે જીવનના આ તબક્કે પણ પરસેવો પાડીને પોતાના ઘરવાળાનું પેટ ભરી રહ્યા છે.

દેશરાજનું કહેવું છે કે પહેલા તેઓ ઑટો-રિક્ષા ચલાવીને દરરોજના 700-800 રૂપિયા સુધી કમાવી લેતા હતા, પરંતુ હવે કમાણીમાં થોડો ઘટાડો થયો છે, જેના કારણે તેઓ એક દિવસમાં 300-400 રૂપિયા સુધી જ કમાઈ શકે છે.

તેમણે જણાવ્યું કે વર્ષ 1958માં તેઓ મુંબઈ આવ્યા હતા, જ્યાં તેમણે 10માં ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ 1986માં તેઓ ઑટો-રિક્ષા ચલાવતા શીખ્યા. દેશરાજે જણાવ્યું કે તેમના બે પુત્રોના મૃત્યુ પછી તેમણે તેમના પૌત્ર-પૌત્રીને શિક્ષિત બનાવવાનું નક્કી કર્યું અને તેમના માટે ઑટો-રિક્ષા ચલાવવાનું શરૂ કરી દીધું અને હજી પણ તેમના માટે કામ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે તેમના એક દીકરાએ સુસાઈડ કરી લીધું હતું, ત્યાર બાદ તેની પત્ની પોતાના બાળકોની જવાબદારી દેશરાજ અને તેમની પત્ની પર છોડીને ચાલી ગઈ હતી. દેશરાજના બે પૌત્રો અને એક પૌત્રી છે, જે તેમની પત્ની સાથે હિમાચલ પ્રદેશમાં રહે છે. દેશરાજે પોતાની આ ભાવનાત્મક વાર્તા સંભળાવતા કહ્યું કે પોતાના પૌત્રીના અભ્યાસ માટે તેમણે એક લાખ રૂપિયાનું પોતાનું ઘરે વેંચી દીધું હતું. દેશરાજ પોતાની પૌત્રીને એક શિક્ષક બનાવવા માંગે છે અને એટલા માટે તેઓ ત્રણ બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવતા રહે છે.

mumbai mumbai news maharashtra