22 July, 2025 08:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે અંધેરી સબવેમાં પાણી ભરાઈ ગયાં હતાં. તસવીર : સતેજ શિંદે
વીક-એન્ડમાં મુંબઈગરાઓએ વરસાદની ભરપૂર મજા માણ્યા બાદ સપ્તાહની શરૂઆતમાં પડેલા ભારે વરસાદમાં મુંબઈગરાઓના સામાન્ય જીવનને અસર પહોંચી હતી. મુંબઈ શહેર વિસ્તારમાં હળવો વરસાદ રહ્યો હતો જ્યારે પરાં વિસ્તારોમાં ૧૦૦ મિલીમીટર કરતાં પણ વધુ વરસાદ નોંધાયો હતો. આવતા ચોવીસ કલાક માટે હવામાન ખાતાએ મુંબઈ, થાણે અને પાલઘરમાં ભારે વરસાદની આગાહી આપતાં ઑરેન્જ અલર્ટ જાહેર કરી છે. ત્યાર બાદ આખું અઠવાડિયું યલો અલર્ટ રહેશે.
રવિવારે સાંજથી સતત પડી રહેલા વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. અંધેરી સબવેમાં પાણી ભરાતાં એ બંધ કરવામાં આવ્યો હતો. ઑફિસ અવર્સમાં જ વરસાદ વધતાં લોકલ ટ્રેનની ગતિ ધીમી પડી હતી. વેસ્ટર્ન અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પણ ઠેર- ઠેર ટ્રાફિક જામની ફરિયાદો મળી હતી. મુંબઈ ઍરપોર્ટ પર વિઝિબિલિટી ઓછી થતાં ફ્લાઇટ્સના શેડ્યુલમાં અમુક ફેરફારો કરવામાં આવ્યા હતા. ઍરલાઇન્સે ફ્લાઇટના સમય વિશે પૂછપરછ કરીને જ ઍરપોર્ટ પહોંચવાની સૂચના આપી હતી. મુંબઈ સહિત થાણે અને પાલઘરમાં પણ વરસાદનું જોર સારું રહ્યું હતું.
રવિવારે સવારથી સોમવાર સવાર સુધીમાં સાંતાક્રુઝ વેધશાળામાં ૧૧૫ મિલીમીટર અને કોલાબામાં ૧૧ મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે સોમવારે સવારે ૮.૩૦ વાગ્યાથી સાંજે ૫.૩૦ વાગ્યા સુધી સાંતાક્રુઝમાં ૮૬.૬ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જુહુમાં ૭૬ મિલીમીટર, બાંદરામાં ૫૮ મિલીમીટર અને કોલાબામાં ૮.૪ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
સારા વરસાદને પગલે મુંબઈને પાણી આપતાં ૭ જળાશયોમાં કુલ ક્ષમતાના ૮૧.૮૬ ટકા પાણી જમા થયું છે. એટલે કે ૧૧,૮૪,૭૯૬ મિલ્યન લિટર પાણીનો જથ્થો જમા થયો હોવાનું મહાપાલિકાએ જણાવ્યું હતું.
અંધેરી-વેસ્ટ મેટ્રો સ્ટેશનની હાલત જુઓ
અંધેરી-વેસ્ટ મેટ્રો સ્ટેશન પર ઉપરથી વરસાદનું પાણી ટપકતું હોવાથી ગઈ કાલે ઠેર-ઠેર બાલદીઓ મૂકેલી જોવા મળી હતી. તસવીર : નિમેશ દવે