કોંકણની ગાડીઓમાં 6000ની ક્ષમતા સામે માંડ 255 પ્રવાસીઓ

17 August, 2020 08:12 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

કોંકણની ગાડીઓમાં 6000ની ક્ષમતા સામે માંડ 255 પ્રવાસીઓ

ફાઈલ તસવીર

રેલવે તંત્રે કોંકણ તરફની ગણપતિ સ્પેશ્યલ ટ્રેનો શરૂ કર્યાના સતત બીજા દિવસે પણ પ્રવાસીઓનો નબળો પ્રતિસાદ મળ્યો હતો. ઘણા લોકો ક્વૉરન્ટીન પીરિયડને ધ્યાનમાં રાખતાં કેટલાક દિવસો પહેલાં એમના ગામે પહોંચી ગયા છે. કોંકણની ટ્રેનોની ૬૩૯૨ પ્રવાસીઓની ક્ષમતા સામે ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ફક્ત ૨૫૫ ટિકિટોનું બુકિંગ થયું હતું. શનિવારે પહેલા દિવસે પણ ટ્રેનમાં પચીસેક ટકા ઑક્યુપન્સી હતી.

પેસેન્જર્સ અસોસિએશનના આગેવાન અજય પરબ કહે છે કે ‘મહારાષ્ટ્ર સરકારે ગણેશોત્સવ સ્પેશ્યલ ટ્રેનો શરૂ કરવામાં કરેલા વિલંબને કારણે આવું બન્યું છે. જેમને જવું હતું એ લોકો પહોંચી ગયા છે. તહેવાર ૨૨ ઑગસ્ટે શરૂ થતો હોવાથી હવે ટ્રેન લઈ જવાનો કોઈ અર્થ નથી. હવે કોઈ જાય તો ક્વૉરન્ટીન થવાનો તથા અન્ય મેડિકલ પ્રોટોકોલ્સનો સમય પણ બચ્યો નથી.’

દર વર્ષે ગણેશોત્સવમાં મુંબઈ અને પુણેથી કોંકણસ્થિત વતનનાં ગામોમાં જવા માટે ટ્રેનો અને બસોમાં લાખો લોકોની ભીડ થતી હોય છે.

રાજ્ય સરકારે આ વર્ષે તહેવારમાં કોંકણ જતા લોકો માટે ફરજિયાત ૧૦ દિવસ ક્વૉરન્ટીનની શરત રાખી છે. ૧૮૨ ગણપતિ સ્પેશ્યલ ટ્રેનોમાંથી ૧૬૨ મધ્ય રેલવેએ અને ૨૦ પશ્ચિમ રેલવેએ શરૂ કરી છે.

ganesh chaturthi konkan central railway mumbai news rajendra aklekar