મુંબઈ: તેજસ એક્સપ્રેસ લેટ 630 મુસાફરોને વળતર

23 January, 2020 07:35 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ: તેજસ એક્સપ્રેસ લેટ 630 મુસાફરોને વળતર

તેજસ એક્સપ્રેસ

ગઈ કાલે સવારે અમદાવાદથી મુંબઈ આવતી તેજસ એક્સપ્રેસ ટ્રેનના પ્રવાસમાં એક કલાક-વીસ મિનિટનો વિલંબ થતાં ૬૩૦ મુસાફરોને વળતર ચૂકવવામાં આવ્યું હતું. મીરા રોડ રેલવે સ્ટેશન પાસે ઓવરહેડ વાયરમાં ખરાબીને કારણે ટ્રેન મોડી પડવાની પ્રથમ ઘટના બની હતી. ચાર મુસાફરોએ ફ્લાઇટ પકડવા માટે ઍરપોર્ટ પહોંચવામાં મોડું થતું હોવાથી ટ્રેનને અંધેરી સ્ટેશને રોકવાની માગણી કરી હતી. એથી તેજસ એક્સપ્રેસને અંધેરી સ્ટેશને સ્ટૉપેજ નહીં હોવા છતાં ગઈ કાલે બે મિનિટનો હૉલ્ટ આપવામાં આવ્યો હતો.

પશ્ચિમ રેલવેના પ્રવક્તા રવીન્દ્ર ભાટકરે જણાવ્યું હતું કે ‘ગઈ કાલે સવારે દહિસર અને ભાઇંદર વચ્ચે ફાસ્ટ લાઇન પર ટેક્નિકલ ખામીને કારણે બપોરે ૧૨.૧૫ વાગ્યાથી ઓવરહેડ વાયર પાવર હોલ્ડ કરી શકતો નહોતો. એ ખામી દૂર કરવાના સમારકામને પગલે દહિસર અને મીરા રોડ વચ્ચેનો ટ્રેનવ્યવહાર ૧૨.૩૦ વાગ્યે તથા મીરા રોડ અને ભાઇંદર વચ્ચેનો ટ્રેનવ્યવહાર ૧.૩૫ વાગ્યે ફરી શરૂ થયો હતો. એ સમયગાળામાં અન્ય ત્રણ લાઇનનો વ્યવહાર રાબેતા મુજબ ચાલતો હતો. એ સમયગાળામાં મુંબઈ તરફ આવતી લાંબા અંતરની ચાર ટ્રેનો મોડી પડી હતી અને સબર્બન સર્વિસની આઠ ટ્રેનો રદ કરવામાં આવી હતી.’

ઇન્ડિયન રેલવે કૅટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (આઇઆરસીટીસી)ના અધિકારીઓએ અગાઉ તેજસ એક્સપ્રેસના પ્રવાસમાં એક કલાકથી વધારે વિલંબ થાય તો ૧૦૦ રૂપિયા અને બે કલાકનો વિલંબ થાય તો ૨૫૦ રૂપિયા વળતર દરેક પ્રવાસીને ચૂકવવાની જાહેરાત કરી હતી. કૉર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ‘ટ્રેનની ૮૭૯ પ્રવાસીઓની ક્ષમતા છે, પરંતુ ગઈ કાલના પ્રવાસમાં મુંબઈ સેન્ટ્રલ ઊતરનારા ૬૩૦ મુસાફરોની તારવણી કરીને તેમને એનઈએફટી દ્વારા બૅન્કના ખાતામાં વળતરની રકમ જમા કરવામાં આવશે.’

આ પણ વાંચો : મુંબઇના મૉલ્સ અને મલ્ટીપ્લેક્સ 24x7 ચાલુ રહેશે

મૂવી કોચ જોડાશે?

પશ્ચિમ રેલવેના ટાઇમ ટેબલ પ્રમાણે તેજસ એક્સપ્રેસ અમદાવાદથી સવારે ૬.૪૦ વાગ્યે રવાના થઈને બપોરે ૧.૧૦ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચે છે. વળતા પ્રવાસમાં એ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી બપોરે ૩.૪૦ વાગ્યે રવાના થઈને રાતે ૯.૫૫ વાગ્યે અમદાવાદ પહોંચે છે. ટ્રેનનો આ રૂટના પ્રવાસનો નિર્ધારિત સમય સાડાછ કલાકનો છે. ટ્રેનની ૧૮ ડબ્બાની ક્ષમતા છે, પરંતુ હાલમાં ૧૨ ડબ્બા સાથે ટ્રેન દોડે છે. ટૂંક સમયમાં આ લક્ઝરી ટ્રેનમાં ફિલ્મો જોવા માટે જુદો મૂવી કોચ રાખવામાં આવશે. એ કોચમાં રિક્લાઇનિંગ સીટ્સ અને ફુટ મસાજર રહેશે.

ahmedabad central railway mumbai mumbai news rajendra aklekar