સિદ્ધિવિનાયકનાં દર્શન સોમવારે થશે, પણ...

15 November, 2020 07:30 AM IST  |  Mumbai | Rohit Parikh

સિદ્ધિવિનાયકનાં દર્શન સોમવારે થશે, પણ...

સિદ્ધિવિનાયક મંદિર

મહારાષ્ટ્ર સરકારે સોમવારથી મુંબઈ અને મહારાષ્ટ્રનાં બધાં ધાર્મિક સ્થળોને ખોલવાની પરવાનગી આપતાં લોકોમાં હર્ષાલ્લાસ ફેલાયો છે. આની સામે જુહુના ઇસ્કૉન અને ચોપાટી પાસે આવેલા બાબુલનાથ મંદિરની જેમ અનેક મંદિરો સોમવારથી ખૂલશે કે નહીં એ બાબતે હજી અસમંજસ પરિસ્થિતિ છે. જ્યારે પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિરમાં જેની પાસે ક્યુઆર કોડ હશે તેમને જ સોમવારથી દર્શન માટે પ્રવેશ મળશે. ઝવેરીબજારના મુમ્બાદેવી મંદિરના વ્યવસ્થાપકોએ સોમવારથી મંદિર ખોલવા માટેની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે. મોટા ભાગનાં મંદિરોમાં પ્રસાદ ચડાવવાની અને પ્રસાદ આપવાની પ્રથા અત્યારના સંજોગોને ધ્યાનમાં રાખીને બંધ રાખવામાં આવી છે. માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવું, મૂર્તિથી અંતર રાખીને દર્શન કરવા જેવા કોવિડના નિયમોનું કડકપણે પાલન કરીને જ બધાં મંદિરો ખૂલશે.

સિદ્ધિવિનાયક મંદિર :
દાદરના સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી ભરત પરીખ અને આનંદ રાવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે એક મહિના પહેલાંથી મંદિરમાં સુરક્ષા અને સલામતીનાં પગલાંની વ્યવસ્થા કરી લીધી છે. એમાં શંકા નથી કે સરકારે મંદિર ખોલવા માટે બે દિવસનો જ સમય આપ્યો છે છતાં અમે સોમવારથી મંદિરના દરવાજા ભક્તો માટે સરકારના નિયમ અને શરત પ્રમાણે ખોલીશું. હવે પહેલાંની જેમ સિદ્ધિવિનાયક મંદિરમાં ભીડ નહીં જમા થવા દેવામાં આવે. જે ભક્તોએ ઑનલાઇન ક્યુઆર કોડ પોતાના મોબાઇલમાં જનરેટ કર્યો હશે તે વિનાવિલંબ મંદિરમાં પ્રવેશ કરી શકશે. જ્યારે અન્ય ભક્તો મંદિરમાં આવીને પણ ટેમ્પરરી ક્યુઆર કોડ લઈ શકે છે, પણ તેમને દર્શનમાં સમય લાગશે. અમે મંદિરમાં ડિજિટલ મશીન રાખ્યાં છે. પહેલાં તો જે ભક્ત પાસે ક્યુઆર કોડ હશે તેને જ મશીન પ્રવેશ આપશે.એ સિવાય એ ભક્તે માસ્ક પહેર્યો નહીં હોય કે તેનું ટેમ્પરેચર બરાબર નહીં હોય તો મશીન એને માટે પ્રવેશદ્વાર ખોલશે નહીં.

મુમ્બાદેવી મંદિર :
સરકારની મંદિર ખોલવાની ગઈ કાલની માર્ગદર્શિકાની જાહેરાત પછી મુમ્બાદેવી મંદિરના મૅનેજર હેમંત જાધવે મહારાષ્ટ્ર રાજ્યના ચીફ મિનિસ્ટર ઉદ્ધવ ઠાકરેના મંદિર ખોલવાના નિર્ણયને આવકારતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારે નવા વર્ષની શ્રદ્ધાળુઓને અદ્ભુત ગિફ્ટ આપી છે. કોરોનાને કારણે ૯ મહિના પછી મંદિર ખૂલવાથી ભાવિકોમાં હર્ષોલ્લાસ ફેલાયો છે. જોકે અમારી જવાબદારી વધી ગઈ છે. આજથી અમારે અમારા સ્ટાફ સાથે ભક્તજનોનું પણ ગંભીરતાથી ધ્યાન રાખવાનું છે. અમે સરકારની બધી ગાઇડલાઇનના પાલન સાથે સોમવારથી મંદિરના દરવાજા દર્શનાર્થે ખુલ્લા મૂકી દઈશું, પરંતુ અમે એક સમયે ફક્ત પાંચથી છ જ ભક્તોને દર્શન માટે મંદિરમાં પ્રવેશ આપીશું. એ લોકો બહાર નીકળશે પછી જ અમે અન્ય ભક્તોને દર્શન માટે પ્રવેશ આપીશું. માસ્ક પહેર્યા વગર કોઈ પણ ભક્તને મંદિરમાં પ્રવેશ મળશે નહીં. અમે ભક્તોને પ્રસાદ કે ચરણામૃત આપીશું નહીં. અમે ફૂલ પણ ચડાવવા નહીં દઈએ. અમે ભક્તો પાસેથી પ્રસાદ લઈશું નહીં તો આપવાનો સવાલ જ ઊભો થતો નથી. અમારી મંદિરની સિક્યૉરિટી અને પૂજારી પણ માસ્ક, હૅન્ડ-ગ્લવ્ઝ, ફેસ શીલ્ડ પહેરીને સેવા આપશે. દર બે કલાકે મંદિરમાં દર્શન બંધ કરીને મંદિરને સૅનિટાઇઝ કરવામાં આવશે. સોમવારે મંદિર ખોલતાં પહેલાં એને સંપૂર્ણ સૅનિટાઇઝ કરીને પછી જ ખોલવામાં આવશે.’

બાબુલનાથ મંદિર :
ચોપાટીના બાબુલનાથ મંદિરના વ્યવસ્થાપકે નામ ન આપવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમે સરકારના આદેશની કૉપી મળ્યા પછી મંદિર ખોલવા સંબંધી નિર્ણય લઈશું.

ઇસ્કૉન મંદિર :
જુહુના ઇસ્કોન મંદિરના પ્રેસિડન્ટ વ્રજ હરિદાસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે લૉકડાઉનને લીધે કોઈ મંદિરમાં આવતું નથી. અમને સરકાર તરફથી આદેશ મળ્યા પછી મંદિર ખોલવા બાબતમાં વિચારણા કરીશું. અમારી કાલે મીટિંગ છે એમાં આગળનો નિર્ણય લઈશું. આમ છતાં અમને સોમવારથી મંદિર ખોલી શકવા પર શંકા છે. અમને સરકારના નિયમોના પાલન માટેની બધી તૈયારી કરવામાં હજી બે-ત્રણ દિવસ લાગી જશે એથી અમે સોમવારે તો મંદિર નહીં જ ખોલી શકીએ.’

મહાલક્ષ્મી મંદિર :
મહાલક્ષ્મી મંદિરના સુપરવાઇઝર રાજેશ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘સરકારનો નિર્ણય આવ્યા પછી ગઈ કાલે દિવાળીનો દિવસ હોવાથી પહેલાં અમે શુદ્ધીકરણ અને આજ દિન સુધી ન થયો એવો ભવ્ય અભિષેક કર્યો હતો. સોમવારથી ભક્તો માટે મંદિર ખોલવાની અમારી પૂરેપૂરી તૈયારી છે. જોકે અમારા ટ્રસ્ટીઓ બહારગામ હોવાથી અમારો ફાઇનલ નિર્ણય આજે મીટિંગ કરીને લેવામાં આવશે.

બધાં જ જૈન દેરાસરો ખૂલશે
સરકારે થોડો મોડો નિર્ણય લીધો છે, નહીંતર દિવાળીના તહેવારોમાં બધાં જ ભક્તજનોએ ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સાથે તહેવારોની ઉજવણી કરી હોત એમ જણાવતાં દાદરના જ્ઞાન મંદિરના ટ્રસ્ટી અતુલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે પર્યુષણ પર્વથી દેરાસરો ખોલવા માટે લડી રહ્યા છીએ. અમારી લડતમાં ‘મિડ-ડે’ અમારા પડખે ઊભું રહ્યું હતું, જેને પરિણામે હવે નૂતન વર્ષના દિવસથી બધાં જ દેરાસરો સરકારની માર્ગદર્શિકા અને કોવિડના નિયમોના પાલન સાથે ખૂલશે.’

અમે મંદિરમાં ડિજિટલ મશીન રાખ્યાં છે. પહેલાં તો જે ભક્ત પાસે ક્યુઆર કોડ હશે તેને જ મશીન પ્રવેશ આપશે. એ સિવાય એ ભક્તે માસ્ક પહેર્યો નહીં હોય કે તેનું ટેમ્પરેચર બરાબર નહીં હોય તો મશીન એને માટે પ્રવેશદ્વાર ખોલશે નહીં.
- સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી

siddhivinayak temple dadar coronavirus lockdown mumbai news mumbai