ઉત્તર મુંબઈ વેપારી સંગઠન શહીદોને આપશે ૪૦ લાખની સહાયરૂપી શ્રદ્ધાંજલિ

16 February, 2019 11:16 AM IST  |  મુંબઈ

ઉત્તર મુંબઈ વેપારી સંગઠન શહીદોને આપશે ૪૦ લાખની સહાયરૂપી શ્રદ્ધાંજલિ

વેપારી મંડળે કરી સહાયની જાહેરાત

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગઈ કાલે થયેલા આત્મઘાતી આતંકવાદી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થતાં ભારતભરમાં પ્રચંડ આક્રોશ વ્યાપી ગયો છે. ગુસ્સાથી લાલચોળ લોકો વારંવારના આ પ્રકારના આતંકવાદી હુમલા કાયમ માટે રોકવા પાકિસ્તાનને ખતમ કરી નાખવાની માગણી કરી રહ્યા છે. એક તરફ દેશભરમાં લોકોનું લોહી ઊકળી રહ્યું છે તો બીજી બાજુ અસંખ્ય લોકોએ લગ્નથી માંડીને બીજી ઉજવણીઓ મોકૂફ રાખીને શહીદોના મોતનો મલાજો જાળવ્યો છે. અનેક લોકોએ પોતાના સમારંભમાં થનારો ખર્ચ આર્મી રિલીફ ફન્ડમાં આપવાનો નિર્ણય લીધો છે.

પુલવામામાં એક શહીદના પાર્થિવ દેહને ગૃહપ્રધાન રાજનાથ સિંહે કાંધ આપેલા સમાચાર જોયા બાદ અનેકની આંખમાંથી આંસુ બહાર આવી ગયાં હતાં. આતંકવાદીઓને સંરક્ષણ આપનારા પાકિસ્તાન ઉપરાંત ભારતમાં રહીને જ દેશદ્રોહીઓને સાથ આપનારાઓને ખતમ કરવા જોઈએ એવો આક્રોશ વ્યક્ત કર્યો છે.

દેશમાં જ્યારે પણ આ પ્રકારની ઘાતક ઘટના બને છે ત્યારે મુંબઈગરાઓ સૌથી પહેલાં આગળ આવીને મદદનો હાથ લંબાવે છે. શિવસેનાનું ઉત્તર મુંબઈ વેપારી સંગઠન પણ સેના પરના આ હુમલાથી વ્યથિત થયું છે. સંગઠનના પદાધિકારીઓએ આજે શહીદોના પરિવારજનો માટે ૪૦ લાખ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી હતી.

ઉત્તર મુંબઈ વેપારી સંગઠનના ઉપાધ્યક્ષ વિજય શાહે જણાવ્યું હતું કે સેના પર કરાયેલા આટલા મોટા આતંકવાદી હુમલાથી યુદ્ધ ફાટી નીકYયું હોય એવું વાતાવરણ ઊભું થયું છે. પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદી સંગઠન દ્વારા કરાયેલું આ લોહિયાળ કૃત્ય સાંખી લેવાય એમ નથી. દેશના લાખો લોકોની સાથે વેપારીવર્ગ પણ મોતના આ ખેલથી વ્યથિત થઈ ગયો છે. આપણે સરહદ પર જઈને દુશ્મનો સામે લડી ન શકીએ, પરંતુ આપણું રખોપું કરનારા જવાનોનેતો જરૂર મદદ કરી શકીએ એ ભાવથી અમે હુમલામાં શહીદ થયેલા ૪૦ જવાનોના પરિવારજનોને ૪૦ લાખ રૂપિયાની મદદ કરવાનો નિર્ણય લીધો છે.

વેપારી સંગઠનના ઉપાધ્યક્ષ સૌરભ મહેતાએ ઉમેર્યું હતું કે ઉત્તર મુંબઈના વેપારીઓ શહીદોના પરિવારજનોને મદદ મળે એ માટે ૪૦ લાખ રૂપિયા એકત્રિત કરીને શહીદોના ઘર સુધી પહોંચતા કરવાના છે. સેનાના જવાનો ૨૪ કલાક સતર્ક રહીને આપણી રક્ષા કરે છે તો આપણે પણ વતન માટે જીવ આપી દેનારા શહીદોના પરિવારજનોને સહાય કરીને સહાનુભૂતિ તો વ્યક્ત કરી જ શકીએ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આતંકવાદી હુમલામાં શહીદ થનારા જવાનોને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે દેશના દુશ્મનોએ ભરેલું પગલું ભારે પડશે. તેમને તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવશે. દેશમાં આજે લોકોનું લોહી ઊકળી રહ્યું છે. દુશ્મનોએ કરેલા આ કૃત્યનો બદલો લેવામાં આવશે. જમ્મુ-કશ્મીરમાં સેનાને છુટ્ટો દોર આપી દેવાયો છે. દેશદ્રોહીને વીણી-વીણીને ખતમ કરવાનું કામ શરૂ કરી દેવાયું છે.

સીઆરપીએફના વડાએ પણ આતંકવાદી હુમલાનો વળતો જવાબ આપવાનું કહ્યું હતું અને જમ્મુ-કશ્મીર ઉપરાંત દેશભરમાં આતંકવાદીઓના ફેલાયેલા નેટવર્કને ખતમ કરવા માટેની કાર્યવાહી આરંભી દેવાઈ હોવાનું પત્રકારોને જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આતંકવાદી હુમલાના સમાચાર જાણ્યા બાદ મુંબઈ સહિત દેશભરમાં અનેક ઠેકાણે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે. આ આતંકવાદી હુમલાની યોજના પાકિસ્તાનના કરાચીમાં ઘડાઈ હોવાનું જણાઈ આવતાં મુંબઈમાં અનેક ઠેકાણે લોકોએ પાકિસ્તાનના ઝંડા બાળીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ મુંબઈઃનાલાસોપારામાં રોકાઈ લોકલ ટ્રેન

વિજયભાઈ અને સૌરભભાઈની મુંબઈના તમામ વેપારીભાઈઓને નમ્ર વિનંતી છે કે આ ઉમદા કાર્યમાં સાથસહકાર આપો અને આપણા દેશના જવાનોના પરિવાર પર આવી પડેલી આ કપરી પરિસ્થિતિમાં આપણે તેમને થોડો સધિયારો આપી શકીએ.

mumbai news terror attack