મુંબઈ : વાઘની નસબંધી નહીં

08 August, 2020 06:59 AM IST  |  Mumbai | Dharmendra Jore

મુંબઈ : વાઘની નસબંધી નહીં

તાડોબા અંધારી નૅશનલ પાર્કમાં અનિલ કુંબલેના દીકરાએ પાડેલા વાઘના ફોટોગ્રાફ.

સ્ટેટ બોર્ડ ફૉર વાઇલ્ડ લાઇફ (એસબીડબ્લ્યુએલ)એ મહારાષ્ટ્રના અડધોઅડધ વાઘનો જ્યાં વસવાટ છે અને જ્યાં માનવ-પશુ વચ્ચે ઘર્ષણ થવાના કારણે જાનહાનિના કિસ્સા વધી રહ્યા છે તે ચંદ્રાપુર જિલ્લામાં વસવાટ કરી રહેલા વાઘનું ખસીકરણ કરવાના વિચારને ફગાવી દીધો છે.

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળ શુક્રવારે મળેલા બોર્ડે નક્કી કર્યું હતું કે વાઘને નજીકના ગઢચિરોલીનાં જંગલોમાં શા માટે મૂકવા ન જોઈએ તે નિષ્ણાતોએ જાણવું જોઈએ. બોર્ડે એમ પણ જણાવ્યું હતું કે પ્રજનન અટકાવવા માટે અને માનવ-પશુના ઘર્ષણનું નિવારણ કરવા માટે કામચલાઉ ધોરણે (નર-વાઘની) લેપરોસ્કોપિક વેસેક્ટોમી (નસબંધી) અને (માદા-વાઘનું) વંધ્યીકરણ કરવાનું અંતિમવાદી પગલું ભરવાને સ્થાને નવો વસવાટ પૂરો પાડીને વાઘના વસવાટને મોકળાશ આપવા માટે ખંડિત કોરિડોરને વ્યવસ્થિત કરવો જોઈએ.

વન વિભાગે પણ ચંદ્રાપુરના ૫૦ વાઘને અન્ય સાનુકૂળ વનવિસ્તારમાં સ્થળાંતરિત કરવાનું સૂચન કર્યું હતું.

વિડિયો કૉન્ફરન્સમાં ભાગ લેનાર એસબીડબ્લ્યુએલના સભ્ય કિશોર રીઠેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે સીએમનો એવો અભિપ્રાય હતો કે ખસીકરણ એ સૌથી છેલ્લો વિકલ્પ હોવો જોઈએ. રીઠેના જણાવ્યા પ્રમાણે જ્યારે રાજ્યમાં વાઘની કુલ વસ્તી ૩૧૨ છે, તેમાંથી તાડોબા અને અન્ય વન્યજીવ અભયારણ્યો ધરાવતા ચંદ્રાપુર જિલ્લામાં (બચ્ચાં અને કિશોર વયના વાઘ ઉપરાંતના) ૧૬૦ વાઘ વસે છે, સાથે જ ૨૦૦૭થી લઈને અત્યાર સુધીમાં વાઘના હુમલામાં આશરે ૧૫૦ લોકોનાં મોત નીપજ્યાં છે.

chandrapur wildlife mumbai maharashtra mumbai news dharmendra jore