મુંબઈ અને પુણેમાં લૉકડાઉન 18 મે સુધી લંબાવવાની શક્યતા: આરોગ્ય પ્રધાન

25 April, 2020 04:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ અને પુણેમાં લૉકડાઉન 18 મે સુધી લંબાવવાની શક્યતા: આરોગ્ય પ્રધાન

ફાઈલ તસવીર

કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમણને રોકવા માટે મુંબઈ અને પુણેમાં લૉકડાઉન 18 મે સુધી લંબાવવામાં આવી શકે છે. મહારાષ્ટ્ર રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ એક ખાનગી પેપરને ફોન પર આપેલા અહેવાલમાં કહ્યું હતું કે, મુંબઈ અને પુણે આ બન્ને શહેરોમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો હોવાથી લૉકડાઉન વધારવાનો નિર્ણય લેવાઈ શકે છે. જો કે આખા મુંબઈ અને પુણેમાં લૉકડાઉન લાગૂ કરવામાં નહીં આવે. તે ફક્ત કન્ટેઈનમેન્ટ ઝૉન પુરતું જ મર્યાદિત હશે.  

અહેવાલ મુજબ ટોપેએ કહ્યું હતું કે, અમારે એ સુનિશ્ચિત કરવું પડશે કે તમામ કન્ટેઈનમેન્ટ ઝૉન સંપૂર્ણપણે કોર્ડન થઈ ગયા છે કે નહીં. જો જરૂર હશે તો ત્રીજી મે પછી મુંબઈ અને પુણેના કન્ટેઈનમેન્ટ ઝૉનમાં વધુ 15 દિવસ માટે લૉકડાઉન લંબાવવામાં આવશે. લૉકડાઉન લાગૂ કરવાનું મુખ્ય કારણ છે કોરોનાના સંક્રમણને ફેલાતા રોકવાનું અને જો ફેલાવો અટકતો ન હોય તો રાજ્યમાં લૉકડાઉન વધારવામાં આવશે જ.

રાજ્યમાં અત્યારે 512 સક્રિય કન્ટેઈનમેન્ટ ઝૉન છે. પુણેમાં સાત એપ્રિલથી સેન્ટ્રલ ઓલ્ડ પુણે અને કોંઢવામાં પેઢ અને બજારો સંપુર્ણ સીલ કરી દેવામાં આવ્યા છે. મુંબઈ અને પુણેમાં છેલ્લા એક મહિનામાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. એટલે હૉટસ્પોટ વિસ્તારોમાં લૉકડાઉન કાયમ રહેશે જ.

ટોપેએ વધુમાં જણાવ્યું હતું કે, અમે સરકારને વિનંતી કરી છે 18 મે સુધી સંપુર્ણ મહારષ્ટ્રની શાળાઓ, કૉલેજો અને જાહેર મેળાવડા પર લૉકડાઉન રાખવામાં આવે. મુંબઈ અને પુણેના હૉટસ્પોટ વિસ્તારોમાં ત્રીજી મે પછી પણ ઓછામાં ઓછા 15 દિવસ સુધી બિનજરૂરી સેવાઓને છૂટ આપવામાં નહીં આવે.

coronavirus covid19 maharashtra mumbai pune mumbai news pune news