મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી: 7 કરોડની નકલી નોટો જપ્ત કરી, સાત ઝડપાયા

27 January, 2022 02:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ક્રાઈમ બ્રાન્ચે દહિસર ખાતે છટકું ગોઠવીને આ કાર્યવાહી કરી છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બુધવારે સાત કરોડની કિંમતની ૨૦૦૦ રૂપિયાની નકલી નોટો જપ્ત કરી છે. ક્રાઈમ બ્રાન્ચે દહિસર ખાતે છટકું ગોઠવીને આ કાર્યવાહી કરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે નકલી નોટોના સંબંધમાં સાત લોકોની ધરપકડ કરી છે. બુધવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે સાત આરોપીઓને 31 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ યુનિટ 11ને માહિતી મળી હતી કે કેટલાક લોકો રૂા. 2000ની નકલી નોટો લઈને મુંબઈ આવી રહ્યા છે. માહિતી મળતાં જ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ દહિસર પહોંચી હતી. ક્રાઈમ બ્રાન્ચે છટકું ગોઠવી આરોપીના વાહનને રોકીને તેની પૂછપરછ કરી હતી. તપાસ દરમિયાન વાહનમાંથી પાંચ કરોડ રૂપિયાની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી. આ તમામ નોટો બે હજાર રૂપિયાની હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 2,000 રૂપિયાની 25,000ની નોટો જપ્ત કરવામાં આવી છે.

ક્રાઈમ બ્રાંચ દ્વારા વાહનમાં સવાર આરોપીઓની સઘન તપાસ કરવામાં આવી હતી. આરોપી પાસેથી પોલીસને અન્ય લોકોની માહિતી પણ મળી હતી, ત્યાર બાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે એક હોટલ પર દરોડા પાડ્યા હતા અને પોલીસે અહીંથી 2000ની 10,000ની નકલી નોટો મળી હતી. આ નોટોની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં મહાનગર પાલિકાની ચૂંટણી નજીક છે, તેવામાં પોલીસ તપાસ કરી રહી છે કે આ નકલી નોટો બરાબર ક્યાંથી આવી? અને આમાં કોનો હાથ છે?

mumbai mumbai news mumbai police mumbai crime branch dahisar