શાબાશ પોલીસ, એસએસસીના હતાશ સ્ટુડન્ટને બચાવી લીધો

21 June, 2022 09:03 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

મીરા રોડનું ઘર છોડીને દહાણુ ગયેલો આ સ્ટુડન્ટ ગુજરાત જતી ટ્રેન પકડે એ પહેલાં જ પોલીસે તેને બચાવી લીધો અને પરિવાર સાથે ફરી મેળાપ કરાવ્યો

દહાણુ પોલીસ સ્ટેશનમાં ટીનેજરને તેના પિતાને સોંપવામાં આવ્યો હતો

મીરા રોડનો ૧૬ વર્ષનો ટીનેજર તાજેતરમાં જાહેર થયેલા એસએસસીના રિઝલ્ટમાં ઓછા ટકા આવ્યા હોવાથી હતાશ હતો અને તેને ડર હતો કે કોઈ સારી કૉલેજમાં પ્રવેશ નહીં મળે એટલે ઘરેથી નીકળી ગયો હતો. તે દહાણુ રોડ સ્ટેશનના પ્લૅટફૉર્મ પર ફરતો જોવા મળ્યો હતો. ગુજરાત જવા માટે તે ટ્રેન પકડવાનો હતો એ વખતે સતર્કતા બતાવીને ત્યારે દહાણુ પોલીસે તેને બચાવ્યો હતો અને તેના ચિંતિત પરિવાર સાથે તેનો ફરી મેળાપ કરાવી આપ્યો હતો.

૧૭ જૂને એસએસસીનું પરિણામ જાહેર થયું હતું જેમાં આ ટીનેજરને લગભગ ૫૫ ટકા આવ્યા હતા એટલે તે ખૂબ હતાશ થઈ ગયો હતો અને ડરી ગયો હતો કે તેને કોઈ સારી કૉલેજમાં પ્રવેશ નહીં મળે. તેને સાયન્સ સ્ટ્રીમમાં આગળ વધવું છે. ટીનેજરે તેનું એસએસસીનું પરિણામ ઑનલાઇન જોયું હતું અને માતા-પિતાને જાણ કર્યા વગર જ તે દહાણુ જતી લોકલ ટ્રેનમાં બેસીને દહાણુ પહોંચી ગયો હતો.

દહાણુ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર નામદેવ બંડગરે જણાવ્યું હતું કે ‘દીકરો લાંબા સમયથી મળી રહ્યો ન હોવાથી તેને બધે શોધવામાં આવ્યો હતો. અંતે ચિંતિત માતા-પિતાએ મીરા રોડ પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધાવ્યો હતો. અમને માહિતી મળી હતી કે મોબાઇલના લોકેશન મુજબ ટીનેજર દહાણુ નજીક ક્યાંક છે. ત્યાર બાદ અમે દહાણુ સ્ટેશન પર તેની શોધ શરૂ કરી અને મોબાઇલ ટાવર લોકેશન દ્વારા ટીનેજર પ્લૅટફૉર્મ પર ફરતો જોવા મળ્યો હતો. તે ગુજરાત જવા માટે એક્સપ્રેસ ટ્રેનમાં બેસવાની યોજના બનાવી રહ્યો હતો એ વખતે પોલીસે પહોંચીને તેને બચાવી લીધો હતો.’

ટીનેજરને ખૂબ શાંતિથી સમજાવીને તેના પિતાને સોંપ્યો હતો એમ જણાવીને પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ‘ટીનેજર હતાશ હોવાથી તેને સંભાળીને બચાવવો જરૂરી હતો. એથી અમે તેને કહ્યું કે તારાં માતા-પિતા તારી આતુરતાથી રાહ જુએ છે. આ સાંભળીને તે વિરોધ કર્યા વગર અમારી સાથે પોલીસ સ્ટેશન આવ્યો હતો. ત્યાર બાદ અમે મીરા રોડ પોલીસ સ્ટેશનને ફોન કર્યો અને જાણ કરી કે ટીનેજર મળી ગયો છે. ટીનેજર પાસે ફોન સિવાય પૈસા નહોતા અને તેને ખૂબ ભૂખ લાગી હતી. એથી અમે તેને ખાવાનું આપ્યું હતું અને પાણી પીવડાવ્યું હતું. પછી તેની સાથે શાંતિથી વાત કરીને તેનું મન મોકળું કર્યું હતું. ત્યાર બાદ તેના પિતા પોલીસ સ્ટેશન આવ્યા હતા અને દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ અમે ટીનેજરને તેનાં માતા-પિતાને સોંપ્યો હતો. પિતાએ અમને કહ્યું હતું કે તેમણે તેમના દીકરા પર અભ્યાસમાં કોઈ દબાણ કર્યું નથી, પરંતુ ટીનેજર એસએસસીમાં ઓછા માર્ક્સને કારણે હતાશા અનુભવતો હતો. પિતાએ અમને કહ્યું કે તેઓ તેમના દીકરાને સારા વ્યાવસાયિક અભ્યાસક્રમમાં પ્રવેશ અપાવશે જેથી નિયમિત શૈક્ષણિક અભ્યાસક્રમ ન કરવો પડે. એથી દીકરો પણ ખુશીથી ઘરે પાછો ગયો હતો.’

mumbai mumbai news mira road mumbai police 10th result preeti khuman-thakur