મુંબઈ : હમાલની ઈમાનદારી પર ગુજરાતી NRI થયા ફિદા

12 March, 2020 07:37 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

મુંબઈ : હમાલની ઈમાનદારી પર ગુજરાતી NRI થયા ફિદા

એનઆરઆઇ નથુભાઈ પટેલને ટ્રેનમાં ખોવાયેલી બૅગ પાછી આપતી મુંબઈ સેન્ટ્રલ રેલવે પોલીસની ટીમ

ભારતીય સંસ્કૃતિ અને ભારતની પોલીસની ઇમેજને ચાર ચાંદ લાગે એવી ઘટના સોમવારે રાત્રે મુંબઈ સેન્ટ્રલ રેલવે-સ્ટેશન પર બની હતી. રેલવે-સ્ટેશન પર મુસાફરોનો સામાન ઊંચકીને મામૂલી આવક કરતા ગરીબ હમાલે લંડનમાં રહેતા ગુજરાતી એનઆરઆઇને દોઢ લાખની રોકડ રકમ અને પાસપોર્ટ સહિતના મહત્વના દસ્તાવેજ સાથેની બૅગ પાછી સોંપી હતી. આણંદથી બોરીવલી રેલવે-સ્ટેશને પહોંચ્યા બાદ ટ્રેનમાં બૅગ ભૂલી ગયા હોવાનું ૭૭ વર્ષના એનઆરઆઇના ધ્યાનમાં આવ્યું હતું અને આને કારણે પોતે સવારે લંડન જતી ફ્લાઇટ નહીં પકડી શકે એવું તેમને લાગ્યું હતું, પરંતુ રેલવે પોલીસ અને હમાલે ગણતરીની મિનિટોમાં તેમની બૅગ હેમખેમ પાછી મેળવી આપીને તેમને સુખદ આંચકો આપ્યો હતો.

હમાલ બબન ઘુગે.

મુંબઈ સેન્ટ્રલ રેલવે પોલીસના જણાવ્યા મુજબ લંડનમાં રહીને હોટેલનો વ્યવસાય કરતા ૭૭ વર્ષના એનઆરઆઇ નથુભાઈ પટેલ મંગળવારે રાત્રે શતાબ્દી એક્સપ્રેસમાં મુંબઈ આવ્યા હતા. બુધવારે સવારે લંડનની ફ્લાઇટ હોવાથી તેઓ કોઈક સંબંધીને ત્યાં રોકાવા બોરીવલી સ્ટેશને ઊતર્યા હતા.

રેલવે-સ્ટેશનથી બહાર નીકળ્યા બાદ તેમને યાદ આવ્યું હતું કે પોતે સીટ પર મૂકેલી હૅન્ડબૅગ લેવાનું ભૂલી ગયા છે. બૅગમાં કૅશ સહિત ફ્લાઇટની ટિકિટ પણ હોવાથી તેઓ ચિંતામાં મુકાઈ ગયા હતા. બૅગ ટ્રેનમાં જ ભુલાઈ હોવાથી નથુભાઈ પટેલ ટૅક્સી પકડીને મુંબઈ સેન્ટ્રલ રેલવે-સ્ટેશને પહોંચ્યા હતા. તેમણે પોતે જે કોચમાં મુસાફરી કરી હતી એ-૧ કૉચમાં પહોંચીને જોયું તો બૅગ નહોતી. આથી મુંબઈ સેન્ટ્રલ રેલવે પોલીસનો સંપર્ક કર્યો હતો.

હેડ કૉન્સ્ટેબલ દત્તાત્રય વંજારી નથુભાઈ પટેલ સાથે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન જ્યાં ઊભી હતી ત્યાં ગયો હતો અને આસપાસમાં પૂછપરછ કરતો હતો એવામાં સામેથી આવી રહેલા બબન સોમનાથ ઘુગે નામનો હમાલ નથુભાઈની બૅગ હાથમાં લઈને આવતો દેખાયો હતો. ટ્રેનમાંથી મળેલી બૅગ પોલીસ-સ્ટેશનમાં જમા કરાવવા જઈ રહ્યો હતો. નથુભાઈ પોતાની બૅગ ઓળખી ગયા હતા અને એ ખોલીને ચકાસતાં એમાં રાખેલી ભારતીય ચલણી નોટ સહિત ૪૭૦ પાઉન્ડ, ૧૮૦ યુરો અને ૧૭૨ અમેરિકન ડૉલર સાથેની એક લાખ રૂપિયાની કૅશ, પાસપોર્ટ, લંડન જવાની ફ્લાઇટની ટિકિટ અને ૫૯ હજારની કિંમતનો મોબાઇલ મળી આવ્યાં હતાં. બૅગમાંથી એકેય વસ્તુ ઓછી નહોતી થઈ.

નથુભાઈએ ગરીબ હમાલ બબન ઘુગે અને હેડ કૉન્સ્ટેબલ દત્તાત્રય વંજારીએ ગણતરીની મિનિટોમાં પોતાની ટ્રેનમાં વીસરાઈ ગયેલી બૅગ પાછી અપાવવા બદલ આભાર માન્યો હતો. ભારતમાં આજેય આવા ઈમાનદાર લોકો રહેતા હોવાથી તેમણે ભારત માતાનો પણ આભાર માન્યો હતો.

નથુભાઈને હમાલ તેમ જ કૉન્સ્ટેબલનું સન્માન કરીને આભાર માનવો હતો પણ બન્નેએ વિનમ્રતા સાથે એ સ્વીકારવાની ના પાડી દીધી હતી.

આ પણ વાંચો : મુંબઈ: કોરોના સામે સાવચેતીમાં ફૂડ ડિલિવરી કંપનીઓ અગ્રેસર

મુંબઈ સેન્ટ્રલ રેલવે પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શૈલેન્દ્ર ધિવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નથુભાઈ પટેલ લંડનમાં રહે છે. તેમનું મૂળ વતન આણંદ છે. અહીં તેઓ પોતાનાં સગાંસંબંધીઓને મળવા માટે આવ્યા હતા. બુધવારે સવારે તેમની લંડનની ફ્લાઇટ હોવાથી તેઓ મંગળવારે રાત્રે મુંબઈ પહોંચ્યા હતા. બૅગ વીસરી જવાથી મુશ્કેલીમાં મુકાયા હતા, પરંતુ તેમને સમયસર ખોવાયેલી બૅગ હેમખેમ મળી જતાં તેઓ બુધવારે સવારે લંડન જવા નીકળી ગયા હતા.’

prakash bambhrolia mumbai news mumbai central mumbai indian railways mumbai railways