સીએમ જ્યાં રહે છે ત્યાં રાત સુધી પાણી ઓસર્યાં નહોતાં

10 June, 2021 09:56 AM IST  |  Mumbai | Prajakta Kasale

બાંદરાની પત્રકાર કૉલોનીમાં ગ્રાઉન્ડ ફ્લોરના ફ્લૅટોમાં ઘૂંટણ સુધી પાણી ભરાયાં હતાં

ગઈ કાલે ભારે વરસાદને કારણે બાંદરાની પત્રકાર કૉલોનીમાં ભરાયેલાં પાણી.

બાંદરા-ઈસ્ટના જે વિસ્તારમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે રહે છે ત્યાં બુધવારે ચોમાસાના પહેલા દિવસે જ પાણી ભરાયાં હતાં. સવારે ૧૧ વાગ્યાથી હાઉસિંગ સોસાયટીઓમાં પાણી ભરાવાં માંડ્યાં હતાં અને બપોરે એક વાગ્યા સુધીમાં ઘૂંટણસમું પાણી ભરાયું હતું. સીએમ જ્યાં રહે છે એ કલાનગરની આસપાસનો મોટા ભાગનો વિસ્તાર કલાકો સુધી પાણીથી તરબોળ રહ્યો હતો. સાંજના છ વાગ્યા સુધી એક ઇંચ સુધ્ધાં પાણી ઊતર્યું નહોતું. પાણી ભરાવાની સમસ્યાથી વાજ આવી ગયેલા રહેવાસીઓએ આ સમસ્યાના કાયમી ઉકેલની માગણી કરી છે.

પત્રકાર સોસાયટીનાં સેક્રેટરી સોનલ કોટનીસે જણાવ્યું હતું, ‘ચોમાસા દરમિયાન કાયમ પાણી જમા થવાની સમસ્યા રહે છે, પણ આ વખતે તો પહેલા જ દિવસથી પાણી ભરાયું હતું. ગ્રાઉન્ડ ફ્લોરના ફ્લૅટોમાં ઘૂંટણ સુધી પાણી ભરાયાં હતાં અને રાત સુધી પાણી ઠેરનું ઠેર રહ્યું હતું. આ સ્થિતિમાં સિનિયર સિટિઝન્સ ક્યાં જશે? વળી, અમારે અમારાં વાહનો પણ ખસેડવાં પડ્યાં હતાં. અમે સ્થાનિક વૉર્ડ ઑફિસ અને કૉર્પોરેટરને ફોન કર્યો હતો, પણ કોઈ મદદે ન આવ્યું. ત્યાર પછી રહેવાસીઓના જૂથે સાથે મળીને પરસ્પરને મદદ પૂરી પાડી. હવે અમે સંબંધિત અધિકારીને તત્કાળ મીટિંગ બોલાવીને આ સમસ્યાનો ઉકેલ લાવવાની માગણી કરી છે. અમને કાયમી ઉકેલ જોઈએ છે.’

કલાનગર બીકેસીની તુલનામાં નીચાણવાળો વિસ્તાર છે. અહીં કેટલાંક આઉટલેટ્સ છે, જે પાણીને એમએમઆરડીએના સ્ટોર્મવૉટર ડ્રૅનેજમાં જવા દે છે, પણ ભરતીના સમયે આ આઉટલેટ્સને બંધ કરવાની કોઈ વ્યવસ્થા નથી અને રિવર્સ ફ્લડિંગને કારણે આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. એમએમઆરડીએ ખાતે પમ્પિંગ સ્ટેશન છે, પણ કોઈ એની જવાબદારી લઈ નથી રહ્યું. અમે બીએમસીનો સંપર્ક કર્યો તો તેમણે કહ્યું કે સ્ટેશન એમએમઆરડીએ હેઠળ આવે છે, એમએમઆરડીએએ અમને જણાવ્યું કે સ્ટેશન બીએમસીની જવાબદારી છે. ગત વર્ષે ઉચ્ચ ક્ષમતાના પમ્પને કારણે અમને થોડી રાહત થઈ હતી, પણ આ વખતે પમ્પ કામ કરી રહ્યા નથી, એમ સાહિત્ય સહવાસના રહેવાસી સિદ્ધાર્થ પર્ધેએ જણાવ્યું હતું.

mumbai mumbai news bandra mumbai monsoon mumbai weather mumbai rains uddhav thackeray prajakta kasale