મુંબઈઃરિક્ષામાં ભુલાયેલા ઘરેણાં ઉલ્હાસનગર પોલીસે પાછાં મેળવી આપ્યાં

19 May, 2019 10:10 AM IST  |  મુંબઈ

મુંબઈઃરિક્ષામાં ભુલાયેલા ઘરેણાં ઉલ્હાસનગર પોલીસે પાછાં મેળવી આપ્યાં

મુંબઈ પોલીસનો સિમ્બોલ

શુક્રવારે સાંજે ઉલ્હાસનગર પોલીસે એક મહિલાને દીકરીનાં લગ્નના આગલા દિવસે રિક્ષામાં ભુલાયેલાં બે લાખ રૂપિયાનાં ઘરેણાં પાછાં મેળવી આપીને માનવતાનું ઉત્કૃષ્ટ દૃષ્ટાંત ઉપસ્થિત કર્યું હતું. ટ્રાફિક પોલીસે શિરૂ ચૌક વિસ્તારના સીસીટીવી કૅમેરાના ફુટેજને આધારે થોડા કલાકોમાં રિક્ષાના સગડ મેળવીને જ્વેલરી બૉક્સ સાથેની બૅગ પાછી સુપરત કરી હતી. ઉલ્હાસનગરની ભોલેનાથ કૉલોનીનાં રહેવાસી ૫૦ વર્ષનાં સંગીતા શેટ્ટીની દીકરીનાં ગઈ કાલે લગ્ન હોવાથી તેઓ આવશ્યક ખરીદી માટે રિક્ષામાં બજારમાં ગયાં ત્યારે આ ઘટના બની હતી.

સતરા સેક્શનથી શિરૂ ચૌક સુધી પહોંચ્યાં બાદ રિક્ષામાંથી ઊતરીને થોડે દૂર પહોંચ્યાં ત્યારે તેમને બૅગ ભૂલી ગયાનું ધ્યાનમાં આવ્યું હતું. ત્યાર પછી મદદ માગવા એ વિસ્તારની ટ્રાફિક પોલીસની ચોકીમાં ગયાં હતાં. ચોકીમાં ડ્યુટી પરના અધિકારીને બનાવ વિશે જાણ કરી હતી, પરંતુ મહિલા પાસે રિક્ષાનો નંબર ન હોવાથી એ રિક્ષાને શોધવાનું કામ પોલીસ માટે પણ મુશ્કેલ હતું. દીકરીનાં લગ્નના આગલે દિવસે આવેલી મુસીબતને કારણે તે મહિલા ખૂબ રડી રહી હતી એથી પોલીસે મહિલાને પહેલાં શાંત પાડી એ પછી રિક્ષાચાલકના દેખાવની માહિતી મેળવી હતી. ટ્રાફિક પોલીસે એ બાબતની ફરિયાદ ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

ટ્રાફિક પોલીસે શિરુ ચૌકમાં એક દુકાનના સીસીટીવી કૅમેરાના ફુટેજ તપાસીને મળેલી માહિતીને આધારે લગભગ ત્રણેક કલાક પહેલાં એ ઠેકાણેથી નીકળી ગયેલા રિક્ષા-ડ્રાઇવરની શોધ વાહન ઍપ દ્વારા કરી હતી. રિક્ષા-ડ્રાઇવરના સગડ મળતાં ડ્રાઇવરને પોલીસ ચોકીમાં બોલાવ્યો હતો. ડ્રાઇવર ચોકીમાં આવ્યા બાદ તેણે રિક્ષા સાફ કરતી વખતે મળેલી બૅગ પોલીસ ચોકીમાં આપી હતી. રિક્ષા-ડ્રાઇવરે એ બૅગ ખોલીને જોયા વગર સંભાળીને મૂકી હતી. આ બૅગ પોલીસ સ્ટેશનમાં આપવાનો ઇરાદો પણ તેણે પોલીસ અધિકારીને જણાવ્યો હતો.

દાગીના ભરેલી બૅગ પાછી મળી જતાં પોલીસ અધિકારીઓએ મહિલાને નેહરુ ચોકીમાં બોલાવી હતી. પોતાની બૅગ જોઈને મહિલા રીતસર રડી પડી હતી. તેણે રિક્ષાચાલકને રોકડ રકમની બક્ષિસ પણ આપી હતી.

mumbai police mumbai news ulhasnagar