17 August, 2026 04:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈ પોલીસે એક 27 વર્ષીય બાંગ્લાદેશી નાગરિક નાદિરા સુલ્તાનાની કથિત રીતે માન્ય દસ્તાવેજો વિના ભારતમાં ફરીથી પ્રવેશ કરવા બદલ ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાને ગયા મહિને જ આ મહિલાને ભારતમાંથી બાંગ્લાદેશ ડિપોર્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ તે ફરી ગેરકાયદેસર રીતે ભારતમાં આવી હતી અને મુંબઈ પહોંચી અહીં રહેવા લાગી.
પોલીસે આપેલી માહિતી અનુસાર, 15 ઑગસ્ટના રોજ સવારે 8:15 વાગ્યાની આસપાસ માહિતી મળી હતી કે એક શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલા એન. એસ. પાટકર રોડ પર વિલ્સન કૉલેજની સામે, ચોપાટી નજીક ફૂટપાથ પર ભટકતી હતી. આ માહિતી બાદ, ગાવદેવી પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એક સૂત્ર દ્વારા આપવામાં આવેલા શારીરિક વર્ણનના આધારે પોલીસે મહિલાને શોધી કાઢી હતી. પૂછપરછ દરમિયાન, તે તેની ઓળખ અને સરનામા અંગે સ્પષ્ટ વિગતો આપી શકી નહીં. તેના જવાબો શંકાસ્પદ લાગતા, પોલીસ તેને વધુ પૂછપરછ માટે ગાવદેવી પોલીસ સ્ટેશન લઈ ગઈ.
પોલીસ સ્ટેશનમાં, મહિલાને તેનું નામ, સરનામું અને ભારતમાં કાનૂની સ્થિતિ અંગેના દસ્તાવેજો રજૂ કરવા કહેવામાં આવ્યું હતું. ચકાસણી પ્રક્રિયા દરમિયાન, પોલીસને શંકા ગઈ કે તેણી પાસે ભારતમાં રહેવા માટે જરૂરી માન્ય દસ્તાવેજોનો નહોતા. પરિણામે, તેના દસ્તાવેજો અને ભૂતકાળના રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે નાદિરા સુલતાનાને ગયા મહિને જ ભારતમાંથી બાંગ્લાદેશ ડિપોર્ટ કરવામાં આવી હતી. પોલીસનો આરોપ છે કે તેને ડિપોર્ટ કર્યા પછી, તે ગેરકાયદેસર રીતે ભારતમાં ફરી આવી અને મુંબઈ પહોંચી હતી.
પોલીસ હાલમાં ભારતમાં ફરી પ્રવેશવા માટે તેણે જે માર્ગ અપનાવ્યો હતો તેની તપાસ કરી રહી છે અને આ પ્રક્રિયા દરમિયાન તેણે કોણે મદદ કરી તેની પણ તપાસ શરૂ છે. તેના એજન્ટ્સ અને પ્રવૃત્તિઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓ એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું કોઈ સંગઠિત નૅટવર્ક સામેલ હતું કે શું તે પોતાની જાતે ભારતમાં પ્રવેશી હતી. પોલીસ તેના મોબાઇલ ફોન, સંપર્કો અને મુસાફરીની વિગતોની તપાસ કરી રહી છે. કાયદાની સંબંધિત કલમો હેઠળ મહિલા સામે કેસ નોંધવામાં આવ્યો છે. પૂછપરછ ચાલુ છે, અને તપાસના તારણોના આધારે વધુ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના બાદ, ગાવદેવી વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારમાં પોલીસ દેખરેખ વધારી દેવામાં આવી છે. પોલીસ અધિકારીઓ જણાવે છે કે શંકાસ્પદ પ્રવૃત્તિઓ વિશે માહિતી મળતા તાત્કાલિક પગલાં લેવામાં આવશે. મુંબઈ સહિત દેશભરમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.