પ્રવાસીઓ કંટાળે, પણ વેસ્ટર્ન રેલવેની ઑડિયો જાહેરાતે લાખોની કમાણી કરી

07 June, 2019 12:23 PM IST  |  મુંબઈ | પ્રીતિ ખુમાણ ઠાકુર

પ્રવાસીઓ કંટાળે, પણ વેસ્ટર્ન રેલવેની ઑડિયો જાહેરાતે લાખોની કમાણી કરી

લોકલ ટ્રેન

વેસ્ટર્ન રેલવેની ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે સ્ટેશનના અનાઉન્સમેન્ટ સાથે વિવિધ ઑડિયો જાહેરાતોનું અનાઉન્સમેન્ટ પણ પ્રવાસીઓ સાંભળતા જ હશે. ભલે રેલવે પ્રવાસીઓ અચાનક જોરજોરથી અનાઉન્સ થતા આ અનાઉન્સમેન્ટથી કંટાળતા હોય, પરંતુ જાણીને નવાઈ લાગશે કે વેસ્ટર્ન રેલવે માટે આ પ્રકારની જાહેરાતે છેલ્લાં પાંચ વર્ષમાં લાખોની આવક ઊભી કરી છે. રેલવેને મળેલા સારા પ્રતિસાદને લીધે આગામી વધુ લોકલ ટ્રેનમાં અનાઉન્સમેન્ટ થઈ શકે એવી શક્યતા પણ ખરી છે.

૨૦૧૫થી વેસ્ટર્ન રેલવેએ જાહેરાતના ફીલ્ડમાં પ્રાયોગિક ધોરણે ટ્રેનમાં સ્ટેશન અનાઉન્સમેન્ટ સાથે કમર્શિયલ ઍડ્વર્ટાઇઝમેન્ટ અનાઉન્સમેન્ટ પણ શરૂ કર્યું હતું. વેસ્ટર્ન રેલવેએ ૨૦૧૫ની ૨૫ માર્ચથી લઈને ૨૦૨૦ની ૨૪ માર્ચ સુધી એક કંપનીને આ માટેનો કૉન્ટૅÿક્ટ આપ્યો છે. પ્રતિ વર્ષ રેલવેની આ જાહેરાત સિસ્ટમને સારો પ્રતિસાદ મળવા લાગ્યો છે. હાલમાં વેસ્ટર્ન રેલવેમાં દોડતી ૬૮ લોકલ ટ્રેનોમાં આ જાહેરાત પ્રવાસીઓને સાંભળવા મળે છે.

આ વિશે રેલવેના કમર્શિયલ પબ્લિસિટી વિભાગના એક અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રેલવેનો આ પ્રથમ આ રીતનો પ્રયાસ હતો જેને સારો પ્રતિસાદ મળ્યો છે. રેલવેએ પાંચ વર્ષ માટે કૉન્ટ્રૅક્ટ આપ્યો છે. આ પ્રકારની જાહેરાતથી રેલવેને સારી એવી આવક પણ ઊભી થઈ છે. જાહેરાત કરતી કંપની પાસે ઍડ્વાન્સ પેમેન્ટ લેવામાં આવે છે.’

રેલવે પ્રવાસીઓનું શું કહેવું છે?

આ વિશે મીરા રોડમાં રહેતા અને બાંદરા ઑફિસે જતા રેલવે પ્રવાસી વિનય પંચાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વારંવાર ટ્રેનમાં થતી જાહેરાતની અનાઉન્સમેન્ટથી ઘણી વખત ઇરીટેડ થઈ જવાય છે. અનાઉન્સમેન્ટ થતી વખતે એનો વૉલ્યુમ પણ ખૂબ હોવાથી પ્રવાસ કરીએ ત્યારે હેરાની થાય છે.’

આ પણ વાંચો : કોકણ રેલવેની ટ્રેનોને ભાંડુપ સ્ટેશને સ્ટૉપેજ અપાવવા મનોજ કોટક ફરી સક્રિય

વિરારમાં રહેતા અને બોરીવલી કામે જતા મનીષ શુકલ નામના રેલવે પ્રવાસીના કહેવા પ્રમાણે ‘આવી જાહેરાતથી ધ્વનિ પ્રદૂષણ થાય છે. એકને એક અનાઉન્સમેન્ટ વારંવાર થતું સાંભળવામાં પણ કંટાળો આવી જાય છે. ફક્ત કમર્શિયલ અનાઉન્સમેન્ટ થતું હોવાથી રેલવે પ્રવાસીઓને સાંભળવામાં ઓછો રસ પડતો હોય છે.’

mumbai local train indian railways mumbai news