દિવ્યાંગો માટેના ડબામાં ટ્રાવેલ કરવાનાં અજબ-ગજબનાં બહાનાં

25 January, 2020 07:48 AM IST  |  Mumbai | Vishal Singh

દિવ્યાંગો માટેના ડબામાં ટ્રાવેલ કરવાનાં અજબ-ગજબનાં બહાનાં

દિવ્યાંગો માટેના આરક્ષિત કમ્પાર્ટમેન્ટમાં પ્રવાસ કરી રહેલા મુસાફરોએ રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના અધિકારીઓ સમક્ષ ‘મેં રેચક (લેક્સેટિવ) લીધી છે’થી લઈને ‘મારો પગ મચકોડાઈ ગયો છે’ અને ‘નાનપણમાં મારા પગનું ઑપરેશન કરવામાં આવ્યું હતું’ અને ‘મારું માનસિક સંતુલન બરાબર નથી’ જેવાં અનેક સર્જનાત્મક કારણ રજૂ કર્યાં હતાં. આવા પ્રવાસીઓ પર સતત ચાંપતી નજર રાખવામાં આવતી હોવા છતાં આ કમ્પાર્ટમેન્ટમાં પ્રવાસ કરનારા બિનઅધિકૃત મુસાફરોની સંખ્યામાં ભારે વધારો નોંધાયો છે.

આ પણ વાંચો : મુંબઈ: વેટ ક્લિનિકના સ્ટાફ સાથે હિબા શાહે મારપીટ કરી

સેન્ટ્રલ રેલવેમાં આરપીએફે છેલ્લાં ત્રણ વર્ષમાં દિવ્યાંગો માટેના કમ્પાર્ટમેન્ટમાં પ્રવાસ ખેડનારા ૪૯,૦૪૬ પ્રવાસીઓને દંડ ફટકાર્યો હતો. આ કમ્પાર્ટમેન્ટ દિવ્યાંગો તથા સગર્ભાવસ્થાના છેલ્લા તબક્કામાં પ્રવેશતી મહિલાઓ માટે આરક્ષિત રાખવામાં આવે છે.

બહાનાં કેવાં-કેવાં?

૧) મને ઝાડા થયા હોવાથી મારે તરત જ ટ્રેનમાંથી ઊતરવું પડે છે. જો હું ભીડભાડવાળા કમ્પાર્ટમેન્ટમાં મુસાફરી કરીશ તો પૅન્ટ બગડશે.
૨) હું મુંબઈમાં નવો હોવાથી મને રિઝર્વ્ડ કમ્પાર્ટમેન્ટ વિશે ખબર નહોતી.
૩) મારો પગ મચકોડાઈ ગયો છે.
૪) મારા હાથમાં ફ્રૅક્ચર થયું હતું. હજી થોડા દિવસ પહેલાં જ પ્લાસ્ટર કાઢ્યું છે.
૫) મેં રેચક લીધી છે અને જનરલ કમ્પાર્ટમેન્ટમાં ઘણી ભીડ હતી.
૬) આ સ્પેશ્યલ કમ્પાર્ટમેન્ટ છે એવી મને ખબર નહોતી.
૭) મારે ઑફિસે પહોંચવામાં મોડું થતું હતું, પહેલી વાર જ મુસાફરી કરી છે.
૮) દિવ્યાંગો માટેના કમ્પાર્ટમેન્ટમાં પ્રવાસ કરવો ગુનો છે એની મને જાણ નહોતી.
૯) મારા પગમાં લોખંડનો સળિયો મુકાવ્યો છે.
૧૦) છેલ્લા સ્ટેશને જ ટ્રેનમાં ચડ્યો છું અને અહીં ઊતરવાનો જ હતો.
૧૧) બાળપણમાં પગમાં ઑપરેશન કરાવ્યું હતું.
૧૨) મને ૧૦૦ ડિગ્રી તાવ છે.
૧૩) મારું માનસિક સંતુલન બરાબર નહોતું.
૧૪) મારા પિતાને દાખલ કર્યા છે અને તેમને જમવાનું આપવાનું છે (પણ તેની પાસે ટિફિન નથી)

central railway mumbai news vishal singh