હવે શિવસેના - બીજેપીની લડાઈમાં થઈ ગુજરાતીઓની એન્ટ્રી

11 February, 2021 09:45 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

હવે શિવસેના - બીજેપીની લડાઈમાં થઈ ગુજરાતીઓની એન્ટ્રી

અમિત શાહ

મુખ્ય પ્રધાન અને શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સિંધુદુર્ગમાં શિવસેના વિશે કરેલી ટીકાની ગંભીર નોંધ લીધી છે. તેમણે શિવસૈનિકોને એક લાગણીભર્યો પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસને નિશાના પર લેવાની સાથે એક ગુજરાતી મહારાષ્ટ્રમાં આવીને કેવી રીતે શિવસેનાને ખતમ કરવાનું કહી શકે એમ લખ્યું છે.

શિવસેના મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફરી વિજય મેળવવા માટે એક તરફ ગુજરાતીઓને પોતાની તરફ આકર્ષવા જલેબી-ફાફડા અને રાસગરબાનું આયોજન કરી રહી છે, જ્યારે બીજી બાજુ ગુજરાતી અમિત શાહ સામે મોરચો ખોલ્યો છે.

ઉદ્ધવ ઠાકરેએ પત્રમાં શું લખ્યું છે?

શિવસૈનિકોને સંબોધીને લખેલા પત્રમાં ઉદ્ધવ ઠાકરેએ લખ્યું છે કે ‘એક ગુજરાતી વ્યક્તિ મહારાષ્ટ્રમાં આવીને, મરાઠી માણસના ન્યાય અને હક માટે જન્મેલી શિવસેનાને ખતમ કરવાનું વાક્ય બોલે અને નારાયણ રાણે તાળીઓ વગાડીને આ વાક્યને વધાવે એ આ મરાઠી માણસની કમનસીબી છે.’

તેમણે લેટરમાં વધુમાં કહ્યું છે કે ‘હવે શિવસેનાની કેટલીક બાબતો કેટલાક મરાઠી લોકોને ભલે પસંદ ન હોય, પણ ૧૯ જૂન, ૧૯૬૬માં જ્યારે શિવસેનાની સ્થાપના થઈ હતી ત્યારે ખાસ કરીને મુંબઈ અને નજીકના થાણે પરિસરમાં મરાઠી માણસની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. ભાષા પરથી પ્રાંતરચના થવાથી મુંબઈ મરાઠી માણસને મળે એ માટે ૧૦૫ મરાઠી માણસો હુતાત્મા થયા. જોકે એ સમયે મુંબઈની આર્થિક નાડી પરપ્રાંતીયોના હાથમાં હતી. મરાઠી માણસ પાસે ત્યારે કોઈ પણ ઉદ્યોગ નહોતો, સારું શિક્ષણ નહોતું. આથી સરકારી નોકરીમાં મરાઠી માણસો નીચલા પદે કામ કરતા હતા. આ સ્થિતિ જોઈને બાળાસાહેબ અસ્વસ્થ થતા અને એમાંથી જે ક્રાંતિ થઈ અને શિવસેનાનો જન્મ થયો એ ઇતિહાસ આપણે જાણીએ છીએ. એ સમયે શિવસેના અને માત્ર શિવસેના મરાઠી માણસોની પાછળ ઊભી રહેલી. આથી આજે મરાઠી માણસો મુંબઈ શહેરમાં માથું ઊંચું રાખીને ઊભા રહી શકે છે એ કોઈ નકારી ન શકે. અત્યારે પેઢી બદલાઈ છે, પણ ઇતિહાસ નથી બદલાતો.’

શિવસેનાનું શું કહેવું છે?

શિવસેનાના રાજ્યસભાના સંસદસભ્ય અને મુખ્ય પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીનો સંપર્ક કરીને ઉધ્ધવ ઠાકરેએ લખેલા પત્ર વિશે પૂછ્યુ તો તેમણે ‘મિડ-ડે’નો સવાલ સાંભળ્યા બાદ કહ્યું કે હું મીટિંગમાં છું, પછી વાત કરું છું. આટલુ કહીને ફોન કટ કરી નાખ્યો હતો.

બીજેપીનું શું કહેવું છે?

મહારાષ્ટ્ર બીજેપીના વાઇસ પ્રેસિડન્ટ માધવ ભંડારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શિવસેના ૨૪ કલાક પહેલાં ગુજરાતીઓને પક્ષમાં સામેલ કરવા માટે રાસગરબાના કાર્યક્રમનું આયોજન કરે છે અને હવે ગુજરાતીઓની વિરુદ્ધ મરાઠીઓનો સીન ઊભો કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. અમિત શાહે શિવસેનાને ખતમ કરવાની વાત કરી જ નથી. શિવસેના અત્યારે જે રાહ પર ચાલી રહી છે એમ બીજેપી ચાલી હોત તો શિવસેના નામશેષ થઈ ગઈ હોત એમ તેમણે કહ્યું હતું. આ વાતને તેઓ ખોટી રીતે શિવસૈનિકો સમક્ષ રજૂ કરી રહ્યા છે.’

mumbai mumbai news shiv sena bharatiya janata party uddhav thackeray amit shah prakash bambhrolia