માત્ર ૧૦ ટકા પ્રવાસી બાકીના ૯૦ ટકા લોકોના જીવ જોખમમાં મૂકે છે: મેયર

18 February, 2021 01:21 PM IST  |  Mumbai | Agency

માત્ર ૧૦ ટકા પ્રવાસી બાકીના ૯૦ ટકા લોકોના જીવ જોખમમાં મૂકે છે: મેયર

ગઈ કાલે ટ્રેનમાં પ્રવાસ કરી રહેલાં મેયર કિશોરી પેડણેકરે સ્કૂલની એક વિદ્યાર્થિનીનો માસ્ક બરાબર કર્યો હતો. (તસવીર: સુરેશ કરકેરા)

સેન્ટ્રલ રેલવે રૂટ પર ભાયખલા સ્ટેશનથી ટ્રેનમાં ચઢતાં પહેલાં મેયર કિશોરી પેડણેકરે સ્ટેશન બહાર રાઉન્ડ લગાવીને માસ્ક વિના ફરનારા લોકોને માસ્ક પહેરવા જણાવ્યું હતું.

મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે શહેરમાં કોરોનાના વધી રહેલા કેસ વિશે શહેરીજનોમાં માસ્કની ઉપયોગિતા વિશે જાગૃતિ ફેલાવવા બુધવારે લોકલ ટ્રેનમાં મુસાફરી ખેડી હતી.

સેન્ટ્રલ રેલવે રૂટ પર ભાયખલા સ્ટેશનથી ટ્રેનમાં ચઢતાં પહેલાં પેડણેકરે સ્ટેશન બહાર રાઉન્ડ લગાવીને માસ્ક વિના ફરનારા લોકોને માસ્ક પહેરવા જણાવ્યું હતું. સ્ટેશનના કેટરિંગ સ્ટૉલ પર ઊભેલા કેટલાક વેન્ડર્સે યોગ્ય રીતે માસ્ક પહેર્યા ન હતા. પેડણેકરે તેમને હંમેશાં ફેસ માસ્ક પહેરી રાખવા અપીલ કરી હતી અને તેઓ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરશે તો પોલીસ કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી, એમ બીએમસીના અધિકારીએ જણાવ્યું હતું.

ભાયખલાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) સુધીની તેમની મુસાફરી દરમિયાન તેમને સંખ્યાબંધ લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા. અધિકારીના જણાવ્યા મુજબ મેયરે તે લોકોને જણાવ્યું હતું કે ‘માસ્ક વિના ફરનારા ૧૦ ટકા પૅસેન્જરો જાહેર સ્થળોએ માસ્ક પહેરનારા બાકીના ૯૦ ટકા લોકોના જીવ જોખમમાં મૂકે છે.’

ત્યાર બાદ મેયરે હાર્બર લાઇન પર સીએસએમટીથી સાંતાક્રુઝ સુધી પ્રવાસ કર્યો હતો અને ત્યાંથી તેમણે સાંતાક્રુઝમાં આવેલી એક હોટેલ પર રેઇડ પાડીને ક્વૉરન્ટિન થયેલા લોકોની તપાસ કરતાં ચાર જણ મિસિંગ મળ્યા હતા.

mumbai mumbai news coronavirus covid19 maharashtra byculla