મુંબઈ: દહિસરની સ્કૂલના કાઢી મુકાયેલા વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ

02 May, 2019 12:40 PM IST  |  મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા

મુંબઈ: દહિસરની સ્કૂલના કાઢી મુકાયેલા વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ

દહિસરની રુસ્તમજી સ્કૂલ

ફી-વધારા બાબતે સ્કૂલ અને વાલીઓ વચ્ચે કેટલાક સમયથી ચાલી રહેલી લડતના મામલામાં દહિસરની સ્કૂલ રુસ્તમજીને શિક્ષણ વિભાગે પાઠવેલી કારણ દર્શક નોટિસનો સ્કૂલે જવાબ આપ્યો છે, જેમાં ફી ન ભરાઈ હોય એવા વિદ્યાર્થીઓને કાઢી મૂક્યા હોવાનું કહેવાયું છે. મુંબઈ હાઈ કોર્ટના એક ચુકાદાને ટાંકીને સ્કૂલે આવો જવાબ આપ્યો હોવાનું શિક્ષણ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. જોકે વાલીઓ કહે છે કે આ મામલો ગેરકાયદે ફી-વધારો અને કૅપિટેશન ફી લેવા બાબતનો છે એટલે એને હાઈ કોર્ટના ચુકાદા સાથે સાંકળી ન શકાય. એટલે આ મામલે ન્યાય મેળવવા તેમણે નૅશનલ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (એનસીપીસીઆર)માં ધા નાખતાં આ કમિશને મહારાષ્ટ્ર સરકારના ચીફ સેક્રેટરી અને એજ્યુકેશન વિભાગને કાઢી મુકાયેલા વિદ્યાર્થીઓ વિશે જવાબ નોંધાવવાનો નિર્દેશ કર્યો છે. આવી સ્થિતિમાં વાલીઓને સંતાનના ભણતરની ચિંતા સતાવી રહી છે. અત્યારે મે મહિનો શરૂ થઈ ગયો છે અને નવી ટર્મ શરૂ થવાને મહિનો જ બાકી છે ત્યારે જો બીજી સ્કૂલમાં ઍડ્મિશન લેવાનું આવે તો એ હવે શક્ય બની શકશે કે નહીં કે પછી બાળકનું આખું વર્ષ બગડશે એ બાબતની ચિંતા વાલીઓને સતત સતાવી રહી છે. એટલું જ નહીં, તેમને એ બાબતની પણ ચિંતા છે કે જો બીજી સ્કૂલમાં અત્યારે ઍડ્મિશન લેવા જઈએ તો કેટલો ખર્ચ આવી શકે નવા ઍડ્મિશનનો.

દહિસરની રુસ્તમજી ટ્રૂપર્સ ઇંગ્લિશ પ્રાઇમરી સ્કૂલે ફી ન ફરવા બદલ કેટલાક વિદ્યાર્થીઓને કાઢી મૂક્યા હોવાના મામલામાં રાજ્યના શિક્ષણવિભાગ દ્વારા સાત દિવસ પહેલાં કારણદર્શક નોટિસ મોકલી હતી જેમાં કાઢી મુકાયેલા વિદ્યાર્થીઓને ફરી ઍડ્મિશન આપીને ૭ દિવસમાં જવાબ નોંધાવવાનું કહેવામાં આવ્યું હતું.

ચિંતાગ્રસ્ત વાલીઓ

શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલને નોટિસ મોકલી હોવાનું તેમ જ કાઢી મુકાયેલા વિદ્યાર્થીઓને પાછા લેવાનો નિર્દેશ કર્યો હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ વાલીઓએ રાહત અનુભવી હતી. જોકે આ આનંદ ગણતરીના કલાકોમાં જ ખતમ થઈ ગયો હતો. એક વાલીએ નામ ન જાહેર કરવાની શરતે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે સ્કૂલનો સંપર્ક કરતાં અમને કહેવામાં આવ્યું કે સ્કૂલને કોઈ નોટિસ નથી મળી અને કોઈ પણ વિદ્યાર્થીને પાછા લેવાનું કહેવાયું નથી. જૂનમાં સ્કૂલ શરૂ થશે અને હજી સુધી આ મામલે કોઈ નિવેડો આવતો નથી એટલે અમે ચિંતામાં મુકાઈ ગયા છીએ.’

શિક્ષણ અધિકારી શું કહે છે?

રુસ્તમજી સ્કૂલને મોકલેલી નોટિસનો જવાબ મળ્યો છે કે નહીં એ વિશે શિક્ષણ અધિકારી મહેશ પાલકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમને મંગળવારે સ્કૂલનો જવાબ મળ્યો હતો. એમાં ફી ન ભરનારા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી કાઢી મૂકવાનો અધિકાર બાબતના બૉમ્બે હાઈ કોર્ટના ચુકાદાને ટાંકવામાં આવ્યો છે. આ બાબતે આગળની કાર્યવાહી વિશે બાદમાં નિર્ણય લેવામાં આવશે.’

શિક્ષણ વિભાગના કમિશનરને નિર્દેશ અપાયો

ફી બાબતના વિવાદમાં વિદ્યાર્થીઓને કાઢી મૂકવાના મામલામાં મહારાષ્ટ્રની રુસ્તમજી ટ્રૂપર્સ સ્કૂલ સહિત ત્રણ સ્કૂલના વિદ્યાર્થીઓને ફરી ઍડ્મિશન આપવા બાબતે એનસીપીસીઆર દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગના કમિશનરને નિર્દેશ અપાયો છે. આ વિશે રુસ્તમજી સ્કૂલના વાલીઓ વતી ઍડ્વોકેટ અનુભા સહાયે (ઇન્ડિયા વાઇડ પેરન્ટ્સ અસોસિએશદના પ્રમુખ) ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રુસ્તમજી સ્કૂલના વાલીઓએ એનસીપીસીઆરમાં ફરિયાદ કર્યા બાદ શિક્ષણ વિભાગના કમિશનર સહિત ચીફ સેક્રેટરી અને મુંબઈ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઑફિસર મહેશ પાલકર પાસે આ બાબતનો જવાબ માગવામાં આવ્યો છે.’

આ પણ વાંચો: મુંબઈ: ટ્રાફિક સિગ્નલ તોડનારા આરોપીએ પ્રશ્ન કરનારા કૉન્સ્ટેબલને માર્યો

આ મામલે પ્રતિક્રિયા મેળવવા સ્કૂલનો વારંવાર પ્રયાસ કર્યા બાદ પણ સંપર્ક નહોતો થઈ શક્યો.

dahisar mumbai mumbai news