કોરોના તમારી વિકેટ ન લે એ માટે મુંબઈ પોલીસે લીધો ક્રિકેટનો સહારો

12 January, 2022 11:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોનાનો સંસર્ગ વધે નહીં એ માટે પોલીસે માસ્ક પહેરવાથી માંડીને કોવિડના નિયમોનું પાલન કરવા માટે ક્રિકેટના માધ્યમથી મેસેજ આપ્યો : મુંબઈ પોલીસની ટ્‌વીટ થઈ વાઇરલ

મુંબઈ પોલીસે ક્રિકેટના માધ્યમથી કરેલી ટ્‌વીટમાં કોરોના બોલિંગ કરી રહ્યો છે

કોરોનાને લીધે મુંબઈના વધુ એક પોલીસનું મૃત્યુ થતાં અનેક અધિકારી અને કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ત્યારે મુંબઈ પોલીસે ગઈ કાલે લોકોને આ જીવલેણ વાઇરસથી સાવધાન રહેવા માટેની એક મજેદાર ટ્‌વીટ કરી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે બૅટ્સમૅનની આસપાસ કોરોનાના વિવિધ વેરિઅન્ટ ફીલ્ડિંગ ભરી રહ્યા છે અને ખુદ કોરોના બોલિંગ કરી રહ્યો છે. પોતાની સુરક્ષા આ વાઇરસ ભેદી ન શકે એ માટે તમારે પોતાની વિકેટ બચાવવા માસ્ક પહેરવાથી માંડીને કોવિડના નિયમોનું પાલન કરવું જરૂરી છે. પોલીસની આ ટ્‌વીટ ખૂબ વાઇરલ થઈ છે.
મુંબઈ પોલીસ સોશ્યલ મીડિયામાં ભારે સક્રિય છે. મુંબઈ પોલીસના ટ્‌વિટર-હૅન્ડલ પરથી લોકોને સતર્ક કરનારા કે આહ્‍વાન કરનારા કે સલાહ-સૂચન આપતા મીમ્સ પોસ્ટ કરવામાં આવે છે. પોલીસે ટ્‌વીટમાં ટેસ્ટ ક્રિકેટની થીમનો ઉપયોગ કરતો એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં બૅટિંગ કરી રહેલી વ્યક્તિ તરીકે નાગરિક હોવાનું કહેવામાં આવ્યું છે. બૅટ્સમૅનની આસપાસના ફીલ્ડરો ઓમાઇક્રોન, ડેલ્ટાક્રોન તેમ જ બોલર કોરોના વાઇરસ હોય એવું દર્શાવાયું છે. આ પોસ્ટ કરતી વખતે કૅપ્શનમાં લખ્યું છે, ‘કોરોના તમારી વિકેટ ન લે એવું ઇચ્છતા હો તો માસ્ક નામનું હેલ્મેટ જ તમારી સૌથી મોટી રણનીતિ ઠરશે. માસ્કનો ઉપયોગ કરો, વૅક્સિનેશન કરાવો અને કોરોનાના નિયમોનું પાલન કરો.’ 
મુંબઈ પોલીસની આ ટ્‌વીટની ભારે ચર્ચા થઈ રહી છે અને અસંખ્ય લોકો એને લાઇક કરવાની સાથે રીટ્‌વીટ પણ કરી રહ્યા છે.

126
મુંબઈ પોલીસે અત્યાર સુધી કોરોનામાં આટલા લોકોને ગુમાવ્યા છે.

coronavirus covid19 Omicron Variant mumbai mumbai news