મુંબઈમાં હવે પાંચથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ, પોલીસે પ્રતિબંધક આદેશો લાગુ કર્યા

23 July, 2026 11:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Police impose prohibitory orders: NEET પેપર લીક અંગે CJP આંદોલનને સમર્થન આપતા વિરોધ પ્રદર્શનો પછી કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પહોંચવાની શક્યતા અંગે માહિતીને ટાંકીને પોલીસે ૨૩ જુલાઈથી ૬ ઓગસ્ટ ઓગસ્ટ સુધી શહેરમાં પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈ પોલીસ (Mumbai Police)એ ૨૩ જુલાઈથી ૬ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી સમગ્ર શહેરમાં જાહેર સ્થળો પર પાંચ કે તેથી વધુ લોકોના એકઠા થવા પર રોક લગાવતો પ્રતિબંધાત્મક આદેશ (Mumbai Police impose prohibitory orders) જાહેર કર્યો છે. શાંતિ ભંગ થવાની અને જાહેર વ્યવસ્થા ખોરવાવાની આશંકાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. આ આદેશ મુંબઈ પોલીસ કમિશનરેટના અધિકારક્ષેત્ર હેઠળ મહારાષ્ટ્ર પોલીસ એક્ટની કલમ ૩૭ અંતર્ગત ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઓપરેશન્સ) અકબર પઠાણ દ્વારા જારી કરવામાં આવ્યો છે. આ પ્રતિબંધો ૨૩ જુલાઈના રોજ મધ્યરાત્રિએ ૧૨:૦૧ વાગ્યાથી અમલમાં આવશે અને ૬ ઓગસ્ટના રોજ મધ્યરાત્રિ સુધી માન્ય રહેશે.

કયા કયા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે?

આ આદેશ હેઠળ મુંબઈ પોલીસે નીચે મુજબની બાબતો પર પ્રતિબંધ મૂક્યો છે:

આદેશ અનુસાર, મુંબઈમાં જાહેર સ્થળો પર પાંચ કે તેથી વધુ લોકોના ભેગા થવા પર રોક રહેશે. તે સિવાય પરવાનગી વિના સરઘસ કે રેલી કાઢવા, લાઉડસ્પીકર અને અવાજ વધારતા સાધનોનો ઉપયોગ કરવા, સરઘસ દરમિયાન મ્યુઝિક બેન્ડ વગાડવા તેમજ સરઘસ અને જાહેર કાર્યક્રમો દરમિયાન ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આગોતરા પગલાં રૂપે આ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

કઈ બાબતોને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે?

આ પ્રતિબંધાત્મક આદેશ કેટલીક ચોક્કસ પ્રવૃત્તિઓ અને ભેગા થતા સમૂહોને લાગુ પડશે નહીં:

લગ્ન સમારોહ અને તેને સંબંધિત પ્રસંગો, અંતિમયાત્રા અને અંતિમ સંસ્કારના કાર્યક્રમો, કંપનીઓ, ક્લબ અને સહકારી મંડળીઓની વૈધાનિક બેઠકો, ક્લબ અને એસોસિએશનોની સામાન્ય સામાજિક બેઠકો, તથા સિનેમા હોલ, થિયેટર અને અન્ય મનોરંજનના સ્થળોએ ભેગા થતા લોકોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. આદેશમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અદાલતો, સરકારી કચેરીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ખાતે સત્તાવાર કામકાજ સંબંધિત એકત્રિકરણ કોઈ પણ પ્રતિબંધ વિના ચાલુ રહેશે.

શાળાઓ, કોલેજો અને વેપાર-ધંધા પર કોઈ અસર નહીં

આ આદેશની અસર શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓની શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર પડશે નહીં. કારખાનાઓ, દુકાનો અને અન્ય વ્યવસાયિક પ્રતિષ્ઠાનોમાં પણ સામાન્ય વેપાર અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. આ ઉપરાંત, સંબંધિત ઝોનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અને સુપરવાઈઝરી અધિકારીઓ દ્વારા મંજૂર કરાયેલા અન્ય કાર્યક્રમો અને સરઘસોને પણ મુક્તિ આપવામાં આવશે.

જાહેર શાંતિ અને સલામતી માટે પોલીસનું પગલું

આદેશ અનુસાર, વિવિધ સ્ત્રોતો પાસેથી મળેલી માહિતીના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે દર્શાવે છે કે શાંતિ ભંગ થવાની, જાહેર વ્યવસ્થા ખોરવાવાની, માનવ જીવન માટે જોખમ ઊભું થવાની અને મિલકતને નુકસાન થવાની સંભાવના છે. પોલીસે જણાવ્યું હતું કે કોઈ પણ અપ્રિય ઘટનાને રોકવા માટે સાવચેતીના ભાગરૂપે આ પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે.

નિયમોના ભંગ બદલ કાનૂની કાર્યવાહી

મુંબઈ પોલીસે જણાવ્યું છે કે પ્રતિબંધના સમયગાળા દરમિયાન થયેલા નિયમભંગ બદલ કાનૂની કાર્યવાહી અને તપાસ આ મુદત પૂરી થયા પછી પણ ચાલુ રહી શકે છે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે લાગુ કાયદા મુજબ દંડ અને કાર્યવાહી કરવામાં આવશે.

mumbai police neet exam cockroach janata party mumbai mumbai news