એક્ટર્સ ચેતજો.!  મુંબઈ પોલીસે ફેક કાસ્ટિંગ ડાયરેક્ટરની કરી ધરપકડ, જાણો વિગત

11 January, 2022 03:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ પોલીસે વધુમાં જણાવ્યું કે કલકત્તાની એક મહિલાએ તિવારી પર આક્ષેપ કર્યો છે કે, તેણી પાસે વેબ સીરિઝમાં કામ આપવાના બહાને શારીરિક સંબધ બાંધવાની માગ કરવામાં આવી હતી.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પોલીસ(Mumbai Police)એ સોમવારે એક ફેક કાસ્ટિંગ ડાયરેક્ટરની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસે જણાવ્યું કે આરોપીની ઓળખાણ ઓમપ્રકાશ તિવારીના નામે થઈ છે, જે એક પ્રોડક્શન હાઉસમાં કામ કરતો હતો. પ્રોડક્શન હાઉસમાં કામ કરતો હોવાથી તે કાસ્ટિંગની પ્રક્રિયા જાણતો હતો. જેનો ફાયદો ઉઠાવી તે કેટલીક સ્ટ્રગલિંગ અભિનેત્રીઓને પોતાનો શિકાર બનાવતો હતો. 

મુંબઈ પોલીસે વધુમાં જણાવ્યું કે કલકત્તાની એક મહિલાએ તિવારી પર આક્ષેપ કર્યો છે કે, તેણી પાસે વેબ સીરિઝમાં કામ આપવાના બહાને શારીરિક સંબધ બાંધવાની માગ કરવામાં આવી હતી. મહિલા એક અભિનેત્રી છે, જેણે અનેક બંગાળી ફિલ્મોમાં કામ કર્યુ છે. 

ફેક કાસ્ટિંગ ડાયરેક્ટર ઓમપ્રકાશ તિવારીની મલાડ પોલીસની સાઈબર સેલે ધરપકડ કરી છે. પોલીસે આરોપીને શનિવારે તિતવાલાથી ઝડપી પાડ્યો હતો. પોલીસ અધિકારીએ આ અંગે વધુમાં જણાવ્યું કે, પીડિતાએ આરોપ સાથે કહ્યું કે તિવારી સોશિયલ મીડિયા પર પોતાને કાસ્ટિંગ ડાયરેક્ટર જણાવે છે. આરોપીએ આ પીડિતાને એક વેબ સીરિઝ માટે રોલ પણ ઓફર કર્યો હતો. આ સાથે તેની કેટલીક તસવીર પણ માગી હતી. જ્યારે મહિલાએ તેની કેટલીક અંગત તસવીર શેર કરી તો તેણે મહિલાને બ્લેકમેલ  કરવાનું શરૂ કર્યુ હતું, અને તસવીરને વાયરલ કરવાની ધમકી આપતો હતો. 

મલાડ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર ધનંજય લિગડેએ જણાવ્યું કે આરોપી પ્રોડક્શન હાઉસમાં કામ કરી ચૂક્યો છે પરંતુ તે પોતે કોઈ પ્રોડક્શન હાઉસ ચલાવતો નથી. જણાવી દઈએ કે આરોપી ઓમપ્રકાશ તિવારી વિરુદ્ધ IPCની કલમ 354A અને 354D હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે આરોપીઓ પર આઈટી એક્ટ પણ લગાવવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે હાલ તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.

 

 

 

 

 

malad mumbai police mumbai news