રણબીર-આલિયાનાં કેસરિયા રંગમાં રંગાઈ મુંબઈ પોલીસ, આપ્યું પાસવર્ડનું બ્રહ્માસ્ત્ર

18 July, 2022 04:39 PM IST  |  Mumbai | Karan Negandhi

રણબીર-આલિયાની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું મોસ્ટ અવેઇટેડ ગીત ‘કેસરિયા’નું ટીઝર રિલીઝ થવાથી લઈને ગઈકાલે ગીત રિલીઝ થવા સુધીમાં લગભગ દરેકના મોઢે તેમ જ સોશિયલ મીડિયા પર કેસરિયા છવાયેલું રહ્યું

તસવીર સૌજન્ય: મુંબઈ પોલીસનું અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હંમેશા ખડેપગે ઊભી રહેતી મુંબઈ પોલીસ તેની ક્રિએટિવ સોશિયલ મીડિયા પોસ્ટ માટે હંમેશા સમાચારોમાં રહે છે. હવે ફરી મુંબઈ પોલીસની સોશિયલ મીડિયા ટીમે એક સર્જનાત્મક પોસ્ટ સાથે નાગરિકોનું દિલ જીતી લીધું છે. આ પોસ્ટ તમે જોશો તો તમને પણ ખ્યાલ આવશે કે આ પોસ્ટમાં ખાસ શું છે...

રણબીર-આલિયાની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું મોસ્ટ અવેઇટેડ ગીત ‘કેસરિયા’નું ટીઝર રિલીઝ થવાથી લઈને ગઈકાલે ગીત રિલીઝ થવા સુધીમાં લગભગ દરેકના મોઢે તેમ જ સોશિયલ મીડિયા પર કેસરિયા છવાયેલું રહ્યું અને હવે આ ગીતના શબ્દોએ મુંબઈ પોલીસની સોશિયલ મીડિયા પોસ્ટ પર પણ પોતાનો કબજો મેળવ્યો છે. આ ગીત રિલીઝ થતાંની સાથે તમામ પ્લેટ્ફોર્મસ પર ધૂમ મચાવી રહ્યું છે. કેસરિયા ગીત રિલીઝ થયું અને તેના ૨૪ કલાકમાં જ લગભગ બે કરોડનાં આંકડે તેના વ્યૂઝ પહોંચ્યાં. આ ગીત સામાન્ય જનતા દ્વારા પણ શૅર થઈ રહ્યું છે ત્યારે હવે મુંબઈ પોલીસે પણ આ ગીત દ્વારા પાસવર્ડનું બ્રહ્માસ્ત્ર આપ્યું છે.

આ પોસ્ટમાં મુંબઈ પોલીસે ‘કેસરિયા તેરા’ અને ‘લવ સ્ટોરિયા’ બે શબ્દો બતાવતી એક તસવીર શૅર કરી છે, જેમાં તેમણે ‘કેસરિયા તેરા’ને સ્પેશિયલ કેરેક્ટર્સમાં બતાવ્યું છે જ્યારે ‘લવ સ્ટોરિયા’ સાદું  બતાવ્યું છે ત્યાર બાદ કેસરિયાનો પાસવર્ડ કેવી રીતે સ્ટ્રોંગ છે અને લવ સ્ટોરિયા પાસવર્ડ કેવી રીતે વીક છે તેનો અંદાજ આપ્યો છે.

મુંબઈ પોલીસનો ઇરાદો તો અહીં લોકોને સાયબર સિક્યોરિટીની ટિપ આપવાનો છે, પરંતુ દેખીતી રીતે જ તેમના દ્વારા એક હળવો કટાક્ષ પણ થયેલો જોવા મળે છે. અરિજિત સિંહ દ્વારા ગવાયેલા આ ગીતનું ટીઝર મેકર્સે અગાઉ રિલીઝ કર્યું હતું, ત્યારથી જ લોકો આ ગીતને લઈને ઉત્સુક હતા. પરંતુ લોકોને આ ગીતની ટેગ લાઇન જ ખૂબ ગમી અને બાકીનું ગીત લોકોની અપેક્ષાઓમાં ખર્યુ ઊતર્યું ન હોય તેમ જણાય છે.

mumbai mumbai news mumbai police ranbir kapoor alia bhatt