મુલુંડની કોવિડ હૉસ્પિટલના જનરેટરમાં આગ દર્દીઓને ખસેડતી વખતે એકનું મોત

13 October, 2020 07:17 AM IST  |  Mumbai | Mehul Jethva

મુલુંડની કોવિડ હૉસ્પિટલના જનરેટરમાં આગ દર્દીઓને ખસેડતી વખતે એકનું મોત

મુલુંડની કોવિડ હૉસ્પિટલના જનરેટરમાં આગ

મુલુંડ-વેસ્ટના વીણાનગરમાં આવેલી અપેક્સ હૉસ્પિટલ હાલમાં કોવિડ-19ના દર્દીઓ માટે ફાળવવામાં આવી છે. ગઈ કાલે જ્યારે આખા મુંબઈની વીજ સપ્લાય બંધ થઈ ગઈ ત્યારે ત્યાંની પણ સપ્લાય અટકી જતાં તરત જ સ્યૅન્ડ બાય રાખેલું પાવર જનરેટર ચાલુ કરાયું હતું. જોકે જનરેટરમાં બાદમાં આગ લાગતાં હૉસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી અને સાવચેતીનાં પગલાં સાથે અહીં સારવાર લઈ રહેલા ૩૯ દર્દીઓને તાત્કાલિક અન્ય હૉસ્પિટલ અને ક્વૉરન્ટીન સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. આ દોડધામમાં એક ૭૦ વર્ષના પેશન્ટનું મૃત્યુ થયું હતું.

ફાયરબ્રિગેડ કન્ટ્રોલના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘અમને આગ લાગ્યાનો કૉલ ૧૭.૪૮ વાગ્યે મળ્યો હતો. તરત જ બે ફાયર-એન્જિન અને એક જમ્બો ટૅન્કર ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. આગ પર થોડી જ વારમાં કાબૂ મેળવી લેવાયો હતો. જોકે એ પછી પણ કૂલિંગ ઑપરેશન ચાલુ રખાયું હતું.

જનરેટરમાં આગ લાગ્યાની જાણ થતાં હૉસ્પિટલ દ્વારા દર્દીઓને ખસેડવાનાં પગલાં લેવાયાં હતાં. દર્દીઓને રિચર્ડસન ક્રુડાસના ક્વૉરન્ટીન સેન્ટર, નવઘર મિઠાગર સેન્ટર અને ફોર્ટિસ હૉસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા.

એપેક્સ હૉસ્પિટલના મુખ્ય ડૉક્ટર વ્રજેશ શાહે જનરેટરમાં લાગેલી આગને લીધે દર્દીઓને બીજી હૉસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા ત્યારે એમાંના પહેલેથી જ થોડા ક્રિટીકલ હતા એવા ૭૦ વર્ષના પેશન્ટ પાંડુરંગ કુલકર્ણીનું ઑક્સિજન લેવલ ઘટી જતાં મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું.

આગની ઘટનાની જાણ થતાં પાલિકાના ‘ટી’ વૉર્ડના અધિકારીઓ અને મુલુંડ પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ ઘટનાસ્થળે ધસી ગયા હતા. મુલુંડ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર હર્ષદ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જનરેટર ગરમ થઈ ગયું હતું. એમાંથી ધુમાડો નીકળ્યા બાદ આગ લાગી હતી. હૉસ્પિટલ દ્વારા જનરેટરનું છેલ્લે ક્યારે સર્વિસિંગ કરાયું હતું કે એનું સમારકામ કરાવ્યું હતું એની વિગતો મળવી એ વિશે તપાસ કરાશે.’

mumbai mumbai news mulund coronavirus covid19 maharashtra mehul jethva