વૅક્સિન માટે હદ પાર

15 May, 2021 07:51 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

એનો અર્થ એવો છે કે મુંબઈગરાઓને વૅક્સિન માટે અપૉઇન્ટમેન્ટ મળતી ન હોવાથી તેઓ મુંબઈની આસપાસના વિસ્તારોમાં ટાઇમ-સ્લૉટ બુક કરીને જરૂર પડ્યે ભિવંડી સુધી લાંબા થઈને વૅક્સિન લેવાનો જુગાડ કરી રહ્યા છે

મુંબઈથી થોડે દૂરનાં ઘણાં વૅક્સિન સેન્ટર પર વૅક્સિન લેવા માટે ઝાઝી ગિરદી જોવા નથી મળતી.

કોરોના સામેની લડતમાં વૅક્સિન કેટલું મહત્ત્વ ધરાવે છે એનો અંદાજ લોકોને આવતાં મુંબઈમાં છેલ્લા અનેક દિવસોથી વૅક્સિનને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. વૅક્સિનેશન સેન્ટરની બહાર લોકો લાંબી લાઇન લગાવીને કલાકો સુધી ઊભા રહીને વૅક્સિન મળે એ માટેના પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ વૅક્સિન ઓછી આવતી હોવાથી એ શક્ય નથી બનતું. એટલું જ નહીં, લોકોને ઑનલાઇન અપૉઇન્ટમેન્ટ મેળવવામાં પણ નાકે દમ આવી જતો હોવાથી હવે વૅક્સિન લેવા માટે લોકોએ અન્ય જગ્યાએ જુગાડ કરવાનું શરૂ કરી દીધું છે.

લોકોને ઑનલાઇન અપૉઇન્ટમેન્ટ મળતી ન હોવાથી અને અનેક પ્રયાસ કર્યા છતાં કંઈ હાથ લાગી રહ્યું ન હોવાથી મજબૂર થઈને લોકો મુંબઈની બહાર જઈને વૅક્સિનેશન કરાવી રહ્યા છે. 

કાંદિવલી-વેસ્ટમાં ભુરાભાઈ હૉલની બાજુમાં દયાલ સ્મૃતિ બિલ્ડિંગમાં રહેતાં કલ્પના ધરોડે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘કોરોનાનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે એને કારણે એક રીતે ડર લાગી રહ્યો હતો. એમાં વૅક્સિનેશન એ જ એકમાત્ર સુરક્ષાકવચ લાગી રહ્યું હતું, એટલે કોઈ પણ હિસાબે વૅક્સિન મેળવવી જ હતી. વૅક્સિનેશન કરાવીને સુરક્ષિત તો થઈ શકાય. એથી અનેક દિવસોથી ઑનલાઇન પ્રયત્ન કર્યા, પરંતુ થોડી સેકન્ડમાં જ બધા ટાઇમ-સ્લૉટ બુક થઈ જતા હતા. દરરોજ સાંજે સાડાસાત વાગ્યે બુક કરવા બેસીએ, પરંતુ થઈ જ શકતું નહોતું. એટલે અમારા પરિવારના અન્ય સભ્યો પણ પોતાના મોબાઇલથી ટાઇમ-સ્લૉટ બુક કરવાના પ્રયત્ન કરી રહ્યા હતા. સાતેક દિવસના પ્રયત્ન છતાં કશું ન થયું. ત્યાર બાદ ગ્રાન્ટ રોડમાં રહેતી મારા નણંદની દીકરી બંસરી શેઠિયાના મોબાઇલ પર ભિવંડીમાં વૅક્સિનની ઉપલબ્ધિ દેખાઈ હતી. તેણે ફોન કરીને અમને જાણ કરતાં અમે તેને હા પાડી દીધી હતી. અમારા આધાર કાર્ડ અને અન્ય માહિતીના આધારે તેણે ટાઇમ-સ્લૉટ બુક કરાવ્યો હોવાથી હું અને મારી દીકરી મહેક ભિવંડીમાં મીનાતાઈ ઠાકરે હૉલની બાજુમાં નાના એવા વૅક્સિનેશન સેન્ટરમાં ગયાં હતાં. ત્યાં ભીડ પણ નહોતી. ત્યાં અમારું ખૂબ સારી રીતે વૅક્સિનેશન કરવામાં આવ્યું. ભિવંડી કે મુંબઈની કોઈ પણ જગ્યાએ અમે વૅક્સિન લેવા જવા તૈયાર હતાં. અમારે વૅક્સિન લેવી જ હતી, પછી ભલે એ ક્યાંય પણ મળતી હોય.’

વસઈ-ઈસ્ટમાં રહેતા શામક શાહ તેમની મમ્મી સાથે વસઈથી ૧૨૦ કિલોમીટર દૂર આવેલા જવ્હારના વૅક્સિનેશન સેન્ટર ગયા હતા. તેમણે કહ્યું કે ‘સતત ૬ દિવસ પ્રયાસ કર્યા છતાં અને સેન્ટરમાં જઈને તપાસ કર્યા છતાં વૅક્સિન ક્યારે મળશે એની કોઈ માહિતી મળતી નહોતી. 

વસઈ-વિરારમાં સ્ટૉક ઓછો હોવાથી સેન્ટરમાં ઓછા લોકોને વૅક્સિન અપાઈ રહી છે. રાતે ૧૨ વાગ્યે, સાંજે સાડાસાત વાગ્યે, સવારે ૮થી ૧૧ વાગ્યે ટાઇમ-સ્લૉટ બુક કરવાના સતત પ્રયત્ન કર્યા, પણ ગણતરીની સેકન્ડમાં જ બધું બુક થઈ જતું હતું એથી અંતે જવ્હારના એક સેન્ટરમાં મને વૅક્સિનેશન અવેલેબિલિટી દેખાતાં મેં તરત જ એ બુક કરાવી લીોધી અને મમ્મી સાથે બાય રોડ છેક ત્યાં વૅક્સિનેશન માટે ગયાં હતાં.’

કાંદિવલીમાં રહેતાં સીમા શાહ અને તેમના પતિ છેલ્લા ઘણા દિવસથી વૅક્સિનેશન સેન્ટરમાં તપાસ કરવા જતાં હતાં. ઑનલાઇન અડધી રાતે ટાઇમ-સ્લૉટ બુક થતો ન હોવાથી કંટાળી ગયાં હતાં. વધુ માહિતી આપતાં સીમા શાહે કહ્યું કે ‘અંતે થાણેમાં આવેલા એક વૅક્સિનેશન સેન્ટરમાં અમને સ્લૉટ દેખાયો હતો. એથી તરત એ બુક કરીને અમે ત્યાં જઈને વૅક્સિન લીધી હતી. થાણે સિવાય બીજે પણ ક્યાંય હોત તો જવા માટે અમે તૈયાર જ હતાં.’

અનેક દિવસોથી ઑનલાઇન પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, પરંતુ અમુક સેકન્ડની અંદર જ બધા ટાઇમ-સ્લૉટ બુક થઈ જાય છે. દરરોજ સાંજે સાડાસાત વાગ્યે બુક કરવા બેસીએ છીએ, પરંતુ બુક થતું જ નહોતું.
કલ્પના ધરોડ, કાંદિવલી

mumbai mumbai news coronavirus covid19 covid vaccine vaccination drive preeti khuman-thakur