08 February, 2025 08:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કલકત્તામાં કાલિકા માતાના મંદિરમાં દર્શન કરી રહેલી પૂજા.
થાણેમાં સ્ટેશન રોડ પરના ગૌતમ વિદ્યાલયના ગેટ નજીકથી સ્કૂલ-યુનિફૉર્મમાં સોમવારે બપોરે રહસ્યમય રીતે ગુમ થયેલી ૧૪ વર્ષની પૂજા પુરોહિતને ગઈ કાલે થાણે પોલીસની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની ટીમ કલકત્તાના હાવડાથી લઈ આવી હતી. આ મામલે થાણેના મારવાડી સમાજના આગેવાનોએ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની બુધવારે મુલાકાત લઈ તાત્કાલિક ટીનેજરને શોધવામાં આવે એવી માગણી કરી હતી એટલું જ નહીં, જો તે નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ મારવાડી સમાજે આપી હતી. એને લીધે કમિશનરે આ કેસની તપાસ સ્પેશ્યલ ટાસ્ક ફોર્સને સોંપી હતી. આ ટીમે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી હતી અને ગુરુવારે સવારે ટેક્નિકલ ટીમને મળેલી માહિતી બાદ ટીમ કલકત્તા પહોંચી હતી અને ૨૪ કલાકમાં કિશોરીને શોધી કાઢી હતી.
સોમવારે બપોરે ૧૨.૫૫ વાગ્યે ગૌતમ વિદ્યાલયમાંથી સ્કૂલ-યુનિફૉર્મમાં પેન લેવા બહાર નીકળેલી પૂજા ગુમ થઈ હોવાની માહિતી તેના પિતાને ૪ વાગ્યે તેમની નાની દીકરીએ આપી હતી.
ઘટનાની માહિતી મળ્યા બાદ સ્કૂલ તેમ જ આસપાસના વિસ્તારોમાં પૂજાની શોધખોળ કરવામાં આવી હતી. જોકે રાતે સાડાસાત વાગ્યા સુધી તેનો કોઈ પત્તો ન લાગતાં અપહરણની ફરિયાદ ૮ વાગ્યે થાણે નગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી.
સોમવાર રાતથી થાણે નગર પોલીસે થાણેની તમામ હૉસ્પિટલ, સ્ટેશનવિસ્તાર, લૉજ, હોટેલ, મંદિર, ધર્મશાળા, રિક્ષા-સ્ટૅન્ડ, બસ-સ્ટૅન્ડ અને ગાર્ડનમાં પૂજાની શોધખોળ કરી હતી. એની સાથે પરિવારના સભ્યોએ પણ નજીકનાં સગાંસંબંધીઓ, પૂજાના મિત્રો અને સ્કૂલ-ટીચરની પૂછપરછ કરી હતી.
મંગળવાર બપોર સુધી પૂજાનો કોઈ પત્તો ન લાગતાં થાણેના પુરોહિત સમાજના સભ્યો પૂજાને શોધવા માટે આગળ આવ્યા હતા અને તેમણે સોશ્યલ મીડિયા મારફત પૂજાને શોધવાની કોશિશ કરી હતી.
બુધવાર સવાર સુધી પોલીસ ગોકળગાયની ગતિએ કામ કરતી હોવાથી પુરોહિત સમાજ સાથે થાણેના મારવાડી સમાજના આગેવાનોએ બપોરે બે વાગ્યે મોરચો કાઢીને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મુલાકાત લીધી હતી અને ૪૮ કલાકમાં પૂજાને શોધવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.
એકનાથ શિંદેએ આપેલા આશ્વાસન બાદ કેસની તપાસ બુધવાર સાંજથી સ્પેશ્યલ ટાસ્ક ફોર્સના અધિકારીઓને સોંપવામાં આવી હતી. સ્પેશ્યલ ટાસ્ક ફોર્સના અધિકારીઓએ પૂજાની મૂવમેન્ટ તપાસતાં તે સોમવારે ૧૨.૫૫ વાગ્યે સ્કૂલમાંથી નીકળીને ચાલતી થાણે સ્ટેશન ગઈ હોવાનું એ વિસ્તારના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં જાણવા મળ્યું હતું. સ્ટેશન વિસ્તારના CCTV ફુટેજ તપાસતાં પૂજા દોઢ વાગ્યે ૯ નંબરના પ્લૅટફૉર્મ પરથી પનવેલની ટ્રેનમાં ચડી હતી.
પૂજા ટ્રેનમાં ચડીને ક્યાં ઊતરી એ તપાસવા માટે થાણેથી પનવેલ વચ્ચેનાં ૧૫ રેલવે-પ્લૅટફૉર્મનાં CCTV ફુટેજ તપાસવામાં આવ્યાં હતાં એ દરમ્યાન બપોરે બે વાગ્યે પૂજા પનવેલ સ્ટેશનથી બહાર જતી દેખાઈ હતી. એ ફુટેજના આધારે પનવેલ સ્થાનિક પોલીસની મદદ લઈ પનવેલમાં તેની શોધખોળ કરવામાં આવી હતી, પણ ત્યાં કોઈ જગ્યાએ તે જોવા નહોતી મળી.
ગુરુવારે બપોરે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની ટેક્નિકલ ટીમને માહિતી મળી હતી કે પૂજા અભ્યાસ માટે જે ટૅબ્લેટ વાપરે છે એનું વાઇ-ફાઇ કલકત્તાની એક હોટેલ સાથે કનેક્ટ થયું છે. એ માહિતીના આધારે ગુરુવારે પાંચ અધિકારીની ટીમ કલકત્તા પહોંચીને તપાસમાં લાગી હતી.
જે હોટેલ સાથે વાઇ-ફાઇ કનેક્ટ થયું હતું એ વિસ્તારમાં પૂછપરછ કરી કલકત્તા સ્થાનિક પોલીસની મદદ લઈ આસપાસના વિસ્તારોનાં CCTV ફુટેજ તપાસવામાં આવ્યાં હતાં જેમાં કલકત્તાના મારવાડી સમાજના લોકો પણ જોડાયા હતા.
શુક્રવારે વહેલી સવારે કલકત્તાના હાવડા વિસ્તાર નજીક ફરી એક વાર ટૅબ્લેટ વાઇ-ફાઇથી કનેક્ટ થયું હતું. એ પછી તરત પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને પૂજાને તાબામાં લઈ લીધી હતી. ગઈ કાલે સાંજે ૪.૪૦ વાગ્યાની ફ્લાઇટમાં પૂજાને કલકત્તાથી મુંબઈ લાવવામાં આવી હતી.
પૂજાને અમારી ટીમે તાબામાં લીધી છે અને તે કોની મદદથી કલકત્તા પહોંચી હતી એની તપાસ અમારી ટીમ કરી રહી છે એમ જણાવતાં થાણે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સના અસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ACP) શેખર બાંગડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે પૂજા જેની સાથે કલકત્તામાં મળી હતી તેમને પણ તાબામાં લીધા છે.
કાલિકા માતાનાં દર્શન કરવા પૂજા કલકત્તા ગઈ હતી એમ જણાવતાં પુરોહિત સમાજના વરિષ્ઠ સભ્ય અને પૂજાના કાકા સુરેશ પુરોહિતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી માહિતી પ્રમાણે પૂજા કાલિકા માતાનાં દર્શન કરવા કલકત્તા ગઈ હતી. બાકી એ વિશે વધુ કંઈ પણ તેની સાથે શાંતિથી વાત કર્યા બાદ જ કહી શકીશું. થાણે પોલીસે કરેલી કામગીરીથી અમે બહુ ખુશ છીએ. ગઈ કાલે બપોરે અમે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સના અધિકારીઓનું સન્માન કર્યું હતું.