મુંબઈમાં ૧૫થી ૧૮ વર્ષનાં ફક્ત ૧૬ ટકા બાળકોએ કોરોનાની રસી લીધી

17 January, 2022 12:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ પાછળનું એક કારણ એ છે કે કૉર્પોરેશન  ૪૦૦ જેટલાં રસીકરણ કેન્દ્રોના સ્થાને ફક્ત નવ જમ્બો કોવિડ કૅર હૉસ્પિટલનો જ આ હેતુ માટે ઉપયોગ કરી રહ્યું છે

૧૫થી ૧૮ વર્ષના ટીનેજર્સને કોરોનાની રસી આપવાના કાર્યક્રમ દરમ્યાન ગોરેગામ-વેસ્ટમાં આવેલી સેન્ટ જોન્સ યુનિવર્સલ સ્કૂલના સ્ટુડન્ટ્સને આપવામાં આવી રહેલી વૅક્સિન. (તસવીર : સમીર માર્કન્ડે)

શહેરમાં ૧૫થી ૧૮ વર્ષના ટીનેજર્સમાં રસીકરણના કાર્યક્રમને તદ્દન મોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ વયજૂથના ૯.૨૦ લાખ ટીનેજર્સમાંથી માત્ર ૧૬ ટકાએ જ અત્યાર સુધીમાં ડોઝ લીધો છે. આ પાછળનું એક કારણ એ છે કે કૉર્પોરેશન  ૪૦૦ જેટલાં રસીકરણ કેન્દ્રોના સ્થાને ફક્ત નવ જમ્બો કોવિડ કૅર હૉસ્પિટલનો જ આ હેતુ માટે ઉપયોગ કરી રહ્યું છે.
નવી મુંબઈ કૉર્પોરેશન હદમાં ૨૭,૮૨૩ પૈકીનાં ૯૦ ટકા યોગ્યતા ધરાવતાં બાળકોએ અત્યાર સુધીમાં રસીનો ડોઝ લીધો છે. રાજ્યમાં શનિવાર સુધીમાં યોગ્યતા ધરાવનાર ૬૦.૬ લાખમાંથી ૪૧ ટકાએ રસી લીધી હતી.
દિલ્હીમાં યોગ્યતા ધરાવનારા ૧૦.૧૦ લાખ ટીનેજર્સમાંથી ૫.૫૦ લાખ (લગભગ ૫૫ ટકા)એ કોવૅક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે.
કૉર્પોરેશનના હેલ્થ ઑફિસર ડૉક્ટરે જણાવ્યું હતું કે ‘કૉર્પોરેશન આ વયજૂથનાં બાળકોને આગામી સપ્તાહથી રસીકરણ કેન્દ્રોમાં રસી આપવાનું શરૂ કરશે. અમે વૉર્ડ લેવલનાં નાનાં કેન્દ્રોમાં પણ રસી આપીશું, જેથી બાળકો તેમના ઘરની નજીક હોય એવાં કેન્દ્રોમાં જઈને રસી મુકાવી શકે.’

coronavirus covid19 vaccination drive covid vaccine mumbai mumbai news