મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમને આવ્યો બોમ્બ બ્લાસ્ટની ધમકીનો મેસેજ- કાલે અનંત ચતુર્દશી હોઈ સુરક્ષા વધારાઈ

05 September, 2025 11:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Police: મોકલનાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આખા શહેરમાં વાહનોમાં મોટાપ્રમાણમાં હ્યુમન બોમ્બ મૂકવામાં આવ્યા છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમ (Mumbai Police)ને ગઈકાલે સાંજે તેના સત્તાવાર વોટ્સએપ નંબર પર આતંકી ધમકીનો મેસેજ મળ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકી ધમકી અજાણ્યા મોબાઇલ નંબર પરથી મોકલવામાં આવી હતી જેમાં મોકલનાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આખા શહેરમાં વાહનોમાં મોટાપ્રમાણમાં હ્યુમન બોમ્બ મૂકવામાં આવ્યા છે અને આરડીએક્સ સાથે સંકળાયેલા મોટા પાયે હુમલાની ચેતવણી આપવામાં આવી હતી. કોલરે પોતાને પાકિસ્તાનસ્થિત જેહાદી જૂથના સભ્ય તરીકે ઓળખાવ્યો હતો અને વધુમાં જણાવ્યું હતું કે ચૌદ આતંકવાદીઓ મુંબઈમાં એન્ટર થયા છે.

આ ધમકીભર્યા મેસેજને ગંભીરતાથી લઇ અને કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે તરત જ આ મેસેજ મુખ્ય નિયંત્રણ કક્ષને મોકલવામાં આવ્યો હતો. પોલીસે (Mumbai Police) મોકલનારની તપાસ શરૂ કરી છે અને આ ધમકીભર્યા મેસેજની સત્યતા પર તપાસ કરવામાં આવી રહી છે. જોકે, આ પ્રકારની ધમકીભર્યા મેસેજ કે કોલ મળવા એ નવી વાત નથી. તાજેતરમાં ઓગસ્ટ મહિનામાં જ સેન્ટ્રલ કંટ્રોલ રૂમને વર્લી હોટલને ટાંકીને એક ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો, જેમાં ત્રણ વીઆઇપી રૂમને નિશાન બનાવીને બોમ્બ બ્લાસ્ટ કરવાની ચીમકી આપવામાં આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તે ઇમેઇલમાં ભૂતકાળની ઘટનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને હોટેલમાં ગેસ્ટ હતા તેઓને પણ તરત બહાર કાઢવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ચેતવણીને પગલે તમામ સંબંધિત સુરક્ષા એજન્સીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.

તેની પહેલાં જુલાઈ માસમાં પણ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)ના સત્તાવાર એડ્રેસ પર બોમ્બની ધમકી (Mumbai Police)નો ઈમેઈલ મોકલવામાં આવ્યો હતો. જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને દલાલ સ્ટ્રીટ અને સમગ્ર દક્ષિણ મુંબઈ વિસ્તારની આસપાસ ભારે સુરક્ષા તૈનાત કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર બોમ્બે સ્ટોક એક્સચેન્જને મળેલા ઇ-મેઇલમાં દાવો કરવામાં આવ્યો હતો કે બીએસઈ ટાવર બિલ્ડિંગમાં ચાર આરડીએક્સ આઈઈડી બોમ્બ મૂકવામાં આવ્યા છે. જોકે, ધમકી મળતાં જ બોમ્બે સ્ટોક એક્સચેન્જના અધિકારીઓએ પોલીસને ચેતવણી આપી હતી, જેના પગલે બોમ્બ સ્ક્વોર્ડની ટીમો અને સ્થાનિક પોલીસ એકમો સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસરની સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી.

આ ઈમેઈલ મોકલનાર વ્યક્તિએ દાવો કર્યો હતો કે "બિલ્ડીંગની અંદર આરડીએક્સથી ભરેલા ચાર ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઈઈડી) લગાવવામાં આવ્યા છે. આ સાથે જ મેસેજમાં ધમકી આપવામાં આવી હતી કે પહેલો વિસ્ફોટ બપોરે ત્રણ વાગ્યે થવાનો છે. ત્યારબાદ પોલીસ (Mumbai Police) અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ અને અન્ય અધિકારીઓ આ પ્રકારના ધમકીભર્યા મેસેજને ગંભીરતાથી લઈને સુરક્ષા વધારી રહ્યા છે.

mumbai news mumbai mumbai police festivals Crime News mumbai crime news mumbai crime branch crime branch bomb threat