ગણેશવિસર્જન શાંતિપૂર્વક પતે એ માટે મુંબઈ પોલીસ અલર્ટ મોડ પર

19 September, 2021 12:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોઈ ધમાલ કે અનિચ્છનીય બનાવ ન બને એ માટે આજે ખડેપગે રહેશે : નાઇટ પૅટ્રોલિંગ થશે અને વહેલી સવારે પાછા ફરતા લોકોની સુરક્ષા માટે ગુડ મૉર્નિંગ સ્ક્વૉડ તહેનાત કરાઈ

આજે ગણેશવિસર્જન નિમિત્તે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ગિરગામ ચોપાટી પર કરવામાં આવેલો પોલીસનો બંદોબસ્ત. આશિષ રાજે

ગણેશવિસર્જન શાંતિપૂર્વક પતે અને કોઈ ધમાલ કે અનિચ્છનીય બનાવ ન બને એ માટે મુંબઈ પોલીસ આજે ખડેપગે રહીને ફરજ બજાવવાની છે. શુક્રવારે જ ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડે જોગેશ્વરીમાંથી એક આંતકવાદીને પકડ્યો હતો. એથી વિસર્જનના દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ બહુ જ સતર્ક છે અને એથી આજે ગણેશવિસર્જનના દિવસે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મુંબઈ પોલીસ દ્વારા મહત્ત્વની અને સંવેદનશીલ જગ્યાઓ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ વિસ્તારોમાં સતત પૅટ્રોલિંગ કરવામાં આવશે એમ પોલીસ પ્રવક્તા ડીસીપી ચૈતન્યએ જણાવ્યું છે.   
ગિરગામ ચોપાટી, જુહુ ચોપાટી, માર્વે અને ગોરાઈ બીચ સહિત જે પણ જગ્યાએ ગણેશવિસર્જન થાય છે ત્યાં હેવી પોલીસ બંદોબસ્ત ગઈ કાલ રાતથી જ ગોઠવી દેવાયો છે. નાઇટ પૅટ્રોલિંગ થશે અને વહેલી સવારે પણ લોકો પાછા ફરતા હોવાથી તેમની સુરક્ષા માટે ગુડ મૉર્નિંગ સ્ક્વૉડ પણ તહેનાત કરાઈ છે જે પરોઢિયે પૅટ્રોલિંગ કરશે. પોલીસે ગણેશમંડળોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરીને શું શું નિયમો પાળવાના રહેશે અને કઈ રીતે વિસર્જન થશે એની જાણકારી આપવામાં આવી હતી.  
દરેક પોલીસ સ્ટેશનનો મોટા ભાગનો સ્ટાફ આજે બંદોબસ્તની ડ્યુટી પર મૂકવામાં આવ્યો છે. એ સિવાય લોકલ આર્મ ફોર્સમાંથી વધારાના ૧૦૦ પોલીસ ઑફિસર્સ અને ૧૫૦૦ પોલીસોને બંદોબસ્તમાં સામેલ કરાયા છે. સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની ત્રણ ટુકડીઓ, એક ટુકડી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની, ૫૦૦ હોમગાર્ડ્સ અને ૨૭૫ પોલીસ આસપાસના વિસ્તારોનાં પોલીસ સ્ટેશોનોમાંથી બંદોબસ્તની ડ્યુટી માટે બોલાવવામાં આવ્યા છે. 
પોલીસ દ્વારા આ દિવસે ગિરદીનો ગેરલાભ લઈને રીઢા ગુનેગારો ઍક્ટિવ ન થઈ જાય અને ગુનો ન કરેએ માટે ઑલઆઉટ ઑપરેશન પણ હાથ ધરાયું હતું અને રેકૉર્ડ પરના ગુનેગારોને પકડીને હાલ હંગામી ધોરણે લૉક-અપમાં પૂરવામાં આવ્યા છે.  
આ ઉપરાંત મહત્ત્વની સુવિધાઓ જેમ કે દરિયાકિનારે પૂરતી લાઇટિંગ, ક્રેન, તરવૈયાઓ, ઍમ્બ્યુલન્સ , ફાયર બ્રિગેડ અને અન્ય સેવાઓ પણ તહેનાત કરાઈ છે.    

Mumbai mumbai news ganpati mumbai police